Get The App

5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે?

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
5 ચહેરા જેમને ભાજપ મુંબઈના મેયર બનાવી શકે, શું CM ફડણવીસ ચૂંટણી વાયદો પૂરો કરશે? 1 - image


Maharastra Election BJP: દેશના સૌથી ધનિક મ્યુનિસિપલ કોર્પોરેશન ગણાતા બૃહન્મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની 2026ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે. ત્રણ દાયકાથી ચાલી આવતા શિવસેનાના ગઢને તોડીને ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે. આ જંગી જીત સાથે હવે મુંબઈના આગામી મેયર કોણ હશે તેને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે.

દેવેન્દ્ર ફડણવીસનું વચન 

ચૂંટણી પ્રચાર દરમિયાન દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કર્યું હતું કે, 'મુંબઈના આગામી મેયર હિન્દુ અને મરાઠી હશે.' તેમણે તર્ક આપ્યો હતો કે જો અમદાવાદ, ચેન્નાઈ કે હૈદરાબાદમાં સ્થાનિક ઓળખ ધરાવતા મેયર હોઈ શકે, તો મુંબઈમાં કેમ નહીં? હવે જ્યારે ભાજપે સ્પષ્ટ બહુમતી તરફ કદમ વધાર્યા છે, ત્યારે આ વચન પૂર્ણ કરવાનો પડકાર અને તક બંને ભાજપ પાસે છે.

આ પણ વાંચો: ભાજપે મુંબઈમાં કેવી રીતે કમાલ કરી બતાવી? જાણો મહાયુતિની જીતના 5 કારણો

મેયર પદની રેસમાં પાંચ દિગ્ગજોના નામની ચર્ચા

તેજસ્વી ઘોસાલકર (વોર્ડ નં. 2, દહિસર): ચૂંટણીના થોડા સમય પહેલા જ ભાજપમાં જોડાયેલા તેજસ્વીએ 10,000થી વધુ મતોની સરસાઈથી જીત મેળવી છે. તે યુવાન, શિક્ષિત અને ભાજપનો નવો મરાઠી ચહેરો છે.

પ્રકાશ દરેકર (વોર્ડ નં. 3): વિધાન પરિષદના નેતા પ્રવીણ દરેકરના ભાઈ પ્રકાશે મરાઠી વોટ બેન્ક પર મજબૂત પકડ સાબિત કરી છે. તેમની પાસે વહીવટી અનુભવ પણ છે, જે મેયર પદ માટે જરૂરી છે.

પ્રભાકર શિંદે: બીએમસીના પૂર્વ અનુભવી નેતા અને મ્યુનિસિપલ કાયદાઓના જાણકાર પ્રભાકર શિંદે પાર્ટીના વફાદાર મરાઠી ચહેરો ગણાય છે.

મકરંદ નાર્વેકર: વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરના ભાઈ અને દક્ષિણ મુંબઈના કદાવર નેતા મકરંદ નાર્વેકર આધુનિક અને પ્રગતિશીલ મરાઠી નેતા તરીકે ઉભરી આવ્યા છે.

રાજશ્રી શિરવાડકર (વોર્ડ નં. 172): જો ભાજપ મહિલા કાર્ડ રમે, તો આક્રમક વક્તા અને વફાદાર કાર્યકર રાજશ્રી શિરવાડકરનું નામ સૌથી મોખરે છે.

રાજકીય સમીકરણોમાં પરિવર્તન

આ ચૂંટણીમાં ભાજપ-શિંદે ગઠબંધન (મહાયુતિ)એ 118થી વધુ બેઠકો જીતીને બહુમતીનો આંકડો વટાવી દીધો છે. ઉદ્ધવ ઠાકરેના ગઢમાં પડેલા આ ગાબડાને કારણે મુંબઈનું રાજકારણ હવે નવા વળાંક પર છે. સ્થાનિક અસ્મિતા અને વિકાસના મુદ્દે લડાયેલી આ ચૂંટણીમાં ભાજપના 'મરાઠી-હિન્દુ' કાર્ડની મોટી અસર જોવા મળી છે.