Get The App

મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત 1 - image


અકસ્માતની સાંકેતિક તસવીર

Bhopal Accident :  મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિનો પવિત્ર દિવસ એક પરિવાર માટે અત્યંત દુઃખદ અને કાળ બનીને આવ્યો. જિલ્લાના બેરસિયા થાણા વિસ્તારમાં આવેલા વિધા વિહાર સ્કૂલ પાસે એક ટ્રેક્ટર-ટ્રોલી અને લોડિંગ વાહન વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં એક જ પરિવારના 5 સભ્યોના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા હતા, જ્યારે 12થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકો તમામ વિદિશા જિલ્લાના સિરોંજ વિસ્તારના રહેવાસી હતા અને એક જ પરિવારના સભ્યો હતા. મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે આખો પરિવાર લોડિંગ વાહનમાં સવાર થઈને હોશંગાબાદ ખાતે નદીમાં સ્નાન કરવા માટે જઈ રહ્યો હતો. સવારના સમયે જ્યારે તેમનું વાહન બેરસિયા પાસે પહોંચ્યું, ત્યારે સામેથી આવી રહેલી એક ટ્રેક્ટર-ટ્રોલી સાથે તેમની ધડાકાભેર ટક્કર થઈ હતી.

ટક્કર એટલી ભીષણ હતી કે લોડિંગ વાહનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેમાં સવાર લોકો અંદર ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાને કારણે ઘટનાસ્થળે ચારેબાજુ ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંચ લોકોએ તો ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ થયા હતા.

દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને એસડીએમ સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે પાંચેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હમીદિયા હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને જોતાં બેરસિયાના એસડીએમ આશુતોષ શર્મા, એએસપી નીરજ ચૌરસિયા અને ધારાસભ્ય વિષ્ણુ ખત્રીએ હોસ્પિટલ પહોંચીને ઘાયલોના હાલચાલ પૂછ્યા હતા અને ડોક્ટરોને શ્રેષ્ઠ સારવાર આપવા માટે નિર્દેશ આપ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે.