India

દિવ્યાંગ જવાનોના પેન્શન સામે કેન્દ્રની 300 અરજી, હાઇકોર્ટે તમામ ફગાવી

By GS TEAM
6 Jul 20253 mins read
દિવ્યાંગ જવાનોના પેન્શન સામે કેન્દ્રની 300 અરજી, હાઇકોર્ટે તમામ ફગાવી

પેન્શન કોઇ ચેરિટી કે સરકારની કૃપા નહીં પણ અધિકાર : દિલ્હી હાઇકોર્ટ

જવાનો આરામવાળું જીવન છોડી કપરી સ્થિતિમાં દેશની સુરક્ષા કરે છે, પોસ્ટિંગના આધારે પેન્શનની ના ન પાડી શકો : હાઇકોર્ટ 

નવી દિલ્હી: દિવ્યાંગ જવાનોના પેન્શન મુદ્દે કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી હાઇકોર્ટમાં ૧૦ કે ૧૫ નહીં પણ ૩૦૦ પિટિશન કરાઇ હતી, આ તમામ અરજીઓને દિલ્હી હાઇકોર્ટે ફગાવી હતી. સાથે જ દિવ્યાંગ જવાનોને અપાતા પેન્શનને બહાલ કરી મોટો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે કેન્દ્ર સરકારને પાઠ ભણાવતા કહ્યું હતું કે પેન્શન એ અધિકાર છે કોઇ ચેરિટી કે સરકારની કૃપા નથી. આ તમામ અરજીઓ કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી. જેમાં દિવ્યાંગ જવાનોને પેન્શનનો વિરોધ કરવામાં આવ્યો હતો.  

દિલ્હી હાઇકોર્ટના ન્યાયાધીશ નવીન ચાવલા અને ન્યાયાધીશ શાલિન્દર કૌરની બેંચે દિવ્યાંગ જવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. સાથે જ સ્પષ્ટતા કરી હતી કે આ જવાનોએ જે સેવા આપી તે દરમિયાન તેમને થયેલી ઇજાઓ વગેરે માટે આ પેન્શન તેમને મળી રહ્યું છે, આ કોઇ સરકાર તરફથી જવાનોને અપાતી ભેટ કે કૃપા નથી. આ દેશની રક્ષા માટે જવાનો અત્યંત જોખમકારક સ્થિતિ અને ઋતુમાં પણ પોતાની ફરજ નિભાવતા હોય છે. આરામદાયક જીવનથી દૂર રહીને તેઓ જે પરિસ્થિતિમાં ફરજ બજાવે છે ત્યાં તેમની ક્ષમતાની પણ પરીક્ષા થતી હોય છે. તેમનું ક્યા સ્થળે પોસ્ટિંગ થયું છે તેના આધારે પણ તેમને મળતા દિવ્યાંગ પેન્શનની સરકાર ના ન પાડી શકે. 

આ પહેલા આર્મ્ડ ફોર્સ ટ્રિબ્યૂનલે અનેક જવાનોની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સૈન્ય કે અન્ય સુરક્ષા દળમાં ભરતી સમયે કોઇ દિવ્યાંગતા ના હોય પણ બાદમાં સેવા દરમિયાન બિમારી કે અન્ય કોઇ કારણસર તેઓને શરીરમાં ખોટ રહી જાય તો તેવી સ્થિતિમાં પણ તેમને દિવ્યાંગતા પેન્શન આપવા આદેશ કર્યો હતો. આ આદેશની સામે સરકાર દ્વારા હાઇકોર્ટોમાં અનેક પિટિશનો કરવામાં આવી હતી. જે તમામને દિલ્હી હાઇકોર્ટ દ્વારા ફગાવવામાં આવી હતી. સાથે જ કહ્યું હતું કે જવાનો પીસ સ્ટેશન પર ફરજ દરમિયાન દિવ્યાંગ થયા તેથી તેમને પેન્શન ના આપવાની દલીલ યોગ્ય નથી. સૈનિકો અનેક માનસિક તાણનો પણ સામનો કરતા હોય છે. આવી સ્થિતિમાં પણ તેમના શરીર પર અસર થાય છે અને તેથી એમ કહેવુ કે કોઇ બીમારી તેમની જીવનશૈલી સાથે જોડાયેલી છે તેથી પેન્શન ના આપી શકાય આ યોગ્ય કારણ નથી. જવાનોની કઠોર સેવા અને દશા પણ તેમની જીવનશૈલીનો એક હિસ્સો છે. 

પેન્શન માટે વિવિધ કોર્ટોના ધક્કા ખાનારા આ કેસના મૂળ અરજદાર ૧૯૮૯માં ભારતીય સૈન્યમાં જોડાયા હતા, બાદમાં વર્ષ ૨૦૨૧માં તેઓ નિવૃત થયા હતા. વર્ષ ૨૦૧૨માં જ્યારે તેમને પૂણેના હેડક્વાર્ટર્સ પર તૈનાત કરાયા હતા ત્યારે તેમને ટાઇપ-૨ કેટેગરીનો ડાયાબિટિસ થયો હતો. જેથી બાદમાં તેમને લો મેડિકલ કેટેગરીમાં રાખીને તૈનાત કરાયા હતા. આ દરમિયાન પણ તેમણે જવાન તરીકે પોતાની સેવા પુરી કરી હતી. કેમ કે તેમને લો મેડિકલ કેટેગરીમાં રખાયા હોવાથી નિવૃતિ સમયે તેમની રિલીઝ મેડિકલ બોર્ડ દ્વારા ચકાસણી થઇ હતી અને તેમનામાં ૨૦ ટકા જ દિવ્યાંગતા જોવા મળી હતી તેથી તેમને દિવ્યાંગતા પેન્શન આપવાની ના પડાઇ હતી. જે બાદ મામલો ટ્રિબ્યૂનલ અને પછી હાઇકોર્ટ પહોંચ્યો હતો જ્યાં તેમની જીત થઇ હતી.