Get The App

પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ

Updated: Jul 30th, 2025

GS TEAM

Google News
Google News
પહલગામ હુમલાના 3 આતંકીઓ ઠાર : અમિત શાહ 1 - image


- ઓપરેશન સિંદૂર પછી ઓપરેશન મહાદેવ

- આતંકીઓને મદદ કરનારાઓએ મૃતદેહો ઓળખી કાઢ્યા, હથિયારોનું ચંડીગઢ એફએસએલમાં પરીક્ષણ કરી ખાતરી કરાઈ

- આતંકીઓ દાચીગામના જંગલોમાં છુપાયા હોવાની ૨૨ મેએ ગુપ્ત બાતમી મળી, સ્વદેશી સેન્સર્સથી એક મહિનામાં તેમને ટાર્ગેટ કરાયા

નવી દિલ્હી : પહલગામની બૈસારન ખીણમાં આતંકી હુમલામાં ૨૬ હિન્દુ પ્રવાસીઓની નામ પૂછીને હત્યા કર્યાના ૧૦૦ દિવસની અંદર ભારતીય સૈન્યના જવાનોએ આ હુમલા માટે જવાબદાર ત્રણેય આતંકીઓને ઠાર કર્યા હતા. ભારતીય જવાનોએ દાચીગામના જંગલોમાં છુપાયેલા ત્રણ આતંકીઓ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાની અને જિબરાનનું એન્કાઉન્ટર કર્યું હતું. આ આતંકીઓના મૃતદેહોને શ્રીનગર લાવીને તેમણે જ પહલગામમાં આતંકી હુમલો કર્યો હોવાની ખરાઈ કરાી હતી અને તેના વૈજ્ઞાાનિક પુરાવા પણ મેળવવામાં આવ્યા હતા તેમ તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે લોકસભામાં સત્તાવાર જાહેરાત કરતા કહ્યું હતું.

પહલગામમાં આતંકી હુમલા અને ઓપરેશન સિંદૂર અંગે લોકસભામાં વિશેષ ચર્ચાના બીજા દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ત્રણ આતંકીઓના સફાયા માટે હાથ ધરાયેલા ઓપરેશન મહાદેવની પણ ઝિણવટપૂર્વકની વિગતો રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, સૈન્ય, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફના સંયુક્ત ઓપરેશનમાં સોમવારે શ્રીનગર નજીક દાચીગામના જંગલોમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા હતા.

તેમણે કહ્યું કે, ઓપરેશન મહાદેવ હેઠળ માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાં સુલેમાન ઉર્ફે ફૈઝલ અને અફઘાની લશ્કર-એ-તૈયબાના એ કેટેગરીના આતંકી હતા જ્યારે જિબરાન પણ કુખ્યાત અને વોન્ટેડ આતંકી હતો. આ ત્રણેય આતંકી પહલગામમાં બૈસારન ખીણમાં આપણા નાગરિકોની હત્યામાં સંડોવાયેલા હતા.

તેમણે જણાવ્યું કે, પહલગામમાં આતંકી હુમલા પહેલાં તેમને ભોજન, આશ્રય આપવા સહિતની મદદ કરનારા કેટલાક સ્થાનિક લોકોની એનઆઈએએ અટકાયત કરી હતી. આ લોકોને આતંકીઓના મૃતદેહો બતાવીને તેમની ઓળખ કરાઈ હતી અને સ્પષ્ટ કરાયું હતું કે આ જ ત્રણ લોકો બૈસારન ખીણમાં થયેલા આતંકી હુમલામાં સામેલ હતા. એટલું જ નહીં દાચીગામના જંગલોમાં આતંકીઓ પાસેથી એક એમ-૯, બે એકે-૪૭ રાઈફલ્સ સહિતના હથિયારો જપ્ત કરાયા હતા. 

તેમણે ઉમેર્યું કે, આ હથિયારોની કારતૂસોને વિશેષ વિમાનમાં સોમવારે ચંડીગઢની સેન્ટ્રલ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાયા હતા. ફોરેન્સિક લેબ દ્વારા આ કારતૂસોની બૈસારન ખીણમાંથી મળી આવેલા કારતૂસો સાથે વૈજ્ઞાાનિક તપાસ કરાઈ હતી. આ બેલિસ્ટિક રિપોર્ટ સવારે ૪.૪૬ કલાકે આવ્યો હતો, જેમાં છ ફોરેન્સિક નિષ્ણાતોએ વીડિયો કોલ મારફત પુષ્ટી આપી હતી કે, આ જ હથિયારોનો ઉપયોગ પહલગામ હુમલામાં કરાયો હતો. 

ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, સુરક્ષા દળોએ આતંકીઓના મૃતદેહો પાસેથી બે પાકિસ્તાની વોટર આઈડી તેમજ તેમના ભોજનમાંથી પાકિસ્તાની બનાવટની ચોકલેટ્સ પણ મળી આવ્યા હતા. આ બધી જ બાબતો સ્પષ્ટપણે દર્શાવે છે કે ત્રણેય આતંકી પાકિસ્તાની નાગરિક હતા. 

તેમણે ઉમેર્યું કે, સૈન્યને ૨૨ મેના રોજ ગુપ્ત માહિતી મળી હતી કે આતંકીઓ દાચીગામના જંગલોમાં છુપાયેલા હોઈ શકે છે. જેથી સુરક્ષા દળોએ સ્વદેશી બનાવટના વિશેષ સેન્સર્સની મદદથી તેમને શોધવા માટે સતત પ્રયત્નો કર્યા હતા. આખરે ૨૨ જુલાઈએ આતંકીઓએ તેમનો સેટેલાઈટ ફોન એક્ટિવ કરતા તેમની ભાળ મળી ગઈ હતી અને સુરક્ષા દળોએ ઘેરીને તેમને ઠાર કર્યા હતા.

પીઓકે નહેરુની મુર્ખામી : ગૃહમંત્રી

- વિપક્ષના સરકારના તત્કાલીન ગૃહમંત્રી આતંકીઓ પાકિસ્તાનથી આવ્યા હોવાના પુરાવા માગીને પાકિસ્તાનને ક્લીનચીટ આપી રહ્યા છે.

- મોદી સરકારમાં સેનાએ વિપક્ષની સરકારના સમયમાં થયેલા આતંકી હુમલાઓના ગુનેગારોને પાકિસ્તાનમાં ઘૂસીને મારી નાંખ્યા.

- અમેરિકાએ ભારતને યુએનએસસીનું સભ્યપદ ઓફર કર્યું હતું, પરંતુ નહેરુએ ભારતની જગ્યાએ ચીનને સભ્ય બનાવવાની ભલામણ કરી.

- દેશમાં બધા આતંકવાદનું મૂળ પાકિસ્તાન છે, જે વિપક્ષની ભૂલ. દેશનું વિભાજન ના થયું હોત તો આજે પાકિસ્તાન ના હોત.

- પાકિસ્તાને કાશ્મીરના જે ભાગ પર ગેરકાયદે કબજો કર્યો તેના માટે એકમાત્ર પંડિત જવાહરલાલન નહેરુ જવાબદાર.

- ૨૦૦૪માં વિપક્ષની સરકારે પોટા કાયદો રદ કરીને આતંકવાદ સામે ભારતની લડાઈ નબળી પાડી.

- દાઉદ ઈબ્રાહિમ, સૈયદ સલાહુદ્દીન, ટાઈગર મેમણ, અનીસ ઈબ્રાહિમ, રિયાઝ ભટકલ જેવા બધા આતંકીઓ વિપક્ષની સરકારમાં દેશ છોડી ભાગ્યા.

- ૨૦૦૪થી ૨૦૧૪ના ૧૦ વર્ષમાં ૭,૨૧૭ આતંકી ઘટનાઓ બની જ્યારે મોદી સરકારમાં ૭૦ ટકાનો ઘટાડો થયો.

- કલમ ૩૭૦ નાબૂદ થયા પછી કાશ્મીર બદલાયું, વિપક્ષના કાર્યકાળમાં પથ્થરમારાની ૨,૬૫૪ ઘટના બની, મોદી સરકારમાં શૂન્ય.

- મોદી સરકાર આતંકવાદીઓને આશ્રય આપનારાઓને વિપક્ષની સરકારની જેમ પીડિત પ્રમાણપત્ર આપતી નથી.

- મોદી સરકાર આતંકી હુમલાઓ પર ડોઝિયર મોકલતી નથી, પરંતુ આતંકીઓ અને તેમના ઠેકાણાઓનો નાશ કરે છે.

- ઓપરેશન સિંદૂરથી પાકિસ્તન આખી દુનિયા સમક્ષ ખુલ્લું પડી ગયું અને આપણી સેનાએ પાકિસ્તાનની યુદ્ધ ક્ષમતાનો નાશ કર્યો.

Tags :