Get The App

ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત

Updated: Dec 16th, 2025

GS TEAM

Google News
Google News
ગાઢ ધુમ્મસના કારણે દિલ્હી-મુંબઈ હાઈવે પર 30 અકસ્માતો, ચારનાં મોત 1 - image

- દિલ્હીમાં પ્રદૂષણ ભયજનક સ્તરે : મહત્તમ એક્યૂઆઈ ૪૯૩

- દિલ્હીમાં ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતાં 225 ફ્લાઈટ્સ રદ્, 200 ડીલે : અનેક ટ્રેનોનું ટાઈમટેબલ પણ ખોરવાયું

નવી દિલ્હી : દિલ્હી-એનસીઆરમાં ઠંડીનો માહોલ બન્યો છે. પ્રદૂષણ ઘટયું નથી. ગાઢ ધુમ્મસના કારણે વાહન વ્યવહારને અસર પહોંચી હતી. છેક બપોર સુધી ધુમ્મસની અસર રહી હોવાથી જનજીવન પ્રભાવિત થયું હતું. દિલ્હી અને તેના આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી એટલી ઘટી ગઈ હતી કે વિમાન વ્યવહાર કલાકો સુધી ખોરવાઈ ગયો હતો. અનેક ટ્રેનો પણ મોડી થઈ હતી. ધુમ્મસ વધી જતાં દિવ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં અકસ્માતો વધ્યા હતા.

દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસની અસર રોડ-રેલવે અને હવાઈ મુસાફરી પર પડી હતી. દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વેમાં એક જ દિવસમાં ૩૦ અકસ્માતો નોંધાયા હતા. વાહનોની આ ટક્કરમાં ચાર લોકોનાં મોત થયા હતા. ઘણાં વાહનોની ટક્કરથી વાહન ચાલકો અને મુસાફરો ઈજાગ્રસ્ત બન્યા હતા. દિલ્હી-મુંબઈ હાઈવેમાં ફરીદાબાદ નજીક બે ગમખ્વાર અકસ્માતો થયા હતા. એમાં સીઆઈએસએફના ઈન્સ્પેક્ટરનું પણ મોત થયું હતું. નૂંહ પાસે ગાઢ ધુમ્મસના કારણે વહેલી સવારે ચારથી પાંચ વાગ્યાની આસપાસ લગભગ ૩૦ વાહનો અંદરો અંદર ટકરાયા હતા, પરિણામે કલાકો સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો.

દિલ્હી એરપોર્ટ ઓથોરિટીએ વહેલી સવારથી જ પેસેન્જર્સને લો વિઝિબિલિટીના કારણે ફ્લાઈટો રદ્ કરવાની જાણકારી આપી હતી. ગાઢ ધુમ્મસના કારણે ટેકઓફ અને લેન્ડિંગ જોખમી હતું, પરિણામે દિલ્હી આવતી અનેક ફ્લાઈટ જયપુર ડાઈવર્ટ કરાઈ હતી. દિલ્હી એરપોર્ટે ૨૨૫ ફ્લાઈટ રદ્ કરી હતી એટલે અનેક પેસેન્જર્સ રઝળી પડયા હતા. એ સિવાયની ૨૦૦ ફ્લાઈટ્સ ડીલે કરવી પડી હતી. ધુમ્મસની અસર રેલવે સેવા પર પણ પડી હતી. દિલ્હી તરફ આવતી અને દિલ્હીથી જતી અનેક ટ્રેનો રોકી રાખવી પડી હતી. તેના કારણે અનેક ટ્રેનોનું ટાઈમટેબલ ખોરવાયું હતું.

દિલ્હીમાં પ્રદૂષણમાં કોઈ જ રાહત મળી ન હતી. પ્રદૂષણ ઘટવાને બદલે વધ્યું હતું. ઝાકળ, ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઝીરો થઈ હતી.

 તો અમુક વિસ્તારોમાં એર ક્વાલિટી ઈન્ડેક્ષ-એક્યૂઆઈ સિવિયર કેટેગરીમાં મૂકવામાં આવ્યો હતો.

ઉત્તર ભારતમાં તાપમાન બે ડિગ્રી ગગડશે

ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું જોર વધ્યું છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે દિલ્હીમાં ૧૭મી ડિસેમ્બરથી કાતિલ ઠંડી અનુભવાશે. પંજાબ, હરિયાણામાં ઝાકળ વધશે અને ઠંડી પણ વધશે. હિમાલયન રાજ્યોમાં બરફવર્ષાની શક્યતા છે. પહાડીઓ પરથી ઠંડો વાયરો ફૂંકાશે તેની અસર ઉત્તર ભારતના મેદાની પ્રદેશોમાં થશે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં આગામી બે દિવસમાં હળવા વરસાદી ઝાપટાં પડી શકે છે અને બરફવર્ષા પણ થશે. તેની સીધી અસર થવાના કારણે દેશના ૧૨થી ૧૫ રાજ્યોમાં સરેરાશ તાપમાન ૨ ડિગ્રી સુધી ઘટી જશે. આ સપ્તાહના અંત સુધીમાં આખાય ભારતમાં ઠંડીનું મોજું ફરી વળે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.