India

'મોદી સરકારની એક્સપાયરી ડેટ નજીક', ગોવામાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર

By GS Team
19 Oct 20262 mins read
TukuTouch Logo
ગોવાના મડગાંવમાં રાહુલ ગાંધીએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓએ તેમની સામે 45થી વધુ માનહાનિના કેસ કર્યા, પરંતુ 'મત ચોરી'ના આરોપો બદલ એક પણ કેસ કરવાની હિંમત નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી-શાહ ડરે છે અને ચૂંટણી પંચ સાથે મળીને વિપક્ષના મત હટાવે છે. તેમણે કાર્યકરોને બંધારણ બચાવવા સતર્ક રહેવા આહ્વાન કર્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

'મોદી સરકારની એક્સપાયરી ડેટ નજીક', ગોવામાં વોટ ચોરી મુદ્દે રાહુલ ગાંધીનો ભાજપ પર પ્રહાર
IMAGE - IANS

Rahul Gandhi Goa rally: ગોવાના મડગાંવ ખાતે આયોજિત એક જાહેર સભાને સંબોધતાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની સામે ભાજપના નેતાઓ દ્વારા 45થી વધુ માનહાનિના કેસ કરવામાં આવ્યા છે, પરંતુ 'વોટ ચોરી'(મત ચોરી)ના આક્ષેપો બદલ તેમની સામે એક પણ કેસ દાખલ કરવાની તેમની હિંમત થઈ નથી.

'અમિત શાહ અને પીએમ મોદી ગભરાય છે'

રાહુલ ગાંધીએ સભાને સંબોધતાં જણાવ્યું હતું કે, 'હું દરેક રાજ્યમાં ખુલ્લેઆમ કહું છું કે નરેન્દ્ર મોદી વોટ ચોરી કરે છે, છતાં પણ મારી સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. કારણ કે તેઓ ડરે છે કે જો આ મામલે કેસ દાખલ કરવામાં આવશે, તો આ પૂરો વિષય કાનૂની તપાસ હેઠળ આવશે અને તેઓ પોતે જ તેમાં ફસાઈ જશે.' તેમણે આરોપ લગાવ્યો હતો કે ચૂંટણી પંચ, ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળીને વિપક્ષના મતો દૂર કરવાનું અને પોતાના મતો વધારવાનું કામ કરે છે.

કાર્યકરોને સતર્ક રહેવા અને બંધારણ બચાવવા આહ્વાન

આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા યોજાયેલી આ રેલીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને ચૂંટણી દરમિયાન અત્યંત સતર્ક રહેવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બંધારણના રક્ષકો છે અને જો ક્યાંય પણ મતોની ચોરી કરવાનો પ્રયાસ થાય તો તેને પકડવાની જવાબદારી કાર્યકરોની છે. આ ઉપરાંત તેમણે ગોવાની ભાજપ સરકાર પર સ્થાનિક લોકોના ભોગે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ધનવાન બનાવવાનો પણ આરોપ લગાવ્યો હતો.

દિલ્હીમાં વિરોધ પ્રદર્શન તેજ

બીજી તરફ, દિલ્હીમાં પણ આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇ દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એનએસયુઆઇ દ્વારા માર્ચ યોજવામાં આવી હતી જેને પોલીસે રોકી દીધી હતી. આ ઉપરાંત યુથ કોંગ્રેસ દ્વારા પણ રાયસિના રોડ સ્થિત કાર્યાલય ખાતેથી આ મુદ્દે વિરોધ પ્રદર્શનની યોજના બનાવવામાં આવી છે.