59 વર્ષ પહેલા આજના દિવસે તિહાડ જેલ પર થયો હતો ચોકલેટ-સિગારેટનો વરસાદ, જાણો ફિલ્મી કહાની


- વોલકોટે જજ સમક્ષ પોતે યુદ્ધમાં ભારતની મદદ માટે પોતાનું પ્લેન આપશે તેવો પ્રસ્તાવ મુકીને દેશ છોડીને ભાગવાની યોજના ઘડી હતી

નવી દિલ્હી, તા. 23 સપ્ટેમ્બર, 2022, શુક્રવાર

આજથી 59 વર્ષ પહેલા, 23 સપ્ટેમ્બર 1963ના રોજ આકાશમાંથી અચાનક જ ચોકલેટ-સિગારેટનો વરસાદ થયો હતો. જોકે તે વરસાદ માત્ર તિહાડ જેલ પર જ થયો હતો અને કોઈ વાદળમાંથી નહીં પણ પાઈપર અપાચે પ્લેનમાંથી ચોકલેટ-સિગારેટ વરસાવવામાં આવ્યા હતા. માત્ર થોડીક પળો માટે આ કારનામુ પાર પાડીને દિલ્હીના સફદરજંગ એરપોર્ટ પરથી ઉડેલું તે વિમાન પાકિસ્તાનના લાહોરની દિશામાં આગળ વધી ગયું હતું. 

જાણો શું છે એ ફિલ્મી કહાની

હકીકતે તે પ્લેનમાં ડેનિયલ હૈલી વોલકોટ (જુનિયર) સવાર હતો. તે એક બિઝનેસમેન હતો અને ભારતને તેણે પોતાનું કામચલાઉ ઘર બનાવી દીધું હતું. તેણે જ્યારે તિહાર જેલ પર ચોકલેટ્સ-સિગારેટ્સનો વરસાદ કર્યો તેના એક વર્ષ પહેલા તેના સામે હથિયારોનું સ્મગલિંગ કરવાનો કેસ દાખલ થયો હતો અને તે જેલમાં સમય વિતાવ્યા બાદ જામીન પર બહાર આવ્યો હતો. જોકે તેના પર દેશ છોડવા પર પ્રતિબંધ હતો કારણ કે, તેણે દેશના પ્રખ્યાત એવા ટાટા ગ્રુપને પૈસા ચુકવવાના હતા.  

જાણો ડેનિયલ હૈલી વોલકોટ વિશે

26 નવેમ્બર 1927ના રોજ ટેક્સાસ ખાતે જન્મેલો વોલકોટ બાળપણથી જ ખુરાફતી હતો અને ઘણી વખત તે પોતાને યુએસની આઝાદીના ઘોષણા પત્ર પર હસ્તાક્ષર કરનારા ઓલિવર વોલકોટના દીકરા તરીકે ઓળખાવતો હતો. વાસ્તવમાં તેના પિતા એક બિઝનેસમેન જ હતા. 

દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન તેણે અમેરિકન નેવીમાં નોકરી કરી હતી. રહસ્યમયી વ્યક્તિ તરીકે ચર્ચિત ડેનિયલે ટ્રાન્સ એટલાન્ટિક એરલાઈન્સ કંપની ખોલી હતી જે મુખ્યત્વે માલ-સામાનનું પરિવહન કરતી હતી. તેની કંપની પાસે અનેક પ્લેન હતા અને તેમાંથી પાઈપર અપાચે પ્લેન તેનું અંગત હતું. 

ભારત સાથેનો સંબંધ

એર ઈન્ડિયાએ 1962માં અફઘાનિસ્તાન સુધી રેલવે કાર્ગોના સપ્લાય માટે કોન્ટ્રાક્ટ બહાર પાડ્યો હતો જે ડેનિયલની કંપનીને મળ્યો હતો અને તેણે ભારતને પોતાનું બીજુ ઘર બનાવી લીધું હતું. તે દિલ્હીની અશોકા હોટેલમાં રહેતો હતો અને ત્યાંથી અફઘાનિસ્તાન કે આસપાસના શહેરો-દેશોમાં પોતાના અંગત પ્લેનની મદદથી ફરતો રહેતો હતો. એર ઈન્ડિયા સાથે સંકળાયેલા હોવાના કારણે તેના પર કોઈ રોક-ટોક નહોતી અને તે વાતનો તેણે ફાયદો ઉઠાવ્યો હતો. 

અશોકા હોટેલના રૂમમાંથી મળ્યા કારતૂસ

1962માં પોલીસે અશોકા હોટેલમાં વોલકોટના રૂમમાં દરોડો પાડ્યો ત્યારે તેમાંથી 766 કારતૂસ મળી આવ્યા હતા. બાદમાં સફદરગંજ એરપોર્ટ પર રહેલા તેના પ્લેનમાંથી પણ પ્રત્યેકમાં 250 કારતૂસ ધરાવતા 40 બોક્સ મળી આવ્યા હતા. તેની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા બાદ તિહાડ જેલમાં પૂરવામાં આવ્યો હતો અને જામીન મળ્યા બાદ તેણે વાઘા બોર્ડરના રસ્તે પાકિસ્તાન ભાગવાનો નિષ્ફળ પ્રયત્ન કર્યો હતો. 

ફરી રફુચક્કર થવા બનાવી યોજના

ભારત અને ચીન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે વોલકોટે જજ સમક્ષ પોતે યુદ્ધમાં ભારતની મદદ માટે પોતાનું પ્લેન આપશે તેવો પ્રસ્તાવ મુક્યો હતો. બાદમાં તેની સજા જેલમાં વિતાવ્યા તેટલા દિવસોની કરી દેવામાં આવી હતી. પણ તેણે ટાટા ગ્રુપને 60,000 રૂપિયાનો ચૂનો લગાવેલો જેથી ટાટાની લીગલ ટીમ તેના પાછળ પડી હતી. 

તેના પર દેશ છોડવાનો પ્રતિબંધ હતો પરંતુ જામીન મળી ગયા હતા. બાદમાં તેણે કોર્ટ સમક્ષ દરરોજ સવારે પોતાનું પાઈપર અપાચે પ્લેન થોડી વાર ચાલુ કરવાની મંજૂરી માગી હતી જેથી તે ખરાબ ન થઈ જાય. તે દરરોજ એક કોન્સ્ટેબલ સાથે સફદરજંગ એરપોર્ટ જતો હતો જેથી તેમનો વિશ્વાસ જીતી શકાય. એકાદ સપ્તાહ બાદ આખરે 23 સપ્ટેમ્બર 1963ના રોજ તેણે પ્લેનમાં ફ્યુઅલ ભરીને તેને રનવે પર દોડાવી દીધું હતું અને એરપોર્ટ ગાર્ડ કે કોન્સ્ટેબલ કશું સમજી પડે તે પહેલા તે આકાશમાં પહોંચી ગયો હતો. 

સફદરજંગ એરપોર્ટ પરથી ઉડાન ભરીને તે સીધો તિહાડ જેલ ઉપર પહોંચ્યો હતો અને ત્યાં ચોકલેટ-સિગારેટ્સનો વરસાદ વરસાવ્યો હતો. ઈન્ડિયન એરફોર્સના 2 હન્ટર વિમાનોએ તેનો પીછો પણ કર્યો હતો પરંતુ તેમણે 55 મિનિટ બાદ ઉડાન ભરી હતી માટે વોલકોટ પાકિસ્તાનની સીમામાં પહોંચી ગયો હતો. 

City News

Sports

RECENT NEWS