Get The App

ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા

Updated: Aug 8th, 2025

GS TEAM

Google News
Google News
ઉત્તરકાશીમાં 60 લોકો હજુ લાપતા, ગંગોત્રીમાં 400 પ્રવાસીઓ ફસાયા 1 - image


- ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા 500 શ્રદ્ધાળુઓ સંપર્ક વિહિન

- ઉત્તરકાશીમાં 225 સૈનિકો, એનડીઆરએફની 69 કર્મીઓની ટીમ, એરફોર્સના બે હેલિકોપ્ટર બચાવ અભિયાનમાં જોડાયા

- ધરાલીમાં ભારે વિનાશના પગલે રૂ. 400 કરોડ સુધીના નુકસાનની આશંકા : ગંગોત્રી મંદિર સમિતિ

નવી દિલ્હી : ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં અચાનક આવેલા પૂર પછી ગુરુવારે ત્રીજા દિવસે પણ બચાવ અને રાહત અભિયાન ચાલુ છે. ભારતીય એરફોર્સના ચિનૂક અને એમઆઈ-૧૭ હેલિકોપ્ટર્સની મદદથી વિવિધ સ્થળે ફસાયેલા ૨૭૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. આર્મીએ કહ્યું કે, એક જુનિયર અધિકારી સહિત તેના નવ જવાન સાથે ૬૦થી વધુ નાગરિકો લાપતા છે. જોકે, સ્થાનિક લોકોનો દાવો છે કે લાપતા લોકોનો આંકડો ઘણો વધુ હોઈ શકે છે. સૂત્રો મુજબ ગંગોત્રી ધામના પ્રવાસે આવેલા ૫૦૦થી વધુ શ્રદ્ધાળુઓનો કોઈ સંપર્ક થઈ રહ્યો નથી. તેમાં મુંબઈ અને કર્ણાટકના અંદાજે ૬૪ શ્રદ્ધાળુઓનો સમાવેશ થાય છે.

ઉત્તરકાશીના ધરાલી ગામમાં અત્યાધુનિક સાધનોની મદદથી ગુરુવારે પર્વતના કાટમાળમાં દટાયેલા લોકોની શોધ હાથ ધરવામાં આવી છે. સેનાએ જણાવ્યું કે, એન્જિનિયરો, મેડિકલ ટીમ અને બચાવ નિષ્ણાતો સહિત ૨૨૫ સૈનિકો બચાવ કામગીરી માટે ઘટના સ્થળે હાજર છે. એરફોર્સના હેલિકોપ્ટર્સ પણ બચાવ અને રાહત કાર્યમાં કામે લાગ્યા હતા. તેમણે આર્મીના નિરાશ્રિત કેમ્પો અને આજુબાજુના ગામોમાં ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડયા હતા. એનડીઆરએફની ૬૯ કર્મચારીઓની ટીમ, બે કેડેવર શ્વાન્સ પણ બચાવ અભિયાનમાં જોડાયા છે. ગંગોત્રી મંદિર સમિતિના સચિવ સુરેશ સેમવાલે કહ્યું કે, ધરાલીમાં કુદરતી આપત્તિના કારણે અંદાજે રૂ. ૩૦૦થી રૂ. ૪૦૦ કરોડના નુકસાનની આશંકા છે.

એનડીઆરએફના ડીઆઈજી ગંભીરસિંહ ચૌહાણે કહ્યું કે, આ ખૂબ જ મોટી દુર્ઘટના હતી અને ધરાલી ગામમાં વ્યાપક સ્તરે નુકસાન થયું છે. ઉત્તરકાશીને જોડતા રસ્તાઓને ભારે નુકસાન થયું છે. જોકે, અમારી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કામગીરીમાં લાગી છે. અત્યાર સુધીમાં ૨૭૪ લોકોને હર્ષિલમાં લવાયા છે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દિલ્હી, આસામ, કર્ણાટક, તેલંગણા અને પંજાબના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. 

આ દુર્ઘટનામાં એક કમનીસબ ઘટનામાં પૂણેના ૨૪ મિત્રોનું એક ગ્રૂપ લાપતા છે. આ ગ્રૂપ પૂણેની એક સ્કૂલની ૧૯૯૦ની બેચના મિત્રો હતા, જેઓ મહારાષ્ટ્રના ૭૫ પ્રવાસીઓનો ભાગ હતા. ૨૪ મિત્રો ૩૫ વર્ષ પછી ચારધામના પ્રવાસ માટે એકત્ર થયા હતા. તેમનો સંપર્ક નથી થઈ રહ્યો. મહારાષ્ટ્રના ૧૪૯ પ્રવાસીઓમાંથી ૬૧ સુરક્ષિત છે અને હનુમાન આશ્રમમાં રોકાયેલા છે. જોકે, ૭૫ના ફોન હજુ પણ બંધ છે અને નેટવર્ક કવરેજની બહાર છે.

આર્મીએ જણાવ્યું કે, ગંગોભીમાં ફસાયેલા લગભગ ૧૮૦થી ૨૦૦ પ્રવાસીઓને સેના અને આઈટીબીપી દ્વારા ભોજન, આશ્રય અને મેડિકલ સહાય પૂરી પાડવામાં આવી છે. આગામી ૨૪થી ૪૮ કલાકમાં ચિનૂક હેલિકોપ્ટરનો ઉપયોગ કરીને સૈનિકો અને મેડિકલ ટીમોને હર્ષિલ સુધી પહોંચાડવામાં આવશે. આ સિવાય પ્રવાસીઓને નેલોંગ હેલીપેડથી સલામત સ્થળે ખસેડાશે. લગભગ ૩૦૦ તીર્થયાત્રી અને ૧૦૦થી વધુ વેપારીઓ હાલ ગંગોત્રીમાં છે. 

એસડીઆરએફના મહાનિરીક્ષક અરૂણ મોહન જોશીએ કહ્યું કે, ધરાલીમાં ૫૦થી ૬૦ ફૂટ ઊંચો કાટમાળનો ઢગ ખડકાયો છે અને દુર્ઘટનામાં સેંકડો લોકો આ કાટમાળ નીચે દટાયા હોવાની આશંકા છે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ બુધવારથી જ ઉત્તરકાશીમાં ધામા નાંખ્યા છે અને તેઓ બચાવ અને રાહત કામગીરી પર નજર રાખી રહ્યા છે.

Tags :