For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

આજે દેશમાં ૭૫મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

કાશ્મીરમાં આતંકી હુમલા અને દેશભરમાં એલર્ટ વચ્ચે એક વર્ષ સુધી અમૃત મહોત્સવ ઉજવાશે

પહેલી વખત લાલ કિલ્લા પર વડાપ્રધાનના ભાષણ વખતે બે હેલિકોપ્ટર અનોખી પુષ્પવૃષ્ટિ કરશે

Updated: Aug 14th, 2021

Article Content Image
 

દેશના વિવિધ સુરક્ષાદળોના ૧૩૮૦ જવાનોને પુરસ્કારો અપાશેઃ કાશ્મીરમાં આતંકીઓ સામે પરાક્રમ બતાવનારા છ અધિકારીઓને શૌર્યચક્ર અપાશે 

આઈએસના આતંકીઓના સંભવિત ખતરાને ખાળવા દેશભરમાં ચાંપતો બંદોબસ્તઃ ચીન-પાક-બાંગ્લાદેશની સરહદે હાઈએલર્ટ  
નવી દિલ્હી, તા. ૧૪
દેશભરમાં આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાશે. ભારતને આઝાદી મળી તેનું ૭૫મું વર્ષ શરૃ થઈ રહ્યું હોવાથી વર્ષ દરમિયાન દેશમાં આઝાદીનું અમૃત મહોત્સવ ઉજવાશે. અલગ અલગ ક્ષેત્રોમાં તેની ઉજવણી થશે. લાલ કિલ્લા ઉપર પહેલી વખત હેલિકોપ્ટર્સની મદદથી પૃષ્પવૃષ્ટિ થશે.
કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ બની ગયા છે. પાટનગર દિલ્હીમાં હથિયારોના જથ્થા સાથે શંકાસ્પદ શખ્સોની ધરપકડ થઈ હતી. નાના-મોટા દરેક સંવેદનશીલ સ્થળોએ ચાંપતો બદોબસ્ત ગોઠવાયો છે. પાટનગર સહિતના મહત્વના શહેરોમાં સુરક્ષાદળોને તૈનાત કરીને હાઈએલર્ટ કરાયા છે. ચીનની સરહદે તંગદિલી હોવાથી આઝાદીના અમૃત મહોત્સવ વખતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તાકીદ કરાઈ છે. એવી જ રીતે પાકિસ્તાની સૈન્ય કોઈ અવળચંડાઈ ન કરે કે આતંકવાદીઓ પાકિસ્તાનમાંથી ઘૂસણખોરી ન કરે તે માટે એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે પણ સૈનિકો હાઈએલર્ટ છે. ગુપ્તચર વિભાગે બાંગ્લાદેશની સરહદેથી પણ આતંકવાદીઓની ઘૂસણખોરીની ચેતવણી આપી હોવાથી બીએસએફના જવાનોને સાવધાન રહેવાનો આદેશ ગૃહ મંત્રાલયે આપ્યો હતો.
એ વચ્ચે દેશભરમાં આઝાદી દિવસની અભૂતપૂર્વ ઉજવણી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લા પરથી દેશને સંબોધશે તે વખતે વાયુસેનાના બે હેલિકોપ્ટર પુષ્પવૃષ્ટિ કરશે. આઝાદીના અમૃત મહોત્સવ સંદર્ભે વર્ષભર આયોજનો થશે તે બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી  કોઈ મહત્વની જાહેરાતો કરે એવી પણ પૂરી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી ટીમને આઝાદીના અમૃત મહોત્સવ વખતે વિશેષ આમંત્રણ આપ્યું છે. આ ખેલાડીઓને સમારોહમાં ખાસ સ્થાન મળશે અને રાષ્ટ્રપતિ-વડાપ્રધાન તેમની વિશેષ મુલાકાત કરશે.
આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૃપે સુરક્ષાદળોના ૧૩૮૦ જવાનોને વીરતા પુરસ્કારથી સમ્માનિત કરાશે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના ૨૦ જવાનોને લદાખની સરહદે વિશેષ શૌર્ય બતાવવા બદલ મેડલ અપાશે.
જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓને હંફાવનારા છ આર્મી અધિકારીઓનું શૌર્યચક્રથી સમ્માન થશે. નક્સલવાદીઓ સામે લડતા કોબ્રા કમાન્ડરના ૩ જવાનો શૌર્યચક્ર અપાશે. ઈન્ડિયન આર્મીના કુલ ૧૧૬ જવાનોને સેના મેડલ મળશે.

Gujarat