હરિયાણામાં 4.4નો ભૂકંપ : ઉ.પ્ર., દિલ્હી-એનસીઆર સુધી આંચકા
- અનેક વિસ્તારોમાં લોકો ઘરની બહાર દોડી આવ્યા
- ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના ઝજ્જરથી 3 કિમી ઉત્તર પૂર્વમાં જમીનથી 10 કિમી નીચે હતું
નવી દિલ્હી : હરિયાણામાં ઝજ્જર પાસે સવારે ૪.૪ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો અને તેના આંચકા ઉત્તર પ્રદેશ અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતાં.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના અનુસાર દિલ્હીથી ૫૧ કિમી પશ્ચિમમાં અને ઝજ્જરથી ૩ કિમી ઉત્તર પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર હતું. ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું. ભૂકંપ સવારે ૯.૦૪ વાગ્યે આવ્યો હતો. ઝજ્જર ઉપરાંત રોહતક, ગુરુગ્રામ, પાણીપત, હિસાર અને મેરઠમાં પણ અનુભવાયા હતાં. ઝજ્જારની એક વૃદ્ધ શખ્સે જણાવ્યું હતું કે આ એક શક્તિશાળી આંચકો હતો. મારા મત મુજબ મારા જીવનમાં ભૂકંપનો આટલો શક્તિશાળી આંચકો મેં પ્રથમ વખત અનુભવ્યો હતો.
તેમણે જણાવ્યું હતું કે ભૂકંપ આવતા જ લોેકો પોતાના ઘરોમાંથી બહાર દોડી આવ્યા હતાં. દિલ્હીમાં ભૂકંપના આંચકા અનુભવાતા જ ભયનો માહોલ ફેલાઇ ગયો હતો અને લોકો ખુલ્લી જગ્યામાં એકત્ર થયા હતાં.
વિકાસપુરીના રહેવાસી સુલતાન ખાને જણાવ્યું હતું કે આ ખૂબ જ ડરામણો અનુભવ હતો. અમને અચાનક અનુભવ થયો કે ધરતી ધુ્રજી રહી છે અને અમે તરત જ ઘરની બહાર દોડી આવ્યા હતાં.
અન્ય એક રહેવાસી અહેમદ અલીએ જણાવ્યું હતું કે આ એક ડરામણી ક્ષણ હતી. આંચકા વધુ સમય સુધી ચાલ્યા ન હતાં પણ એટલા શક્તિશાળી હતાં કે અમે ઉંઘમાંથી ઉઠી ગયા હતાં. મારા બાળકો હજુ પણ ડરી રહ્યાં છે.