Get The App

સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર

Updated: Dec 2nd, 2025

GS TEAM

Google News
Google News
સિગારેટ, તમાકુ અને પાન મસાલા પર 40% GST યથાવત્, લોકસભામાં બિલ પસાર 1 - image


Parliament news about Tobacco : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ સત્રના પ્રથમ દિવસે સોમવારે લોકસભામાં બે મહત્વપૂર્ણ બિલ રજૂ કર્યા હતા, જેનો મુખ્ય ઉદ્દેશ્ય તમાકુ ઉત્પાદનો અને પાન મસાલા જેવી સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુઓ પર ઊંચા કરવેરા ચાલુ રાખવાનો હતો. વિપક્ષના ભારે હોબાળા વચ્ચે નાણામંત્રીએ 'ઉત્પાદ શુલ્ક સંશોધન વિધેયક- 2025' અને 'સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા સેસ વિધેયક- 2025' રજૂ કર્યા હતા.

કયા બે બિલ પાસ થયા? 

આ બંને બિલ હાલમાં તમાકુ અને પાન મસાલા પર લાગતા GST ક્ષતિપૂર્તિ ઉપકર (Compensation Cess)નું સ્થાન લેશે. 'કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક સંશોધન બિલ' દ્વારા સિગારેટ, સિગાર, હુક્કા, જર્દા સહિતના તમાકુ ઉત્પાદનો પર ઉત્પાદ શુલ્ક (Excise Duty) લગાવવામાં આવશે. જ્યારે, 'સ્વાસ્થ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ' દ્વારા પાન મસાલા પર નવો ઉપકર (Cess) લગાવવામાં આવશે. સરકાર મુજબ, આ નવા ઉપકરનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર આરોગ્ય સંબંધિત ખર્ચાઓ માટે વધારાના સંસાધનો એકત્ર કરવાનો છે.

શા માટે આ નવા બિલની જરૂર પડી?

આ નવા વિધેયક લાવવા પાછળનું મુખ્ય કારણ GST ક્ષતિપૂર્તિ ઉપકરની સમાપ્તિ છે. જુલાઈ 2017માં જ્યારે GST લાગુ કરવામાં આવ્યો, ત્યારે રાજ્યોને થતા રાજસ્વ નુકસાનની ભરપાઈ કરવા માટે 5 વર્ષ માટે ક્ષતિપૂર્તિ ઉપકરની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારીને કારણે આ ઉપકરની અવધિ 31 માર્ચ, 2026 સુધી લંબાવવામાં આવી હતી. હવે જ્યારે આ ઉપકર સમાપ્ત થવાની નજીક છે, ત્યારે તમાકુ અને પાન મસાલા પરનો ઊંચો ટેક્સ પણ સમાપ્ત થઈ જાત, જેનાથી આ વસ્તુઓ સસ્તી થઈ શકતી હતી. આથી, આ હાનિકારક વસ્તુઓ પર ટેક્સનો દર યથાવત રહે તે સુનિશ્ચિત કરવા માટે સરકાર આ બે નવા વિધેયક લાવી છે.

વિપક્ષે કર્યો વિરોધ

આ બિલ રજૂ થવા દરમિયાન વિપક્ષે ભારે વિરોધ કર્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના નેતા સૌગત રોયે આરોપ લગાવ્યો કે સરકાર માત્ર તમાકુ પર ટેક્સ વસૂલવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે અને તેનાથી થતા સ્વાસ્થ્યના નુકસાનના પાસાઓની અવગણના કરી રહી છે. જ્યારે, ડીએમકેના સાંસદ કથિર આનંદે કહ્યું કે સરકાર જનતા પર કરવેરાનો વધુ બોજ નાખવાનો પ્રયાસ કરી રહી છે. 


Tags :