'પપ્પાની સુરક્ષા હટાવવા પાછળ ખાસ ઇરાદો હતો...', સોનિયા ગાંધી સાથે રાહુલ અને પ્રિયંકા ગાંધીની ભાવુક ચર્ચા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે પોતાની માતા સોનિયા ગાંધી અને બહેન પ્રિયંકા ગાંધી વાડ્રા સાથે જોડાયેલા જૂના કિસ્સાઓ શેર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે ઘણી બાબતો યોજના મુજબ થઈ નહોતી અને તેમનો સાતમો જન્મદિવસ પણ ધાર્યા મુજબનો રહ્યો નહોતો.
સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ શું કહ્યું?
રાહુલ ગાંધીએ 'X'પર એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેઓ બહેન પ્રિયંકા અને માતા સોનિયા ગાંધી સાથે વાત કરતાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે રાહુલ ગાંધીએ લખ્યું કે, 'આ પ્રસ્તાવ યોજના મુજબ આગળ વધ્યો નહીં. મારો સાતમો જન્મદિવસ પણ યોજના મુજબ રહ્યો નહીં. 2004ના એક નિર્ણયથી અમારામાંથી કેટલાક લોકોને રાહત મળી, જ્યારે કેટલાક લોકોને ખુશી થઈ.'
જોકે, રાહુલ ગાંધીએ એ સ્પષ્ટ નથી કર્યું કે તેઓ 2004ના કયા નિર્ણયની વાત કરી રહ્યા છે, પરંતુ એવું માનવામાં આવે છે કે તેમનો ઇશારો સંભવતઃ સોનિયા ગાંધીએ વડાપ્રધાન પદ સ્વીકારવાનો ઇન્કાર કર્યો તે નિર્ણય તરફ છે. વર્ષ 2004માં કોંગ્રેસના નેતૃત્વવાળા ગઠબંધનને લોકસભા ચૂંટણીમાં જીત મળી હતી. સોનિયા ગાંધી વડાપ્રધાન બની શકતા હતા, પરંતુ તેમણે તે પદ સ્વીકાર્યું નહીં અને મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવાનો નિર્ણય લીધો હતો.
બિહાર પ્રવાસ બાદ રાહુલ ગાંધીને પિતાની સુરક્ષાની ચિંતા સતાવવા લાગી હતી
વાતચીત દરમિયાન સોનિયા ગાંધીએ વર્ષ 1991ના એક બનાવનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે તે સમયે રાહુલ ગાંધી પોતાના પિતા રાજીવ ગાંધી સાથે બિહાર પ્રવાસે ગયા હતા. આ દરમિયાન ભીડ તરફથી રાજીવ ગાંધી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરાયા હતા.
સોનિયા ગાંધીએ જણાવ્યું કે આ ઘટના બાદ જ્યારે રાહુલ ઘરે પરત ફર્યા, ત્યારે તેમણે મારી સમક્ષ પિતાની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલે મને કહ્યું હતું કે, 'માં, જો આપણે પપ્પાની સુરક્ષા માટે કંઈ નહીં કરીએ તો મને લાગે છે કે હું ખૂબ જ જલ્દી તેમના અંતિમ સંસ્કાર માટે પાછો આવીશ.'
પિતાની સુરક્ષા હટાવવા પાછળ મને કાવતરું દેખાયું: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ બિહાર પ્રવાસની ઘટનાને પોતાની ચિંતાઓનો અંતિમ પડાવ ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે, 'પિતાની સુરક્ષાને લઈને મારો અભિપ્રાય એકદમ સ્પષ્ટ હતો. પપ્પાની સુરક્ષા એટલા માટે હટાવી દેવામાં આવી હતી, જેથી તેમની હત્યા કરી શકાય.'
સોનિયા ગાંધીના પુસ્તકમાં ઘણી વાતો રહી ગઈ છે
આ વાતચીત દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે, 'માતાના પુસ્તક 'બિલોંગિંગ: અ જર્ની ઑફ લવ'(Belonging: A Journey of Love)માં 500થી વધુ પાનાં હોવા છતાં તેમાં ઘણી વાતો રહી ગઈ છે.' રાહુલ ગાંધીએ એ પણ કહ્યું કે તેમનો 7મો જન્મદિવસ પણ યોજના મુજબ ઉજવી શકાયો નહોતો.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મારા માતાની જીવનયાત્રામાં અપાર પ્રેમ અને અત્યંત દુઃખદ ઘટનાઓ રહી છે તથા તેમણે આ તમામ પરિસ્થિતિઓનો સામનો ગરિમા અને હિંમત સાથે કર્યો છે.
પ્રિયંકા ગાંધીએ સ્કૂલમાં છોકરાને કેમ લાફો માર્યો હતો?
કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ સ્કૂલના સમયનો એક જૂનો કિસ્સો જણાવ્યો હતો.તેમણે કહ્યું કે, 'કટોકટી બાદ જ્યારે દાદી (ઈન્દિરા ગાંધી) ચૂંટણી હારી ગયા, ત્યારે અમે બીજા ઘરે રહેવા ગયા. મને યાદ છે કે તે સમયે ખૂબ તણાવ હતો. મને યાદ છે કે એક નાનો છોકરો મારી પાસે આવ્યો અને તેણે મને કહ્યું કે, 'તારો કાકા (સંજય ગાંધી) જેલમાં છે. તારા કાકા ચોર છે.' મેં તેને લાફો મારી દીધો. તે રડવા લાગ્યો અને ટીચર પાસે ગયો, જેના પછી મને ઠપકો મળ્યો.'
સોનિયા ગાંધીએ પણ વીડિયો શેર કરી વ્યક્ત કરી લાગણી
રાહુલ ગાંધીના આ વીડિયોને શેર કરતાં સોનિયા ગાંધીએ પણ પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું કે, 'મેં 'બિલોંગિંગ' મારી યાદોના આધારે લખ્યું છે. રાહુલ અને પ્રિયંકાએ તેમાં પોતાની યાદો ઉમેરી, જેનાથી આ વાર્તાઓમાં એક નવો પ્રાણ પુરાયો છે. મારા બાળકો મારી સૌથી મોટી ખુશી અને મારી તાકાત છે, જોકે તેઓ એવા બે લોકો પણ છે જે અન્ય કોઈપણ કરતાં મારા ધૈર્યની સૌથી વધુ કસોટી કરે છે.'




