For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સાહસ, શ્રદ્ધા, સબૂરનો સૂર્યોદય : 41 મજૂરો જીવનનો જંગ જીત્યા

Updated: Nov 29th, 2023


- સુરંગમાં 17 દિવસ ઝઝૂમ્યા બાદ અંતે સૌની મહેનત ઊગી નીકળી

- મજૂરોને ટનલમાંથી હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં 72 કલાક ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રખાશે : રૂ. 1 લાખની આર્થિક સહાય જાહેર

- રેટ માઈનર્સે 24 કલાકમાં 10 મીટર ખોદકામ કર્યું

ઉત્તરકાશી : ઉત્તરાખંડમાં ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપે બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલ ૧૨ નવેમ્બરે વહેલી સવારે તૂટી પડતાં ફસાયેલા ૪૧ મજૂરોને અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય, વિદેશી ટનલ નિષ્ણાતો સહિત અનેક એજન્સીઓની મદદથી ૧૭ દિવસના અંતે બચાવી લેવાયા છે. મંગળવારે મોડી સાંજે એનડીઆરએફના માણસો ટનલમાં ૬૦ મીટરના કાટમાળમાં નાંખેલી ૮૦૦ મીમીની પાઈપમાંથી મજૂરોને બહાર લાવતા મોત સામેની ૪૦૦ કલાકથી વધુની જંગમાં મજૂરો અને બચાવ ટૂકડીનો વિજય થયો હતો. રેટ હોલ નિષ્ણાતોએ કાટમાળનો અંતિમ ભાગ દૂર કર્યા પછી ૪૧ મજૂરો સાંજે ૮.૦૦ વાગ્યે ટનલની બહાર આવ્યા હતા. આ સાથે ખૂબ જ ધામધૂમથી તેમને વધાવી લેવાયા હતા.

ટનલમાં મંગળવારે મોડી સાંજે બધા જ ૪૧ મજૂરોને ૮૦૦ મીમીના વ્યાસના સ્ટીલના પાઈપમાંથી બહાર લાવવામાં આવતાં કેન્દ્રીય મંત્રી વીકે સિંહ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ આવકાર્યા હતા. મજૂરો બહાર આવતા તેમના પરિવારજનોને ટનલમાં લઈ જવાયા હતા. ટનલમાં પ્રાથમિક તપાસમાં જણાયું હતું કે કોઈપણ મજૂરની સ્થિતિ ગંભીર નથી. 

ટનલમાં અસ્થાયી હેલ્થ સેન્ટરમાં પ્રાથમિક તપાસ પછી મજૂરોને સઘન તપાસ માટે ટનલની બહાર તૈયાર રખાયેલી એમ્બ્યુલન્સમાં ૩૫ કિ.મી. દૂર ચિન્યાલીસૌડની હોસ્પિટલ લઈ જવાયા હતા. ટનલથી ચિન્યાલીસૌડના રસ્તાને ગ્રીન કોરિડોર જાહેર કરાયો હતો. અહીં તેમને લગભગ ૪૮થી ૭૨ કલાક સુધી ડૉક્ટરોના નિરીક્ષણમાં રખાશે. મજૂરોને ઋષિકેશ ખસેડવાની જરૂર પડે તો તેમના માટે ચિનુક હેલિકોપ્ટર પણ તૈયાર રખાયું છે. ટનલમાં ફસાયેલા મજૂરો બહાર આવતાં 'હર હર મહાદેવ' અને 'ભારત માતા કી જય'નો સૂત્રોચ્ચાર થયો હતો. 

ચારધામ યાત્રાના ભાગરૂપ આ ટનલનો એક ભાગ ૧૨ નવેમ્બરે દિવાળીના દિવસે વહેલી સવારે તૂટી પડયો હતો. મજૂરો અને બચાવ ટીમ વચ્ચે લગભગ ૬૦ મીટરનું અંતર હતું, જ્યાં કાટમાળ અવરોધરૂપ હતો. મજૂરોને બહાર કાઢવા માટે ઑગર મશીનથી ડ્રિલિંગનું કામ શરૂ કરાયું હતું. જોકે, સાથે ટનલની બહાર બાબા બૌખનાગનું એક નાનું મંદિર બનાવી ત્યાં પૂજા અર્ચના પણ કરાતી હતી. આમ મજૂરોના સાહસ, શ્રદ્ધા અને ધીરજથી મજૂરોનો જીવ બચાવી શકાયો હતો.

ઑગર મશીનથી ૪૮ મીટરે ડ્રિલિંગનું કામ અટક્યા પછી રેટ માઈનર્સે ૨૧ કલાક કામ કરીને બાકીના ૧૦થી ૧૨ મીટરનું ખોદકામ હાથથી સાધનો મારફત પાર પાડયું હતું. આમ, જ્યાં મશીન ફેઈલ ગયું ત્યાં માણસની તાકાત કામે લાગી હતી. નોંધપાત્ર બાબત એ છે કે આ રેટ માઈનિંગ પર નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે કેટલાક વર્ષોથી પ્રતિબંધ મૂક્યો છે. મેઘાલયમાં રેટ માઈનિંગ અનેક મજૂરો માટે જોખમી બન્યા પછી આ પગલું લેવાયું હતું. જોકે, આ જ  રેટ માઈનર્સે આ મજૂરોનો જીવ બચાવ્યો છે.

એનડીએમએના સભ્ય સૈયદ અતા હસનૈને કહ્યું કે રેટ માઈનર્સે ૨૪ કલાકથી ઓછા સમયમાં ૧૦ મીટરનું ખોદકામ કરીને અભૂતપૂર્વ કામ કર્યું છે. દિવાળીના દિવસે ફસાયેલા મજૂરો અંતે દેવદિવાળીના બીજા દિવસે બહાર નીકળતા પરિવારજનો માટે આજનો દિવસ તહેવાર સમાન બની રહ્યો હતો.

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ તમામ મજૂરોને રૂ. ૧ લાખની આર્થિક મદદની જાહેરાત કરી હતી. વધુમાં સુરંગની બહાર મજૂરોને સલામત બહાર લાવવા માટે બનાવાયેલું બાબા બૌખનાગનું મંદિર સત્તાવાર રીતે ત્યાં બનાવાશે તેવી પણ સીએમ ધામીએ જાહેરાત કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સિલ્ક્યારા ઓપરેશનમાં સફળતા મળતા ટ્વીટ કરીને લખ્યું, ઉત્તરકાશીમાં આપણા શ્રમિક ભાઈઓના બચાવ અભિયાનની સફળતા દરેકને ભાવુક કરી નાંખનારી છે. ટનલમાં જે ફસાયા હતા, તેમને હું કહેવા માગું છું કે તમારું સાહસ અને ધીરજ દરેક લોકોને પ્રેરિત કરશે. તમારા પરિવારજનોએ પણ આ પડકારજનક સમયમાં સંયમ અને સાહસનો પરિચય આપ્યો છે. આ બચાવ અભિયાનમાં જોડાયેલા લોકોને પણ હું સલામ કરું છું. તેમની બહાદુરી અને સંકલ્પ શક્તિએ આ શ્રમિક ભાઈઓને નવું જીવન આપ્યું છે.

રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે, ઉત્તરકાશીની સિલ્ક્યારા સુરંગમાં ફસાયેલા શ્રમિક ભાઈઓ સુરક્ષિત પાછા આવ્યા તે આનંદના સમાચાર છે. તેમને અને તેમના પરિવારજનોને મારા હૃદયપૂર્વક અભિનંદન. અન્ય નેતાઓએ પણ મજૂરોને શુભેચ્છાઓ પાઠવી હતી.

વિદેશી એન્જિનિયરથી લઈ રેટ હોલ નિષ્ણાતોએ મહત્વની ભૂમિકા ભજવી

- ખૈરવાલ નોડલ અધિકારી, ક્રિસ કૂપર- આર્નોલ્ડ ડિક્સ વિદેશી નિષ્ણાત, સૈયદ હસનૈન એનડીઆરએફના સભ્ય

ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલમાં ૪૧ મજૂરોને બચાવવાના અભિયાન પર આખા દેશની નજર હતી. આ અભિયાનમાં ૧૭ દિવસના અંતે એનડીઆરએફ, એસડીઆરએફ, ભારતીય સૈન્ય અને રાજ્ય તથા કેન્દ્રીય એજન્સીએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. જોકે, તેમાં પાંચ અધિકારીઓની કામગીરી મહત્વપૂર્ણ છે.

ચારધામ યાત્રાના પ્રોજેક્ટના ભાગરૂપ સિલ્ક્યારા ટનલ તૂટી પડતા ૪૧ મજૂરો ફસાયા હોવાની માહિતી આવ્યા પછી કેન્દ્ર સરકારે આઈએએસ અધિકારી નીરજ ખૈરવાલની નોડલ અધિકારી તરીકે નિમણૂક કરી હતી. ખૈરવાલ છેલ્લા ૧૦ દિવસથી બચાવ કાર્યનું સુકાન સંભાળી રહ્યા છે. તેઓ નિયમિત સમયાંતરે ઉત્તરાખંડના મુખ્યમંત્રી અને પીએમઓને બચાવ કાર્યની માહિતી પૂરી પાડતા રહેતા હતા. 

ક્રિસ કૂપર દાયકાઓથી માઈક્રો ટનલિંગ નિષ્ણાત તરીકે કામ કરી રહ્યા છે. તેમને બચાવ અભિયાન માટે વિશેષરૂપે બોલાવાયા હતા. તેઓ ૧૮ નવેમ્બરથી ટનલમાં બચાવ કામગીરીમાં સામેલ છે. તેમનો અનુભવ મજૂરોને બચાવવા માટે ઘણો જ અસરકારક સાબિત થયો.

ભારતીય સૈન્યના નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ અને એનડીઆરએફ ટીમના સભ્ય સૈયદ અતા હસનૈન ઉત્તરાખંડ સુરંગ દુર્ઘટનામાં એનડીઆરએફની ભૂમિકા પર દેખરેખ રાખી રહ્યા હતા. આ બચાવ અભિયાનમાં તેમના નેતૃત્વમાં એનડીઆરએફની ભૂમિકા પણ મહત્વપૂર્ણ રહી હતી. 

વૈજ્ઞાાનિક સંશોધક અને સુરંગ નિષ્ણાત આર્નોલ્ડ ડિક્સે પણ સુરંગમાં ફસાયેલા મજૂરોને બહાર લાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓ ૨૦ નવેમ્બરે સુરંગના સ્થળે પહોંચ્યા હતા અને બચાવ કામગીરીમાં જોડાયા હતા.

માઈક્રો ટનલિંગ, મેન્યુઅલ ડ્રિલિંગ અને ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે મધ્ય પ્રદેશથી છ રેટ હોલ ખનન નિષ્ણાતોને બોલાવાયા હતા. ઑગર મશિન નિષ્ફળ ગયા પછી ૧૨ મીટર જેટલા મેન્યુઅલ ડ્રિલિંગની કામગીરી આ ટીમે કરી હતી.

ઉત્તરકાશી સિલક્યારા સુરંગ દુર્ઘટનાની ટાઈમલાઈન

૧૨ નવે. : બ્રહ્મખાલ-યમુનોત્રી હાઈવે પર બાંધકામ હેઠળની સિલ્ક્યારા-દાંડલગાંવ ટનલનો એક ભાગ વહેલી સવારે તૂટી પડતાં ૪૧ મજૂરો ફસાયા. 

એનડીઆલએફ, એસડીઆરએફ, બીઆરઓ સહિતની એજન્સીઓએ બચાવ કામગીરી શરૂ કરી મજૂરોને એર-કોમ્પ્રેસ્ડ પાઈપ મારફત ઓક્સિજન, ઈલેક્ટ્રિસીટી અને ભોજનની વ્યવસ્થા કરી.

૧૩ નવે. : ફસાયેલા મજૂરો સાથે પાઈપ મારફત સંપર્ક સ્થાપિત થયો અને તેઓ સલામત હોવાનું જણાયું.

૧૪ નવે. : આડા ખોદકામ મારફત ઑગર મશીનની મદદથી ૮૦૦ મીમીનો સ્ટીલનો પાઈપ નાંખવાનું શરૂ થયું.

૧૫ નવે. : પહેલા ડ્રિલિંગ મશીન બરાબર કામ નહીં કરતાં અત્યાધુનિક ઑગર મશીન દિલ્હીથી મંગાવાયું.

૧૬ નવે. : ડ્રિલિંગ મશીન ગોઠવાયું અને મોડી રાતે કામગીરી શરૂ કરી.

૧૭ નવે. : મશીને ૫૭ મી.ના કાટમાળમાં બપોર સુધીમાં ૨૪ મી. ડ્રિલિંગ કર્યું અને ચાર પાઈપ નાંખ્યા. પાંચમો પાઈપ નાંખતા અવરોધો આવતા કામ અટક્યું.

૧૮ નવે. : ઑગર મશીનથી ટનલ તૂટી પડવાની નિષ્ણાતોએ આશંકા વ્યક્ત કરતાં કામ શરૂ થઈ શક્યું નહીં. નિષ્ણાતોએ એક સાથે પાંચ બાજુથી ડ્રિલિંગ કરવાનો નિર્ણય કર્યો.

૧૯ નવે. : ડ્રિલિંગ મશીનથી કામ થઈ શક્યું નહીં. ગડકરીએ ઑગર મશીનથી આડુ ડ્રિલિંગ ચાલુ રાખવા સલાહ આપી.

૨૦ નવે. : ઑગર મશીનના કામમાં અવરોધ આવતા ડ્રિલિંગ થઈ શક્યું નહીં.

૨૧ નવે. : મજૂરોનો પહેલો વીડિયો આવ્યો. ઓગર મશીનથી આખી રાત આડુ ડ્રિલિંગ ફરી શરૂ કરાયું.

૨૨ નવે. : ૮૦૦ મીમીના વ્યાસના સ્ટીલના પાઈપનું આડુ ડ્રિલિંગ ૪૫ મી. સુધી થયું. એમ્બ્યુલન્સને તૈયાર રખાઈ. જોકે, રાતે ફરી અવરોધો આવતા કામ અટક્યું.

૨૩ નવે. : લોખંડના અવરોધો દૂર કરી ફરી કામ શરૂ થયું પરંતુ ૪૮ મી.ના ડ્રિલિંગ પછી પ્લેટફોર્મમાં તીરાડો પડતાં ફરી કામ અટક્યું.

૨૪ નવે. : ૨૫ ટનના મશીનથી ફરી ડ્રિલિંગ શરૂ કરાયું. પરંતુ નવા અવરોધોથી કામ અટક્યું.

૨૫ નવે. : સળીયાના કાટમાળથી ઑગર મશીનની બ્લેડો તૂટી જતાં પર્વતની ઊપરથી ૮૬ મી. નીચેની તરફ અને ૧૨ મી.નું મેન્યુઅલ ડ્રિલિંગ પર કામ કરવાનો નિર્ણય લેવાયો.

૨૬ નવે. : ઉપરથી ડ્રિલિંગ કરી ૧૯.૨ મી.નો વૈકલ્પિક એસ્કેપ રૂટ તૈયાર કરાયો.

૨૭ નવે. : ૧૦ મી. મેન્યુઅલ ડ્રિલિંગ માટે રેટ હોલ માઈનિંગ નિષ્ણાતોએ કામ શરૂ કર્યું.

૨૮ નવે. : કાટમાળમાંથી ૮૦૦ મીમીનો પાઈપ નાંખી મજૂરોને બહાર કઢાયા.

Gujarat