Nitin Nabin BJP President : ભારતીય જનતા પાર્ટીમાં આજે 'નવીન' યુગનો વિધિવત પ્રારંભ થયો છે. બિહારમાં પાંચ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા નીતિન નબીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો છે. 45 વર્ષીય નીતિન નબીન ભાજપના અત્યાર સુધીના સૌથી યુવા રાષ્ટ્રીય અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ બિહારના પહેલા નેતા અને પહેલા કાયસ્થ નેતા પણ છે, જે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. ઉંમરની વાત કરીએ તો અગાઉ આ રૅકોર્ડ અમિત શાહ (49 વર્ષ) અને નીતિન ગડકરી (52 વર્ષ)ના નામે હતો.
વડાપ્રધાન મોદીની હાજરીમાં કરાઈ વિધિવત નિયુક્તિ
દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય મથકે આયોજિત એક સમારંભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સહિતના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નીતિન નબીને આ હોદ્દો સ્વીકાર્યો હતો. આ સમારંભમાં પૂર્વ અધ્યક્ષ જે.પી. નડ્ડા, નીતિન ગડકરી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રીય મંત્રીઓ એસ. જયશંકર તથા હરદીપ સિંહ પુરી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. આજે સવારે 11:30 વાગ્યે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંચ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે નવનિયુક્ત અધ્યક્ષ નીતિન નબીનને શુભેચ્છા પાઠવી હતી.
આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ સંબોધન કરતા કહ્યું કે, ‘નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. ત્રીજી વખત વડાપ્રધાન બન્યા. 50 વર્ષની નાની વયે મુખ્યમંત્રી બની ગયા. 25 વર્ષથી સતત સરકારમાં ટોચના હોદ્દે છે. આ બધું તો ઠીક છે પણ સૌથી મોટી વાત તો એ છે કે હું ભાજપનો કાર્યકર છું. આ મારા માટે ગર્વની વાત છે. નીતિન ખુદ એક રીતે મિલેનિયલ છે. તે એ પેઢીના છે, જેણે ભારતમાં અનેક પરિવર્તન જોયા છે. તેમણે હવે ભાજપના અધ્યક્ષ તરીકેનું પદ સંભાળી લીધું છે. તે પાર્ટીના 12મા અધ્યક્ષ બન્યા છે. નીતિન નબીન હવે મારા બોસ છે અને હું તેમનો કાર્યકર્તા. તેમની જવાબદારી હવે ભાજપને સંભાળવાની જ નહીં પણ એનડીએના તમામ સાથીઓ વચ્ચે તાલમેલ બેસાડવાની પણ છે.’
નીતિન નબીનને સંગઠન અને વહીવટમાં બહોળો અનુભવ
ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી અધિકારી ડૉ. કે. લક્ષ્મણે જાહેરાત કરી હતી કે અધ્યક્ષ પદ માટે માત્ર નિતિન નવીનનું જ નામાંકન પ્રાપ્ત થયું હતું, જેના કારણે તેમની બિનહરીફ વરણી થઈ છે. તેમની તરફેણમાં કુલ 37 સેટ નામાંકન પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. સમગ્ર ભારતના ભાજપ સંગઠનોએ તેમને એકસાથે ટેકો આપ્યો છે. તેઓ ભાજપ સંગઠન અને સંગઠન અને વહીવટમાં બહોળો અનુભવ ધરાવે છે. છત્તીસગઢ ભાજપના પ્રભારી તરીકે પણ સફળ કામગીરી કરી ચૂક્યા છે.
આ જ કારણસર જે.પી. નડ્ડાનો કાર્યકાળ પૂરો થયા પછી ભાજપે આ યુવા નેતા પર પસંદગી ઉતારી હતી. તેમની નિમણૂક બિનહરીફ કરાઈ છે. તેમને દેશના ભાજપ એકમો તરફથી સમર્થન સાંપડ્યું છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધીના તમામ પ્રદેશોએ તેમના નામ પર મહોર લગાવી છે. આગામી સમયમાં ભાજપના સંગઠનને મજબૂત કરવામાં તેમની ભૂમિકા મહત્ત્વની રહેશે.
નીતિન નબીનના ગૃહ રાજ્ય બાંકીપુરમાં જશ્નનો માહોલ
આ હોદ્દો ગ્રહણ કરતા પહેલા, નીતિન નબીને મંગળવારે સવારે દિલ્હીના વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ પૂજા-અર્ચના કરી હતી. તેમણે સૌપ્રથમ ઝંડેવાલન મંદિર, ત્યારબાદ વાલ્મીકિ મંદિર અને હનુમાન મંદિરમાં દર્શન કર્યા હતા. અંતમાં તેમણે ગુરુદ્વારા બાંગ્લા સાહિબમાં માથું ટેકવીને આશીર્વાદ લીધા હતા.નીતિન નબીનના ગૃહ રાજ્ય બિહાર અને તેમના વિધાનસભા ક્ષેત્ર બાંકીપુરમાં જશ્નનો માહોલ છે. 5 વખત ધારાસભ્ય રહી ચૂકેલા નબીનના અધ્યક્ષ બનવાથી સ્થાનિક કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
બિહારના ભાજપ નેતા ડૉ. ગુરુ પ્રકાશ પાસવાને આ ક્ષણને 'ઐતિહાસિક અને ગૌરવશાળી' ગણાવી હતી. આ નેતૃત્વ પરિવર્તન દ્વારા ભાજપે એવો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે કે પાર્ટીમાં સામાન્ય કાર્યકર પણ સર્વોચ્ચ પદ સુધી પહોંચી શકે છે. દિલ્હીના ભાજપ નેતા રમેશ બિધુડીએ આ પ્રસંગે રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું કે, ‘જ્યાં એક તરફ વિપક્ષી નેતાઓ માત્ર Gen-Zની વાતો કરે છે, ત્યાં ભાજપમાં 45 વર્ષના એક કાર્યકર રાષ્ટ્રીય અધ્યક્ષ બની રહ્યા છે. આ જ સાચું લોકતંત્ર છે.’


