યુદ્ધવિરામ થતાં બંધ 32 એરપોર્ટ ફરીથી શરૂ કરાયા
- એરપોર્ટ 15 મે સુધી બંધ રાખવાના હતા
- ગુજરાતમાં ભુજ, જામનગર, રાજકોટ, પોરબંદર, મુંદ્રા, કંડલા એરપોર્ટ બંધ હતા
નવી દિલ્હી : પાક. સાથેના સંઘર્ષના પગલે ભારતે ૧૫ મે સુધી ૩૨ એરપોર્ટ બંધ રાખવાની જાહેરાત કરી હતી, પરંતુ યુદ્ધવિરામના પગલે ભારતે સોમવારે જ બધા બંધ કરેલા એરપોર્ટ ખોલી દીધા હતા.
ભારત અને પાકિસ્તાન બંને શનિવારે સરહદ પર સ્થિતિ વણસતી અટકાવવા માટે સંમત થયા પછી ચંદીગઢ અને અમૃતસર સહિતના અસરગ્રસ્ત વિસ્તારોમાં એરપોર્ટ ફરીથી શરૂ કરવામાં આવ્યા છે.
ભારતીય હવાઈદળની સૂચનાના પગલે આ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા. આ બતાવે છે કે અગાઉ જે પણ વિસ્તારોમાં બધી પ્રવૃત્તિઓ અટકાવી દેવાઈ હતી તે હવે ફરીથી શરૂ કરી શકાશે. એર ટ્રાફિકમાં ગીચતા ટાળવા અને સ્થાનિક તથા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ફાયદો થાય તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે.એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે ૩૨ એરપોર્ટ ૧૫મી જુનના સાડા પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવનાર હતા તે હવે સ્થિતિમાં સુધારો થતાં આજથી જ ખોલી દેવાયા છે. આમ હવે પ્રવાસીઓ આ બધા એરપોર્ટ પર તેમની એરલાઇન્સ પાસેથી તેમનું ફ્લાઇટ સ્ટેટસ ચેક કરી શકશે.
પ્રારભમાં ૨૪ એરપોર્ટ બંધ કરવામાં આવ્યા હતા, પછી આ આંકડો વધારીને ૩૨ એરપોર્ટનો કરવામાં આવ્યો હતો. આજે ફરીથી ખૂલેલા ૩૨ એરપોર્ટમાં જૈસલમેર, જામનગર, જોધપુર, ઉધમપુર, અંબાલા, અવંતીપુર, ભટિંડા, ભુજ, બિકાનેર, હલવારા, હિંડોન, કંડલા, કાગરા, કેશોદ, કિશનગઢ, કુલુમનાલી, લેહ, લુધિયાણા, મુંદ્રા, નલિયા, પઠાણકોટ, પતિયાલા, પોરબંદર, રાજકોટ સરસવા, શિમલા, થોઇસ અને ઉત્તરલાઈનો સમાવેશ થાય છે. સાતમી મેથી ટાર્ગેટ કરવામાં આવેલા જમ્મુ અને શ્રીનગરના એરપોર્ટ પણ મંગળવારથી શરૂ કરાયા હતા.