ઇમ્ફાલ, ૨૯ ઓકટોબર, ૨૦૨૫, બુધવાર
પૂર્વોત્તરમાં નાગાલેન્ડમાં એક સમયે અલગાવવાદી પ્રવૃતિઓ માટે જાણીતા એનએસસીએન(આઇ એમ) ગુ્પના પ્રમુખ ટી મુઇવા ૬ દાયકા પછી પોતાના પૈતૃક ગામ પાછા ફરીને ચર્ચા જગાવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર મુઇવાએ અગાઉ વર્ષ ૨૦૧૦માં ઘરે પાછા ફરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એ સમયે ઉપદ્વવ અને સુરક્ષા સંબંધી ચિંતાને લઇને મંજુરી આપવામાં આવી ન હતી.
૬ દાયકા જુદા રહયા પછી સમય સંજોગો અને પરિસ્થિતિ બદલાઇ જતી હોય છે પરંતુ ૯૧ વર્ષના મુઇવા પોતાના ગામ આવ્યા ત્યારે ખૂબ આદર સત્કાર મળ્યો હતો. નાગા વિદ્રોહીઓના સમુહોમાં મુઇવા ખૂબજ શકિતશાળી ગણાતા નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલિમ (ઇસાક મુઇવા)ના મહાસચિવ છે. ભારતના પૂર્વોત્તર રાજય નાગાલેન્ડને ૧ ડિસેમ્બર ૧૯૬૩ના રોજ અલગ રાજયનો દરજ્જો મળ્યો હતો. કેટલીક સ્થાનિક જનજાતિઓએ એ સમયે વિલયનો વિરોધ કર્યો હતો.
આમાંથી જ ભારતના નાગાલેન્ડ રાજયમાં સશસ્ત્ર ઉગ્રવાદી આંદોલન શરુ થયું જેનો એક લાંબો ઇતિહાસ રહયો છે. મુઇવાનો જન્મ ૧૯૩૩માં મ્યાંમારને અડીને આવેલા ઉખરુલ જિલ્લાના સોમદલ ગામમાં થયો હતો.પૂર્વોત્તરનું આ એક એવું રાજય હજુ પણ શાંતિ પ્રક્રિયાની કવાયત કરવી પડે છે. જો કે કેટલાક સ્થળોએ હજુ પણ જમીની હકિકત બદલાવ માંગે છે. નાગાલેન્ડના પાડોશી મણિપુર રાજયમાં છેલ્લા અઢી વર્ષથી મેતેઇ અને કુકી નાગા સમુદાય વચ્ચે જાતીય હિંસા ચાલે છે.

મણિપુરમાં હજુ પણ બંને સમુદાયો વચ્ચે તિરાડ જોવા મળે છે આવી પરિસ્થિતિમાં પાડોશી રાજય નાગાલેન્ડમાં અલગાવની પુષ્ઠભૂમિ ધરાવતા મુઇવાનું આગમન થવું ઘણાને શંકા પેદા કરે છે.મુઇવા જેના સ્થાપકમાંના હતા એ ગુ્પ પહેલા જેવું શકિતશાળી રહયું નથી તેમ છતાં નાગાલેન્ડમાં વિરોધાભાસથી ભરેલી શાંતિ પ્રક્રિયામાં અડચણ ઉભી ના થાય તે માટે સર્તકતા જરુરી હોવાનું માનવામાં આવે છે. મુઇવા કયાં રહેતા હતા તેની સુરક્ષાના કારણોસર માહિતી જાહેર કરવામાં આવતી ન હતી.
ભારત સરકાર સાથે શાંતિ પ્રકિયા શરુ થઇ તે પહેલા તેઓ બેંગ્કોક અથવા નેધરલેન્ડમાં રહેતા હતા. જો કે મણિપુરના કેટલાક નાગા નેતાઓનું માનવું છે કે મણીપુરમાં પોતાના પૈતુક ગામ આવ્યા તે પહેલા દીમાપુરમાં કોઇ ગુપ્ત સ્થળે રહેતા હતા. તેઓ હેલિકોપ્ટરમાં બેસીને પોતાના મણીપુરમાં આવેલા પૈતૃક ગામમાં આવ્યા છે. મણીપુરના સૌથી મોટા નાગા સંગઠન યુનાઇટેડ નાગા કાઉન્સિલ (યુએનસી)સેનાપતિ જિલ્લા મુખ્યાલયમાં સ્વાગત સમારોહ પણ આયોજીત થયો છે. સંગઠનના કાર્યકર્તાઓમાં ઉત્સાહ પણ જોવા મળી રહયો છે.


