કાશ્મીરમાં વધુ આતંકી હુમલાની ભીતિ 87 માંથી 48 પર્યટન સ્થળો બંધ કરાયા
- ભારતીય સેના અને સરકારી વેબસાઇટો પર પાક.નો સાયબર હુમલો નિષ્ફળ
- ભારતની આક્રમણની તૈયારી વચ્ચે પાક. સરકાર વિરૂદ્ધ પીઓકેમાં લોકો રસ્તા પર ઉતર્યા, જમીન પર કબજો નહીં કરવા સેનાને ચેતવણી
શ્રીનગર : જમ્મુ કાશ્મીરના પહલગામમાં પર્યટકોને નિશાન બનાવીને આતંકીઓએ બેફામ ગોળીબાર કર્યો હતો, જેમાં અનેક પર્યટકો માર્યા ગયા હતા. આ હુમલા બાદ સુરક્ષાદળો અને પોલીસ હાઇએલર્ટ પર છે ત્યારે જમ્મુ કાશ્મીરના મહત્વના કુલ ૮૭ પર્યટન સ્થળોમાંથી ૪૮ને હાલ પુરતા બંધ કરી દેવામાં આવ્યા છે. આતંકીઓ હજુ પણ સક્રિય છે અને અન્ય પર્યટન સ્થળોને તેમજ સુરક્ષાદળોને નિશાન બનાવી હજુ હુમલો કરી શકે છે, આ ઇનપુટ મળ્યા બાદ સુરક્ષાને ધ્યાનમાં રાખીને અડધાથી વધુ પર્યટન સ્થળો બંધ કરી દેવાયા છે.
ભારતની સુરક્ષા એજન્સીઓને ગુપ્ત રિપોર્ટ મળ્યો છે કે આગામી દિવસોમાં પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઇએસઆઇ આતંકીઓ સાથે મળીને જમ્મુ કાશ્મીરમાં બિનકાશ્મીરીઓને નિશાન બનાવીને વધુ હુમલાની તૈયારીમાં છે. ખાસ કરીને શ્રીનગર અને ગંડેરબાલ આતંકીઓના નિશાના પર છે. આતંકીઓ આ હુમલા કરીને પર્યટન ઉદ્યોગ અને જમ્મુ કાશ્મીરની આર્થિક સ્થિતિને પણ ડામાડોળ કરવા માગે છે. ઘાટીમાં હાલ રેલવે સ્ટાફમાં બિનકાશ્મીરીઓ પણ તૈનાત છે. આવા કર્મચારીઓને પણ આતંકીઓ નિશાન બનાવી શકે છે. જવાબી કાર્યવાહી માટે સુરક્ષાદળોએ ફિદાયીન વિરોધી સ્કોડ્સ, એસઓજીના જવાનોને સંવેદનશીલ પર્યટન સ્થળોએ તૈનાત કર્યા છે. હાલમાં જે પણ પર્યટન સ્થળોને બંધ કરવામાં આવ્યા છે તેમાં ખેરીબાલનું સૂર્ય મંદિર, બંદીપોરાનું બડગામ, ગુરેઝ ઘાટી, કુલગામ, કુપવાડા, બેંગસ ઘાટી વગેરે કુલ ૪૮ જેટલા સ્થળોનો સમાવેશ થાય છે. ભારતે સિંધુ જળસંધિ અટકાવી ત્યારથી પાકિસ્તાન સરહદે ગોળીબાર કરી રહ્યું છે, આતંકી હુમલા, સરહદેથી ગોળીબાર બાદ હવે પાકિસ્તાન ભારતની ડિજિટલ સુરક્ષાને પડકાર આપવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે. ભારતીય સેના અને સુરક્ષા તેમજ અન્ય સરકારી તંત્ર સાથે જોડાયેલી અનેક વેબસાઇટોને પાકિસ્તને હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આઇઓકે હેકર ઇન્ટરનેટ ઓફ ખિલાફા નામની સાયબર ગેંગે ભારતીય વેબસાઇટોને હેક કરીને દેશની ઓનલાઇન સેવાઓ ઠપ કરવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે તેને ભારતીય સુરક્ષા એજન્સીઓ અને સેનાની સાયબર ટીમે નિષ્ફળ બનાવ્યો હતો. હાલ પાકિસ્તાન ચારેય બાજુથી ઘેરાઇ રહ્યું છે, ભારત મોટી કાર્યવાહીની તૈયારીમાં છે જ્યારે હવે પીઓકેમાં પાક. સરકારની વિરુદ્ધ લોકો રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પાકિસ્તાનના કબજાવાળા ગિલગિટ-બાલ્ટિસ્તાન (પીઓજીબી)માં પાક. સેના, સરકાર અને પોલીસ સામે ઉગ્ર દેખાવો થયા હતા. સાથે જ પાક. સરકારને ચેતવણી આપી હતી કે જો અમારી જમીન પર કબજો કરવા પ્રયાસ થયો અને કોઇ આવ્યું તો અહી જ તેની કબરોનો પહાડ બનાવી દેવાશે. પાકિસ્તાન સરકાર સ્થાનિકોની જાણ બહાર કે મંજૂરી વગર જ કબજો કરવા લાગી છે.
પહલગામ આતંકી હુમલાને લઇને તપાસ ચાલી રહી છે, એવામાં કેટલાક ખુલાસા થયા છે. એક રિપોર્ટ મુજબ આતંકીઓ પહલગામમાં સ્ટોલની પાછળ છુપાઇને બેઠા હતા. આ માહિતી ઘટના સ્થળે હાજર કેટલાક લોકોએ તપાસ કરી રહેલી એનઆઇએને આપી હતી. હુમલાખોર આતંકીઓમાંથી બે આતંકીઓ બૈસરન ઘાટીમાં ફૂડ સ્ટોલ પર બેઠા હતા. આ દરમિયાન અન્ય પર્યટકોના ધર્મ વગેરેની માહિતી મેળવી રહ્યા હતા. બાદમાં હુમલો કર્યો હતો અને માત્ર બેથી ત્રણ મિનિટમાં આતંકીઓએ ધર્મ પૂછીને ચાર લોકોને મારી નાખ્યા હતા, બાદમાં અન્યોનો ભોગ લીધો હતો.