- તાઇવાનથી સંચાલિત ગેંગનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો
- હું એટીએસનો ઓફિસર છું, પહલગામ આતંકી હુમલામાં તમારી લિંક હોવાનું કહીને લોકોને ફસાવતા હતા
નવી દિલ્હી : દેશભરમાં અનેક લોકોને ડિજિટલ એરેસ્ટ કરીને છેતરનારી આંતરરાષ્ટ્રીય ગેંગનો દિલ્હી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. તાઇવાન સાથે સંકળાયેલી આ આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા આશરે રૂ. ૧૦૦ કરોડથી વધુની છેતરપિંડી કરવામાં આવી છે. પોલીસે એક તાઇવાનના નાગરિક સહિત કુલ સાત આરોપીઓની ધરપકડ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ગેંગ લોકોને ફોન કરીને પોતાની ઓળખ એન્ટી ટેરેરિસ્ટ સ્કોડ એટીએસ અને અન્ય સુરક્ષા એજન્સીના અધિકારીઓ તરીકે આપતી હતી. બાદમાં જેને ફોન કર્યો હોય તેમને આતંકી ઘટનાઓ સાથે જોડી દઇને તેમનામાં એક ભય ઉભો કરવામાં આવતો હતો. નિર્દોષ નાગરિકોને પહલગામ અને દિલ્હી વિસ્ફોટના આરોપી બતાવવામાં આવતા હતા. આ ગેંગ લોકોને જણાવતી હતી કે તેમની સામે ધરપકડ વોરંટ જારી કરી દેવામાં આવ્યું છે, ટૂંક સમયમાં તેમના બેંક ખાતાને ફ્રીઝ કરી દેવામાં આવશે. બાદમાં તેમને જણાવતા કે તેઓ હવે વીડિયો અથવા ઓડિયો સર્વેલંસમાં છે. જેને ડિજિટલ એરેસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. બાદમાં પોતાની નિર્દોષતાને સાબિત કરવા માટે બેંકમાં નાણા ટ્રાન્સફર કરાવતા હતા. આ ગેંગને વિદેશથી ઓપરેટ કરવામાં આવતી હતી પરંતુ તેઓ ફોન ભારતીય નંબર પરથી કરતા હોય તે પ્રકારની સિસ્ટમ ગોઠવી હતી. આ સિન્ડિકેટ સિમ બોક્સ સિસ્ટમનો ઉપયોગ કરતી હતી. ટેલિકોમ નેટવર્કને જ બાયપાસ કરીને આંતરરાષ્ટ્રીય કોલને લોકલ કોલ તરીકે દર્શાવાતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપીઓ અગાઉ કમ્બોડિયા સ્થિત સ્કેમ સેન્ટર્સ પર પણ કામ કરી ચુક્યા છે. જેને પાકિસ્તાની હેન્ડલર દ્વારા ફન્ડ પુરુ પાડવામાં આવતું હતું.


