32 વર્ષના ટ્રાવેલ ઈન્ફ્લુએન્સર અનુનય સૂદનું અમેરિકામાં રહસ્યમય મોત

અનુનય ફોર્બ્સ ઈન્ડિયાના ટોપ-100 સ્ટાર્સમાં સામેલ હતો
ઈન્સ્ટાગ્રામમાં 14 લાખ ફોલોઅર્સ ધરાવતા અનુનયે લાસ વેગાસમાંથી છેલ્લી પોસ્ટ શેર કરીને દિગ્ગજોને મળ્યાની વાત લખી હતી
અનુનય સૂદ નોઈડાનો ટ્રાવેલ બ્લોગર હતો. તેણે સોશિયલ મીડિયાના માધ્યમથી ટ્રાવેલ બ્લોગ શેર કરવાનું શરૂ કર્યું હતું. ઈન્સ્ટાગ્રામમાં તેના ૧૪ લાખથી વધુ ફોલોઅર્સ હતા. તો યુટયૂબમાં પણ ૩.૮ લાખ સબક્રાઈબર્સ હતા. બંનેમાં તે પોતાના પ્રવાસના ફોટો અને વીડિયો શેર કરતો હતો. તેની પ્રવાસની કહાની કહેવાની રીત પોપ્યુલર થઈ હતી. એક અંદાજ પ્રમાણે ઈન્સ્ટાગ્રામમાં બ્રાન્ડ ડીલના ભાગરૂપે તે ૩૮૦૦થી ૫૨૦૦ ડોલરની માસિક કમાણી કરતો હતો. યુટયૂબમાંથી મહિને ૪૦૦થી ૯૦૦૦ ડોલરની આવક થતી હતી. તેની સંપત્તિ આઠથી ૧૦ કરોડ હોવાની શક્યતા છે.
અનુનય એન્જિનિયર હતો. નોઈડામાં શરૂઆતમાં કોર્પોરેટ નોકરી કરતો હતો, પછી ફરવાનો શોખ હતો એટલે ટ્રાવેલ બ્લોગર બની ગયો. તે ભારતના સૌથી સફળ સોશિયલ મીડિયા ટ્રાવેલ ઈન્ફ્લુએન્સરમાં એક હતો. તેની લક્ઝરી લાઈફસ્ટાઈલ ઈન્સ્ટાગ્રામમાં ચર્ચાનું કેન્દ્ર બનતી હતી. તેણે ૪૬ દેશોનો પ્રવાસ કર્યો હતો અને ૧૯૫ દેશોનો પ્રવાસ કરવાનું ટાર્ગેટ સેટ કર્યું હતું.
કન્ટેન્ટ ક્રિએટર તરીકે અનુનયે સ્વિટ્ઝર્લેન્ડ, સાઉદી, ન્યૂઝીલેન્ડ જેવા દેશોના ટૂરિઝમ વિભાગ સાથે સહયોગ કર્યો હતો. દુબઈમાં એક એજન્સી પણ શરૂ કરી હતી. અનુનયે થોડા કલાકો પહેલાં જ લાસ વેગાસથી એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે હું માની નથી શકતો કે એક વીકેન્ડ દિગ્ગજો સાથે તેમ જ સપનોના મશીનો સાથે વીતાવી. અનુનયના રહસ્યમય મોત બાબતે પરિવારે કોઈ સ્પષ્ટતા કરી નથી. લાસ વેગાસના અધિકારીઓએ પણ આ બાબતે કોઈ જ સત્તાવાર નિવેદન બહાર પાડયું નથી.
- અચાનક મૃત્યુ પામેલા દેશના અત્યંત પોપ્યુલર ઈન્ફ્લુએન્સર
- મિશા અગ્રવાલે આ વર્ષે જ આપઘાત કરી લીધો હતો
- ફેશન ઈન્ફ્લુએન્સર સુરભિ જૈનનું કેન્સરથી મોત થયું હતું : અંકિત કલરાને હાર્ટ એટેક આવ્યો હતો
નવી દિલ્હી: છેલ્લાં થોડાં સમયથી બેહદ પોપ્યુલર સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનાં મોતનો સિલસિલો શરૂ થયો છે. એમાં અનુનય સૂદનો ઉમેરો થયો છે. તે સિવાય એક-બે વર્ષમાં દેશના ઘણાં પોપ્યુલર ઈન્ફલુએન્સર્સ જુદા જુદા કારણથી અકાળે અવસાન પામ્યાં છે.
મિશા અગ્રવાલ એક બિઝનેસવુમન હતી અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર હતી. લાખો ફોલોઅર્સ હતા. તે બહારથી ખૂબ ખુશ હતી. ખુશહાલ દેખાતી હોય એવા ફોટો-વીડિયો મૂકતી હતી, પરંતુ અંદરથી પરેશાન હતી અને એ પરેશાનીમાં જ તેણે આ વર્ષે એપ્રિલમાં આપઘાત કરી લીધો હતો. કન્ટેન્ટ ક્રિએટર આન્તી કામદાર ૨૦૨૪માં એક ધોધ પાસે વીડિયો બનાવતી હતી ત્યારે ડૂબી જવાથી મોત થયું હતું.
અંકિત કલરાને ગયા વર્ષે હાર્ટ એટેક આવ્યો હતો. સૂરભી જૈન ફેશન ઈન્ફ્લુએન્સર હતી. તેનું ગયા વર્ષે કેન્સરથી મોત થયું હતું.

