97 તેજસ યુધ્ધ વિમાનો ભારતમાં બનશે : 62000 કરોડનો કરાર
- ઇન્ડિયન એરફોર્સને આ વિમાન 2027-28થી મળવાના શરૂ થશે
- સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટીએ આ મોટી ખરીદીને લીલી ઝંડી અપાયાના એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર : સ્વયં રક્ષા કવચથી સજ્જ આ યુદ્ધ વિમાનમાં 64 ટકાથી વધારે સ્વદેશી સામગ્રી અને 67 નવા સ્વદેશી ઉપકરણો હશે
નવી દિલ્હી : સંરક્ષણ મંત્રાલયે ગુરૂવારે ઇન્ડિયન એરફોર્સ માટે ૯૭ તેજસ યુદ્ધ વિમાન ખરીદવા માટે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (એચએએલ)ની સાથે ૬૨,૩૭૦ કરોડ રૂપિયાની સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી સુરક્ષા બાબતોની કેબિનેટ કમિટી (સીસીએસ) દ્વારા આ મોટી ખરીદીને લીલી ઝંડી આપવામાં આવ્યાના લગભગ એક મહિના પછી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એરોસ્પેસ ક્ષેત્રની આ સરકારી દિગ્ગજ કંપની સાથે આ બીજો મોટો કરાર કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ફેબુ્રઆરી, ૨૦૨૧માં સંરક્ષણ મંત્રાલયે ઇન્ડિયન એરફોર્સ માટે ૮૩ તેજસ એમકે-૧એ જેટ વિમાનોની ખરીદી માટે એચએએલ સાથે ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો કરાર કર્યો હતો.
મંત્રાલયે જણાવ્યું છે કે ઇન્ડિયન એરફોર્સ માટે ૬૨,૩૭૦ કરોડ રૂપિયાના ખર્ચે ઓછું વજન ધરાવતા ૯૭ તેજસ યુદ્ધ વિમાન એમકે-૧એ અને સંબધિત ઉપકરણો માટે એચએએલની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે.
સ્વંય રક્ષા કવચથી સજ્જ આ યુદ્ધ વિમાનમાં ૬૪ ટકાથી વધારે સ્વદેશી સામગ્રી અને ૬૭ નવા સ્વદેશી ઉપકરણો હશે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ વિમાન ૨૦૨૭-૨૮થી મળવાના શરૂ થશે.
સિંગલ એન્જિન ધરાવતું એમકે-૧એ ભારતીય એરફોર્સ માટે મિગ-૨૧ યુદ્ધ વિમાનનું સ્થાન લેશે. ભારતીય એરફોર્સ આ વિમાનોને સામેલ કરવા માંગે છે કારણકે તેના ફાઇટર સ્કવાડ્રનની સંખ્યા સત્તાવાર રીતે સ્વીકૃત સંખ્યા ૪૨થી ઘટીને ૩૧ થઇ ગઇ છે. તેજસ એક એકથી વધારે ભૂમિકા ભજવી શકતું એક યુદ્ધ વિમાન છે અને તે વધારે જોખમ ધરાવતા હવાઇ વાતાવરણમાં કાર્ય કરવા સક્ષમ છે.