રામસર સંરક્ષણની યાદીમાં ગુજરાતના બે સહિત ભારતના ચાર સ્થળોનો સમાવેશ
ભેજવાળી જમીનને રક્ષિત કરવાના લિસ્ટમાં દેશની કુલ ૪૬ સાઈટ્સ
મહેસાણાના થોળ સરોવર અને દભોઈ નજીકના વઢવાણા તળાવને પર્યાવરણની દૃષ્ટિએ મહત્વના સ્થળો તરીકે રક્ષણ મળશે
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૧૪
પર્યાવરણની દૃષ્ટિએ ખૂબ જ વિશિષ્ટ હોય એવા ભેજવાળા સ્થળોને રામસર આંતરરાષ્ટ્રીય સંધિ પ્રમાણે સંરક્ષણ આપવામાં આવે છે. દર વર્ષે તેમાં નવા નવા સ્થળો ઉમેરવામાં આવે છે. ૨૦૨૧માં ભારતના કુલ ચાર સ્થળોનો એમાં સમાવેશ થયો છે. જેમાં ગુજરાતના બે સરોવરોનો સમાવેશ થાય છે.
૧૯૭૧માં ઈરાનના રામસરમાં પર્યાવરણની રીતે ખાસ મહત્વ ધરાવતી આદ્રભૂમિને સંરક્ષણ આપવાનો કરાર થયો હતો. યુનેસ્કો સાથે સંલગ્ન રહીને આ રામસર કન્ઝર્વેશન ભેજવાળી જમીનમાં સજીવોનું વૈવિધ્ય ધરાવતા સ્થળોને સંરક્ષિત કરવાની ભલામણ કરે છે. એમાં ભારતના કુલ ચાર નવા સ્થળો ઉમેરાયા છે.
ગુજરાતના બે સરોવરોનો આ યાદીમાં સમાવેશ થયો છે. મહેસાણા પાસેનું થોળ સરોવર અને ડભોઈ નજીકનું વઢવાણા તળાવને રામસર યાદીમાં સ્થાન અપાયું છે. તે સિવાય હરિયાણાના સુલતાનપુર નેશનલ પાર્ક અને ભિંડાવાસ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીને એમાં સ્થાન મળ્યું છે. ભારતની કુલ ચાર સાઈટનો રામસર સંરક્ષણ યાદીમાં સમાવેશ થતા હવે દેશની કુલ ૪૬ સાઈટ્સને આ દરજ્જો મળી ચૂક્યો છે.
કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવે ટ્વિટરમાં માહિતી આપતા લખ્યું હતુંઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણને લઈને ચિંતિત છે. તેના કારણે ભારતની આદ્રભૂમિનો વિકાસ થઈ રહ્યો છે. એમાં વધુ ચાર સાઈટ્સનો ઉમેરો થયો છે. દેશવાસીઓને એ વાત જણાવતા આનંદ થઈ રહ્યો છે કે દેશના ચાર સ્થળોને રામસરની યાદીમાં સ્થાન મળ્યું છે.
હરિયાણાની ભિંડાવાસ વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીમાં આવેલું માનવસર્જિત તાજાજલ તળાવ વિશિષ્ઠ છે. તે હરિયાણાની સૌથી મોટી આદ્રભૂમિ ગણાય છે, એમાં વર્ષ દરમિયાન ૨૫૦ જાતિના પક્ષીઓનો આવરો-જાવરો રહે છે. લુપ્ત થતી ઘણી પ્રજાતિઓ અહીં જોવા મળે છે.
હરિયાણાનું સુલતાનપુર અભ્યારણ્ય પ્રવાસી પક્ષીઓનું આશ્રયસ્થાન છે. ૨૨૦ જળપક્ષીઓ માટે આ સ્થળ અનુકૂળ ગણાય છે.
મહેસાણા નજીકનું થોળ તળાવની આસપાસ ૩૨૦ જેટલી પક્ષીઓની પ્રજાતિ વસવાટ કરે છે. વઢવાણાના સરોવરમાં ૮૦ જેટલી પક્ષીઓની જાતિ મધ્ય એશિયાથી આવતી-જતી રહે છે. આ યાદીમાં સ્થાન આપીને જે તે મહત્વના સ્થળો અંગે લોકોમાં અને પક્ષીપ્રેમીઓમાં વધુ જાગૃતિ આવે તે મુખ્ય હેતુ છે. રામસર સમિતિ સ્થાનિક સરકારી બોડીને એ સ્થળની સુરક્ષા આપવાની ભલામણ પણ કરે છે.