Get The App

દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા

Updated: Nov 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલ્હીના સ્લમમાં રહેતા બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતામાં 331 કરોડ જમા 1 - image

- દરોડા પાડનારા અધિકારીઓ પણ હકિકત જાણી ચોંકી ગયા

- આ 331 કરોડમાંથી એક કરોડ ગુજરાતના યુવા વયના નેતાના ઉદયપુરમાં યોજાયેલ લગ્ન પાછળ ખર્ચાયા

નવી દિલ્હી : દિલ્હીના એક બાઇક ટેક્સી ડ્રાઇવરના બેંક ખાતામાં ૩૩૧ કરોડ રૂપિયા જમા થયા હતા, જેમાંથી એક કરોડ રૂપિયા રાજસ્થાનના ઉદયપુરમાં આલિશાન હોટેલમાં યોજાયેલા લગ્ન સમારોહનું બિલ ચુકવવા ઉપયોગમાં લેવાયા હતા. આ ખુલાસો કેન્દ્રીય એજન્સી ઇડીની તપાસમાં થયો હોવાના અહેવાલોએ અનેક સવાલો ઉભા કર્યા છે. રિપોર્ટ મુજબ ઉદયપુરમાં જે લગ્ન પાછળ આ બેંક ખાતામાંથી ખર્ચ કરાયો તે લગ્ન ગુજરાતના એક યુવા રાજનેતાના હતા.    

એક બાઇક ટેક્સી ડ્રાઇવરના બેંન્ક ખાતામાં ધડાધડ રૂ. ૩૩૧.૩૬ કરોડ જમા થયા હતા, જોકે આ રકમ રાતોરાત નહીં પણ આશરે આઠ મહિનાના સમયગાળા દરમિયાન જમા થઇ હતી. ઇડીને આ અંગેની જાણકારી મળતા જે ખાતામાં આ રૂપિયા જમા થયા તે કસ્ટમરનું સરનામુ મેળવી તપાસ કરી તો સૌ કોઇ ચોંકી ગયા હતા. કેમ કે જેના ખાતામાં આટલી મોટી રકમ જમા થઇ હતી તે એક બાઇક ટેક્સી ડ્રાઇવર છે અને દિલ્હીના એક ઝૂપડપટ્ટી વિસ્તારમાં રહે છે અને કમાણી માટે આખો દિવસ બહાર રહે છે. આ ડ્રાઇવરને એ ખ્યાલ જ નથી કે તેના ખાતામાં કોણે આ રૂપિયા જમા કરાવ્યા હતા. 

બાદમાં વધુ તપાસ કરાઇ તો સામે આવ્યું કે આ ખાતામાંથી એક કરોડ રૂપિયા ઉદયપુરમાં એક ગુજરાતી રાજનેતાના ભવ્ય લગ્ન સમારોહ પાછળ ખર્ચ કરવામાં આવ્યા હતા. આ એક કરોડ રૂપિયા એક હોટેલમાં ગ્રાંડ ડેસ્ટિગેશન વેડિંગ પર ખર્ચ કરાયા હતા. ગુજરાતનો આ યુવા નેતા કોણ છે તેની વિગતો જાહેર કરવામાં નથી આવી પરંતુ ટૂંક સમયમાં તેને પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે છે તેમ આ અહેવાલોમાં દાવો કરાયો છે. બાઇક ટેક્સી ડ્રાઇવરે એ પણ દાવો કર્યો હતો કે તે આ રાજનેતાને કે તેના પરિવારના કોઇ પણ વ્યક્તિને નથી ઓળખતો.  

એજન્સીને એવી પણ શંકા છે કે આ બાઇક ટેક્સી ડ્રાઇવરના ખાતાનો માત્ર ઉપયોગ કરાયો છે, જેને મ્યૂલ પ્લેટફોર્મ બનાવી દેવાયું હતું. જ્યાં પણ આ નાણા જમા થયા તેમાં એક સટ્ટાબાજી કે ગેમિંગ સાથે જોડાયેલ છે. મ્યૂલ એકાઉન્ટ સામાન્ય રીતે ગેરકાયદે નાણાની હેરફેર માટે ઉપયોગ કરાતું હોય છે. અસલી માલિક તેનો યૂઝર નથી હોતો, આ પ્રકારના એકાઉન્ટ નકલી અથવા હાયર કરાયેલા કેવાયસીનો ઉપયોગ કરીને બનાવાય છે. હાલ તમામ દિશામાં ઇડી તપાસ કરી રહી છે.