India

અમરનાથ જતા ગુજરાત સહિત પાંચ રાજ્યોના 36 શ્રદ્ધાળુ ઘાયલ

By GS TEAM
6 Jul 20252 mins read
અમરનાથ જતા ગુજરાત સહિત પાંચ રાજ્યોના 36 શ્રદ્ધાળુ ઘાયલ

જમ્મુ-કાશ્મીરના રામવનમાં અકસ્માત 

પહલગામ જતી વખતે બ્રેક ફેલ થતા પાંચ બસોની ટક્કર, સારવાર બાદ પાછા યાત્રાએ રવાના થયા 

શ્રીનગર: જમ્મુ કાશ્મીરના રામબન જિલ્લામાં અમરનાથ યાત્રાના શ્રદ્ધાળુઓને લઇને જતી પાંચ બસો સાથે અકસ્માત થયો હતો. આ પાંચેય બસો એકબીજાની સાથે ટકરાઇ હતી જેને કારણે ગુજરાત, રાજસ્થાન સહિતના કેટલાક રાજ્યોના ૩૬ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. આ તમામ બસોનો કોન્વોય પહલગામ બેઝ કેમ્પ તરફ શ્રદ્ધાળુઓને લઇને જતો હતો ત્યારે આ અકસ્માત થયો હતો.

અકસ્માતની આ ઘટના જમ્મુ-શ્રીનગર નેશનલ હાઇવે પર ચંદેરકોટ પાસે બની હતી. સવારે આઠ વાગ્યા આસપાસ એક બસની બ્રેક ફેલ થઇ ગઇ હતી જેને કારણે અકસ્માત થયો હોવાનું સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ ઘટના અંગે માહિતી આપતા ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે ૩૬ શ્રદ્ધાળુઓને ઇજા પહોંચી છે જેમને રામબનની હોસ્પિટલમાં જ સારવાર મળી ગઇ હતી. તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષીત છે. 

આ પહેલા રામબનના ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે પહલગામ કોન્વોયની બસની બ્રેક ફેલ થઇ ગઇ હતી જેને કારણે તેણે આગળ જતી બસોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં પાંચ વાહનને નુકસાન થયું છે જ્યારે ૩૬ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હતા. ઘટના બાદ સમગ્ર તંત્ર સ્થળે પહોંચ્યું હતું અને તમામ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અન્ય શ્રદ્ધાળુઓને બીજા વાહનોમાં અમરનાથ યાત્રા માટે રવાના કરાયા હતા.

જ્યારે  સીઆરપીએફના પ્રવક્તાએ કહ્યું હતું કે જે પણ શ્રદ્ધાળુઓ આ અકસ્માતમાં ઘાયલ થયા છે તેઓ મધ્ય પ્રદેશ, ગુજરાત, દિલ્હી અને ઉત્તર પ્રદેશ તેમજ રાજસ્થાનના છે. સીઆરપીએફ જવાનો પણ તાત્કાલીક સ્થળ પર દોડી ગયા હતા અને તમામ ઘાયલોને મદદ કરી હતી. 

જે પણ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા છે તેમાંથી કેટલાકને સારવાર આપતા તેઓ ઠીક થઇ ગયા હતા અને ફરી પાછા અમરનાથ યાત્રા માટે રવાના થઇ ગયા હતા.