Get The App

છત્તીસગઢનાં દંતેવાડામાં ૬૩ નકસલીઓનું આત્મસમર્પણ

નકસલવાદીઓ રાજ્ય સરકારની પુનર્વસન અને આત્મસમર્પણ નીતિથી પ્રભાવિત થયા

૬૩ પૈકી ૩૬ પર કુલ રૃ.૧.૧૯ કરોડનું ઇનામ હતું

Updated: Jan 9th, 2026

GS TEAM

Google News
Google News
છત્તીસગઢનાં દંતેવાડામાં ૬૩ નકસલીઓનું આત્મસમર્પણ 1 - image

(પીટીઆઇ)     દંતેવાડા, તા. ૯

દંતેવાડામાં ફરી એક વખત સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. જ્યાં એક સાથે ૬૩ નકસલવાદીઓએ પોલીસની સમક્ષ આત્મસમર્પણ કરી લીધું છે. આ ૬૩ નકસલવાદીઓ પૈકી ૩૬ નકસલવાદીઓ પર કુલ ૧.૧૯ કરોડ રૃપિયાનું ઇનામ રાખવામાં આવ્યું હતું.

૧૮ મહિલાઓ સહિત કુલ ૬૩ નકસલવાદીઓએ છત્તીસગઢ પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)નાં વરિષ્ઠ અધિકારીઓ સમક્ષ આત્મમર્પણ કર્યુ  છે.

દંતેવાડા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ ગૌરવ રાયનાં જણાવ્યા અનુસાર 'પૂના માર્ગેમ' પહેલ હેઠળ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ છે. નકસલવાદીઓ રાજ્ય સરકારની આત્મસમર્પણ અને પુનર્વસન નીતિથી પણ પ્રભાવિત થયા છે.

રાયનાં જણાવ્યા અનુસાર આ નકસલવાદીઓ દક્ષિણ બસ્તર ડિવિઝન, પશ્ચિમ બસ્તર ડિવિઝન, માડ ડિવિઝન અને ઓડિશાની સરહદે આવેલા વિસ્તારોમાં માં સક્રિય હતા.

આત્મસમર્પણ કરનારા સાત નકસલવાદીઓ એવા હતાં જેમના પ્રત્યેકનાં માથે આઠ લાખ રૃપિયાનું ઇનામ હતું. અન્ય સાત નકસલવાદીઓ એવા હતાં જેમના પ્રત્યેકના માથે પાંચ લાખ રૃપિયાનું ઇનામ હતું.

આઠ નકસલવાદીઓે પર બે-બે લાખ રૃપિયાનું ઇનામ હતું. ૧૧ નકસલવાદીઓ પર એક-એક લાખ રૃપિયાનું ઇનામ હતું. ત્રણ નકસલવાદીઓ પર પચાસ-પચાસ હજાર રૃપિયાનું ઇનામ હતું. આમ કુલ ૩૬ નકસલવાદીઓ પર કુલ ૧.૧૯ કરોડ રૃપિયાનું ઇનામ હતું.

આત્મસમર્પણ કરનારા તમામ ૬૩ નકસલવાદીઓને તાત્કાલિક ૫૦,૦૦૦ રૃપિયાની સહાય આપવામાં આવશે તથા તેમને સરકારની નીતિ અનુસાર પુનર્વસનનાં લાભો પણ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સાત જાન્યુઆરીએ દંતેવાડાની બાજુમાં આવેલા સુકમા જિલ્લામાં ૨૬ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું. વર્ષ ૨૦૨૫માં છત્તીસગઢમાં કુલ ૧૫૦૦ નકસલવાદીઓએ આત્મસમર્પણ કર્યુ હતું. કેન્દ્ર સરકારે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં દેશમાંથી નકસલવાદનો સફાયો કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.