Get The App

મહારાષ્ટ્રના નાસિકમાં ટેમ્પો અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત, પાંચના કમકમાટીભર્યા મોત

Updated: Jan 12th, 2025

GS TEAM

Google News
Google News
Nashik Accident

Nashik Accident : મહારાષ્ટ્રના નાસિકમાં રવિવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ (12 ડિસેમ્બર) એક ગંભીર અકસ્માત થયા હોવાની માહિતી સામે આવી છે. નાસિકના દ્વારકા સર્કલ પાસે એક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલી ભયાનક ટક્કરમાં પાંચ લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

ટેમ્પો અને ટ્રક વચ્ચે અકસ્માત

મીડિયા અહેવાલ મુજબ, પોલીસે આ મામલે જણાવ્યું કે, ટેમ્પોમાં 16 મુસાફરો હતા, જેઓ એક ધાર્મિક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા. ત્યારે ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો અને તે પાછળથી લોખંડના સળિયા ભરેલા ટ્રક સાથે અથડાઈ ગયો હતો. ટક્કર એટલી ગંભીર હતી કે કેટલાક મુસાફરોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે બીજા ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. 

આ પણ વાંચોઃVIDEO: સુરતથી મહાકુંભ મેળામાં જતી ટ્રેન પર પથ્થરમારો, મહારાષ્ટ્રના જલગાંવ પાસેનો બનાવ, ટ્રેનની બારીના કાચ તૂટ્યા

મૃતકાંક વધવાની શક્યતા

ઘટનાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક બચાવ કાર્ય શરૂ કર્યું હતું. અકસ્માત સ્થળ ભીડભાડવાળો વિસ્તાર હતો, જેના કારણે બચાવ કાર્યમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ અને નજીકની ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇજાગ્રસ્તોમાંથી કેટલાકની હાલત ગંભીર છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની શક્યતા છે.

ડ્રાઈવરે કાબુ ગુમાવતા બની દુર્ઘટના

શરૂઆતની પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, ટેમ્પો ચાલકે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે આ અકસ્માત થયો હતો. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને ટ્રક ડ્રાઈવરની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. વહીવટીતંત્રે મૃતકોના પરિવારજનોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ ઉપરાંત ઇજાગ્રસ્તોની સારી સારવાર માટે એક ખાસ ટીમ પણ તહેનાત કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ VIDEO: ઉત્તરાખંડના પૌડીમાં બસ 100 મીટર ઊંડી ખીણમાં ખાબકી, 5 લોકોના મોત, 15થી વધુ ઘાયલ