Get The App

રાજ્યસભાનાં ફરીથી ચૂંટાયેલા ગુજરાતના 3 સહિત 9 સાંસદો 21 ઓગસ્ટે લેશે શપથ

ભાજપના ત્રણ સાંસદોની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થતાં ત્રણેય બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી : ચૂંટણીમાં ભાજપના ત્રણેય સાંસદો બિનહરીફ ચૂંટાયા હતા

Updated: Aug 18th, 2023

GS TEAM


Google News
Google News
રાજ્યસભાનાં ફરીથી ચૂંટાયેલા ગુજરાતના 3 સહિત 9 સાંસદો 21 ઓગસ્ટે લેશે શપથ 1 - image

નવી દિલ્હી, તા.18 ઓગસ્ટ-2023, શુક્રવાર

રાજ્યસભામાં આ વખતે 9 સાંસદો ફરી ચૂંટાયા છે. આ સાથે અનેક સાંસદો પણ ચૂંટાયા છે. તમામ સાંસદો 21 ઓગસ્ટે સંસદ ભવનની રાજ્યસભા ચેમ્બરમાં શપથ લેશે. તૃણમૂલ કોંગ્રેસના ડોલા સેન, સુખેન્દુ શેખર રે, ડેરેક ઓ’ બ્રાયન, પ્રકાશ ચિક બડાઈક, સમીરુલ ઈસ્લામ ફરી ચૂંટાયા છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના નાગેન્દ્ર રે, કેસરીદેવસિંહ દિગ્વિજયસિંહ ઝાલા, બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ અને ડો.એસ.જયશંકર પણ ફરી ચૂંટાયા છે.

એસ.જયશંકર 2019માં ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા

એસ.જયશંકર 2019માં ગુજરાતમાંથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમને કેન્દ્રીય કેબિનેટમાં સામેલ કરીને વિદેશ મંત્રી બનાવાયા હતા. જુલાઈની શરૂઆતમાં જયશંકરે ગુજરાતના ગાંધીનગરમાં આગામી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભર્યું હતું. ભારતના ચૂંટણી પંચે અગાઉ 24 જુલાઈના રોજ યોજાનારી ગોવા, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 10 બેઠકોની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરી હતી અને 24 જુલાઈના રોજ મતગણતરી થઈ હતી. 

પીયૂષ ગોયલ પણ ફરી રાજ્યસભાના સાંસદ બન્યા હતા

અગાઉ ઘણા નવા ચહેરા રાજ્યસભામાં ચૂંટાયા હતા. ઘણા જૂના ચહેરાઓને ફરીથી રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવ્યા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ, ભાજપના નિર્મલા સીતારમણે રાજ્યસભાના સભ્યપદના શપથ લીધા હતા. ભાજપના પીયૂષ ગોયલ અને ધનંજય મહાદિકે પણ શપથ લીધા હતા. આમ આદમી પાર્ટીના સંત બલબીર સિંહ અને કોંગ્રેસના મુકુલ વાસનિકે પણ રાજ્યસભાનું સભ્ય પદ માટે શપથ લીધા હતા. બીજી તરફ યુવા ચહેરા અને આરએલડી નેતા જયંત ચૌધરીએ રાજ્યસભામાં સભ્ય પદ મેળવવાની સાથે શપથ લીધા હતા. પીયૂષ ગોયલ પણ ફરી રાજ્યસભાના સાંસદ બન્યા હતા.

ગુજરાતથી ભાજપના ત્રણેય રાજ્યસભા ઉમેદવારો બિનહરિફ ચૂંટાયા

ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. અહીં રાજ્યસભા ઉમેદવાર તરીકે ઊભા રહેલા વિદેશમંત્રી એસ.જયશંકર ફરી એકવાર રાજ્યસભા ઉમેદવાર તરીકે બિનહરિફ ચૂંટાયા... જ્યારે તેમની સાથે અન્ય બે ભાજપ ઉમેદવારો કેસરીદેવ સિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરિફ ચૂંટાઈ આવ્યા હતા. કોંગ્રેસમાંથી આ વખતે એક પણ ફોર્મ ભરવામાં આવ્યા ન હતા. 

રાજ્યસભામાં ભાજપ પાસે 8 બેઠકો

રાજ્યસભામાં ગુજરાતની કુલ 11 બેઠકો છે જેમાં હાલ ભાજપ પાસે 8 બેઠકો છે જ્યારે કોંગ્રેસ પાસે 3 બેઠકો છે. ભાજપના 8 રાજ્યસભા સાંસદોમાં રામભાઈ મોકરિયા, રમીલાબેન બારા, નરહરિ અમીન, પરષોત્તમ રૂપાલા, મનસુખ માંડવીયા, એસ. જયશંકર, દિનેશચંદ્ર અનાવડીયા અને જુગલજી ઠાકોરનો સમાવેશ થાય છે. જયારે કોંગ્રેસના ત્રણ રાજ્યસભા સાંસદોમાં શક્તિસિંહ ગોહિલ, અમી યાજ્ઞિક અને નારણ રાઠવાનો સમાવેશ થાય છે. આ સાંસદોમાંથી ભાજપના ત્રણ સાંસદો દિનેશ અનાવડીયા, જુગલજી ઠાકોર અને એસ.જયશંકરની ટર્મ 18 ઓગષ્ટ 2023ના રોજ પૂર્ણ થતાં આ ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી.

Tags :