ઓઝોનના પ્રદૂષણના કારણે દર 100માંથી 46 મોત ભારતમાં, જાણો આ વાયુ કેમ ખતરનાક છે...
ભારત બાદ ઓઝોનના પ્રદૂષણના કારણે સૌથી વધુ 93,300 મોત ચીનમાં થઈ રહ્યા છે
Image Source: Freepik
નવી દિલ્હી, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર
ભારત સહિત વિશ્વભરમાં ઓઝોન પ્રદૂષણનું જોખમ વધી રહ્યુ છે. એક નવા અધ્યયનમાં વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, જો ક્લાઈમેટ ચેન્જ અને વાયુ પ્રદૂષણના ઘટાડા પર ધ્યાન આપવામાં નહીં આવશે તો આગામી બે દાયકામાં ઓઝોન સબંધિત મૃત્યુના આંકડામાં વધારો નોંધાશે.
ઓઝોનના પ્રદૂષણનું સૌથી વધુ જોખમ ભારતને છે. ઓઝોનના પ્રદૂષણના કારણે દર 100માંથી 46 મોત ભારતમાં થાય છે. સ્ટેટ ઓફ ગ્લોબલ એરના આંકડા પ્રમાણે ઓઝોન પ્રદૂષણથી ભારતમાં દર વર્ષે 168,000 લોકોના અકાળે મોત થઈ રહ્યા છે. તે વિશ્વમાં ઓઝોનથી થતાં મૃત્યુનો 46% હિસ્સો છે. ભારત બાદ સૌથી વધુ 93,300 મોત ચીનમાં થઈ રહ્યા છે. તેનું કારણ એ છે કે, બંને જ દેશમાં ઓઝોન પ્રદૂષણનું સ્તર ખૂબ જ વધારે છે અને વસતી પણ વધારે છે.
વિશ્વભરમાં વર્ષ 2019 માં ઓઝોનના સંપર્કમાં આવવાના કારણે અંદાજિત 365,000 લોકો મોતને ભેટ્યા હતા. આ આંકડો વિશ્વભરમાં COPD (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડિસીઝ) ને કારણે થતા મૃત્યુના લગભગ 11% છે. આનો અર્થ એ છે કે COPDને કારણે થતા દર 9 મૃત્યુમાંથી 1 મૃત્યુ માટે ઓઝોન જવાબદાર છે.
COPDના દર્દીઓને સૌથી વધુ જોખમ
COPD એક એવી ગંભીર બીમારી છે જે ફેફસાંને અસર કરે છે અને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. COPDનું મુખ્ય કારણ સ્મોકિંગ અને અસ્થમા હોય છે. આ ઉપરાંત વધતું પ્રદૂષણ પણ આ બીમારીનું મુખ્ય કારણ બની રહ્યુ છે. ઓઝોનના સંપર્કમાં આવવાથી COPDના જોખમમાં વધારો થાય છે.
ઓઝોન એક વાયુ પ્રદૂષક છે જે ફેફસાંને નુકસાન પહોંચાડી શકે છે. COPDના દર્દીઓમાં ઓઝોનના સંપર્કમાં આવવાથી શ્વાસ લેવામાં તકલીફ, ઉધરસ અને છાતીમાં જકડાઈ જવા જેવા લક્ષણોમાં વધારો થઈ શકે છે. તે હોસ્પિટલમાં દાખલ થવા અને મૃત્યુનું જોખમને પણ વધારી શકે છે.
શું હોય છે ઓઝોન પ્રદૂષણ
ઓઝોન એક વાયુનું સ્તર હોય છે જે સૂર્યમાંથી આવતા હાનિકારક UV કિરણોને પૃથ્વી પર આવતા અટકાવે છે. આ વાયુ આછો વાદળી રંગનો છે. પૃથ્વી પરના માનવીઓ અને દરિયાઈ પ્રાણીઓના જીવન માટે ઓઝોન સ્તરનું હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. તે પૃથ્વીના વાયુમંડળમાં જમીનથી 10 કિમીથી 50 કિમીની ઊંચાઈની વચ્ચે જોવા મળે છે.
હવે જો આ ઓઝોન જમીન પર આવી જાય તો તે ખતરનાક બની જાય છે અને પ્રદૂષણનું કારણ બને છે. ઓઝોન પ્રદૂષણ ત્યારે થાય છે જ્યારે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય છે. ત્યારે આ ઓઝોન પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે હાનિકારક બની શકે છે.
કઈ ઋતુમાં ઓઝોન પ્રદૂષણ વધુ ખતરનાક
ઉનાળાની ઋતુમાં ઓઝોન પ્રદૂષણ વધુ ખતરનાક હોય છે. એનું કારણ એ છે કે, ઉનાળામાં સૂર્યપ્રકાશ તેજ હોય છે જેના કારણે વાતાવરણમાં નાઈટ્રોજન ઓક્સાઈડ (NOx) જેવા પ્રદૂષકો ઝડપથી પ્રતિક્રિયા કરે છે અને ઓઝોનનું નિર્માણ કરે છે. જો કે, તે શિયાળાની ઋતુમાં પણ ખતરનાક બની શકે છે. તેનું કારણ છે કે, શિયાળા દરમિયાન હવામાં સ્થિરતા આવી જાય છે જેના કારણે પ્રદૂષકો જમીનની નજીક ફસાઈ જાય છે.
ઓઝોન પ્રદૂષણથી આ બીમારીઓને ખતરો
ઓઝોન પ્રદૂષણથી શ્વાસની તકલીફ વધી શકે છે. ઓઝોન ફેફસાંમાં બળતરા પેદા કરે છે જેના કારણે અસ્થમાના હુમલા વધી શકે છે. ઓઝોન વાયુમાર્ગમાં સોજો ઉત્પન્ન કરે છે જે વાયરલ અને બેક્ટેરિયલ સંક્રમણનું જોખમ વધારે છે. ઓઝોન બ્લડ પ્રેશર વધારી શકે છે અને હૃદયને વધુ મહેનત કરવા દબાણ કરી શકે છે જેના કારણે હાર્ટ એટેકનું જોખમ વધી શકે છે.
બાળકો, વૃદ્ધો, ગર્ભવતી સ્ત્રીઓ અને પહેલેથી જ શ્વાસ સંબંધી બીમારીથી પીડાતા લોકોએ ઓઝોન પ્રદૂષણ વિશે વધુ સાવધાન રહેવું જોઈએ.