- શ્રદ્ધાળુઓની શ્રદ્ધા સાથે છેતરપિંડીથી નારાજગી
- કુલ 20 ટન ચાંદી સરકારી ટંકશાળમાં મોકલી 550 કરોડ મળવાની આશા રાખી હતી, વાસ્તવમાં ફક્ત 30 કરોડ મળ્યા
વૈષ્ણોદેવી : બોલિવૂડમાં મિ. ભારત મનાતા મનોજકુમારની ફિલ્મ ઉપકારના ગીતની પંક્તિઓે કસમે વાદે પ્યાર વફા સબ બાતે હૈ બાતો કા ક્યા, છોડતે નહીં ભગવાન કો તો ક્યા ઇન્સાન કો યે છોડેંગે, વર્તમાન સંદર્ભમાં બિલકુલ ફિટ બેસે તેવીં છે. આસ્થાના ધામ માતા વૈષ્ણોદેવીના મંદિરમાં ચઢાવવામાં આવતી ચાંદીમાં ૯૫ ટકા ચાંદી ભેળસેળવાળી હોવાનું બહાર આવતા વહીવટકર્તાઓ જ નહીં શ્રદ્ધાળુઓને પણ આંચકો લાગ્યો છે.
તપાસમાં સામે આવ્યું કે ચાંદીની ચઢાવાયેલી વસ્તુમાં ચાંદીનું પ્રમાણ માંડ પાંચથી છ ટકા જ છે. જ્યારે બાકીનો હિસ્સો સસ્તી અને ખતરનાક ધાતુઓનો બનેલો છે. તેમા કેડિયમ અને લોખંડ મિલાવવામાં આવ્યું છે, જે જોવામાં ચાંદી જેવુ લાગે છે. સામાન્ય શ્રદ્ધાળુ તેને ઓળખી શકતા નથી.
તાજેતરમાં જ માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ચઢાવા પેટે મળેલી ૨૦ ટન ધાતુને શુદ્ધિકરણ અને મૂલ્યાંકન માટે દિલ્હીની એક સરકારી ટકશાળમાં મોકલી હતી. પ્રારંભિક અંદાજ હતો કે તેમાથી ૫૦૦થી ૫૫૦ કરોડના મૂલ્યની ચાંદી મળશે, પરંતુ તપાસ પછી આ આંકડો ઘટીને માંડ ૩૦ કરોડ થયો. તેના પરથી આ મિલાવટ કેટલી હશે તેનો અંદાજ લગાવી શકાય છે.
એક સેમ્પલ બેચમાં ૭૦ કિલોગ્રામની તપાસ કરવામાં આવી. તેમા ફક્ત ત્રણ કિલોગ્રામ ચાંદી જ અસલી નીકળી. બાકીની ધાતુઓને અલગ કરવામાં મહિનાઓનો સમય લાગ્યો. કેડિયમની ઉપલબ્ધતાના કારણે તેને ઓગાળવામાં પણ જોખમ હતું. તેનું કારણ એ છે કે તેનો ધુમાડો આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. કેડિયમ અત્યંત ઝેરી ધાતુ છે.આ મામલો ફક્ત આર્થિક નુકસાન સુધી જ મર્યાદિત નથી, પરંતુ શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પર પણ મોટો ફટકો છે. ભક્ત ચાંદી સમજીને જે વસ્તુઓ ખરીદે છે તે વાસ્તવમાં નકલી નીકળી રહી છે. વાસ્તવમાં માતાને ચઢાવાના નામે ચાંદીનો સામાન ખરીદવામાં આવે છે. તેમા છત્ર, પાયલ, સિક્કા શ્રદ્ધાળુઓ તરફથી ખરીદવામાં આવે છે. ચાંદી વેચનારાઓન તેમા મિલાવટ કરીને છેતરપિંડી આચરી રહ્યા છે. આ મામલો મોટા આર્થિક ગોટાળા તરફ તો ઇશારો કરે જ છે, પરંતુ ધાર્મિક સ્થળો પર થતી અનિયમિતતાના પર પણ પ્રકાશ પાડે છે. આની આકરી તપાસ કરીને દોષિતો સામે કાર્યવાહી કરવી જોઈએ.


