Get The App

યુપીઆઈથી રોજના 64 કરોડ નાણાકીય વ્યવહારો થાય છે : આઇએમએફ

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
યુપીઆઈથી રોજના 64 કરોડ નાણાકીય વ્યવહારો થાય છે : આઇએમએફ 1 - image


- ભારતની યુપીઆઈ વિશ્વની ટોચની ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની

- વિશ્વના સાત દેશોમાં યુપીઆઈનો ઉપયોગ થાય છે અને બ્રિક્સ દેશોમાં પણ તેનો ઉપયોગ શરૂ થઈ શકે

- યુપીઆઈ સાથે લગભગ 49.1 કરોડ લોકો અને 6.5 કરોડ વેપારીઓ જોડાયેલા 

નવી દિલ્હી : ભારતે સુપરફાસ્ટ અને સરળ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમના મામલામાં આખા વિશ્વને પાછળ છોડી દીધું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)ના તાજા અહેવાલમાં જણાવાયું છે કે ભારત હવે ગ્લોબલ ફાસ્ટ પેમેન્ટ લીડર બની ગયું છે. તેની પાછળનું મુખ્ય કારણ યુપીઆઈ એટલે કે યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ સિસ્ટમને સાંપડેલી જબરદસ્ત સફળતા અને સ્વીકૃતિ છે.

આજે દેશની અડધી વસ્તી યુપીઆઈથી ચૂકવણી કરે છે. જૂન ૨૦૨૫માં જ ભારતમાં યુપીઆઈ દ્વારા ૧૮.૩૯ અબજ વ્યવહારો થયા. તેનું કુલ મૂલ્ય ૨૪.૦૩ લાખ કરોડ રુપિયા થાય છે. તે ગયા વર્ષના જૂનની તુલનાએ ૩૨ ટકા વધારે છે.તે સમયે ૧૩.૮૮ અબજ વ્યવહાર નોંધાયા હતા. 

યુપીઆઈની પહોંચી એટલી વધારે છે કે દરરોજ ૬૪ કરોડ નાણાકીય વ્યવહારનું પ્રોસેસિંગ થાય છે. આ આંકડો વિશ્વની સૌથી મોટી વિઝા કરતાં પણ વધારે છે. તેમા ૬૩.૯ કરોડ નાણાકીય વ્યવહારોનું પ્રોસેસિંગ થાય છે. યુપીઆઈએ ફક્ત નવ જ વર્ષમાં આ સીમાચિન્હ હાંસલ કર્યુ છે. તેના કારણે તેવિશ્વનું સૌથી સફળ પબ્લિક ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર બની ગયું છે.

આજે ભારતના કુલ ડિજિટલ પેમેન્ટનો ૮૫ ટકા હિસ્સો યુપીઆઈથી થાય છે.ફક્ત એટલું જ નહીં વિશ્વમાં જેટલું રિયલ ટાઇમ પેમેન્ટ થાય છે, તેમા લગભગ ૫૦ ટકા ભારતમાં થાય છે. આ બતાવે છે કે ભારત કેટલી ઝડપથી કેશલેસ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યું છે.

હાલમાં યુપીઆઈ સાથે લગભગ ૪૯.૧ કરોડ લોકો અને ૬.૫ કરોડ વેપારીઓ જોડાયેલા છે. આ બધા ૬૭૫થી વધુ બેન્કોની એક જ સિસ્ટમ સાથે જોડાયેલા છે. તેથી કોઈપણ બેન્કે ગ્રાહકને અલગથી એપ કે પ્રોસેસ કરવાની જરૂર પડતી નથી. 

યુપીઆઈના કારણે ફક્ત શહેરો જ નહીં, પરંતુ ગામ અને નાના કસબાઓમાં પણ લોકો સરળતાથી પેમેન્ટ કરી રહ્યા છે. આમ યુપીઆઈ દેશમાં નાણાકીય સમાવેશિતા એટલે કે દરેક વર્ગ સુધી બેન્કિંગ અને ડિજિટલ સેવાઓ પહોંચાડવાનો સૌથી સફળ માર્ગ બન્યુ છે.

ભારતની આ સફળતાની અસર ફક્ત દેશમાં જ નહીં બહાર પણ જોવા મળી રહી છે. યુપીઆઈ અત્યાર સુધી યુએઈ, સિંગાપોર, ભૂતાન, નેપાળ, શ્રીલંકા, ફ્રાન્સ અને મોરેશિયસ જેવા દેશોમાં કાર્યરત છે. તાજેતરમાં જ તે ફ્રાન્સમાં લોન્ચ થઈ પહેલી વખત યુરોપ પહોંચ્યું છે. હવે ભારત ઇચ્છે છે કે બ્રિક્સ સમૂહમાં પણ યુપીઆઈને પેમેન્ટ સિસ્ટમના સ્વરૂપમાં અપનાવવામાં આવે. 

જો આમ થાય તો ભારતને ગ્લોબલ ડિજિટલ પાવર બનવામાં મદદ મળશે.  યુપીઆઈ ફક્ત હવે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ જ નથી, પરંતુ ભારતની ડિજિટલ આત્મનિર્ભરતાની મોટી ઓળખ બની ગયું છે.આગામી સમયમાં તેની વૈશ્વિક હાજરી વધુ વધશે અને તે ભારતને ડિજિટલ ઇકોનોમીમાં વૈશ્વિક આગેવાન બનાવશે. 

Tags :