Get The App

છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
છત્તીસગઢમાં સુરક્ષાદળો અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 15 લાખના 3 ઇનામી ઠાર 1 - image


Chhattishgarh News : છત્તીસગઢના સુકમા જિલ્લામાં રવિવારે સવારે સુરક્ષા દળો અને માઓવાદીઓ (નક્સલીઓ) વચ્ચે થયેલી ભીષણ અથડામણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. ભેજ્જી-ચિંતાગુફા સરહદ પર આવેલા તુમાલપાડ જંગલમાં થયેલી આ અથડામણમાં 15 લાખ રૂપિયાના ત્રણ ઇનામી નક્સલીઓને ઠાર મારવામાં આવ્યા છે. માર્યા ગયેલા નક્સલીઓમાં કુખ્યાત જનમિલિશિયા કમાન્ડર અને સ્નાઈપર સ્પેશિયાલિસ્ટ માડવી દેવાનો પણ સમાવેશ થાય છે.

બાતમીના આધારે એન્કાઉન્ટર 

સુકમાના પોલીસ અધિક્ષક કિરણ ચવ્હાણના જણાવ્યા અનુસાર, જંગલમાં મોટા નક્સલી નેતાઓની હાજરીની ચોક્કસ બાતમી મળ્યા બાદ ડીઆરજી (DRG)ની ટીમને સર્ચ ઓપરેશન માટે મોકલવામાં આવી હતી. ઓપરેશન દરમિયાન, રવિવારે સવારથી જ સુરક્ષા દળો અને નક્સલીઓ વચ્ચે છૂટીછવાઈ ગોળીબારી શરૂ થઈ ગઈ હતી. લાંબા સમય સુધી ચાલેલી અથડામણ બાદ, જ્યારે સુરક્ષા દળોએ વિસ્તારમાં સર્ચિંગ હાથ ધર્યું, ત્યારે ત્રણ નક્સલીઓના મૃતદેહ મળી આવ્યા હતા.

માર્યા ગયેલા નક્સલીઓની ઓળખ જાહેર 

ઘટનાસ્થળેથી એક .303 રાઇફલ, બીજીએલ (બેરલ ગ્રેનેડ લોન્ચર્સ) અને મોટી માત્રામાં ગોળા-બારૂદ પણ જપ્ત કરવામાં આવ્યો છે. માર્યા ગયેલા ત્રણેય નક્સલીઓની ઓળખ માડવી દેવા, પોડિયમ ગંગી અને સોડી ગંગી તરીકે થઈ છે. આ ત્રણેય પર પાંચ-પાંચ લાખ રૂપિયાનું ઇનામ હતું.

માડવી દેવા: તે જનમિલિશિયા કમાન્ડર, સ્નાઈપર સ્પેશિયાલિસ્ટ અને એરિયા કમિટીનો સભ્ય હતો. તે નિર્દોષ ગ્રામીણોની હત્યા અને સ્નાઈપર હુમલાઓનો મુખ્ય આરોપી હતો. મહત્વની વાત એ છે કે, 9 જૂનના રોજ થયેલા IED બ્લાસ્ટમાં શહીદ થયેલા ASP આકાશ રાવની ઘટનાનો તે માસ્ટરમાઇન્ડ હતો.

પોડિયમ ગંગી: CNM કમાન્ડર હતો.

સોડી ગંગી: કિસ્તારામની એરિયા કમિટીની સભ્ય (ઇન્ચાર્જ સચિવ) હતી.

નક્સલવાદ અંતિમ તબક્કામાં

IGP બસ્તર રેન્જના આઈજીપી સુંદરરાજ પટ્ટલિંગમે જણાવ્યું કે બસ્તરમાં નક્સલવાદ હવે તેના અંતિમ તબક્કામાં છે. છેલ્લા બે વર્ષમાં 450 જેટલા નક્સલીઓ માર્યા ગયા છે, જે સંગઠનની નબળાઈ દર્શાવે છે. તેમણે કહ્યું કે હવે નક્સલી કેડરો પાસે હિંસા છોડીને પુનર્વસન નીતિ અપનાવવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. હાલમાં આ વિસ્તારમાં ડીઆરજી, બસ્તર ફાઇટર્સ અને સીઆરપીએફ દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Tags :