પાકિસ્તાનને સમર્થન આપનારાની ખેર નહીં, આસામમાં 76 લોકોની ધરપકડ, MLAને પણ જેલભેગા કર્યા
76 people Arrested In Assam: આસામમાં પાકિસ્તાન સમર્થકો સામે ચાલી રહેલી કાર્યવાહી હેઠળ લગભગ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ શનિવારે આ અંગે માહિતી આપી હતી કે રાજ્યમાં અત્યાર સુધીમાં આ સંદર્ભે કુલ 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કાર્યવાહી 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ શરૂ કરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએ ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, શુક્રવારે નલબારી, દક્ષિણ સાલમારા અને કામરૂપ જિલ્લામાંથી એક-એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાન સમર્થકો સામેની કાર્યવાહીના ભાગ રૂપે આસામમાં અત્યાર સુધીમાં 76 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
MLAની પણ થઈ ધરપકડ
મીડિયા રિપોર્ટ અનુસાર, આસામ પોલીસ સોશિયલ મીડિયા પર 'ભારત વિરોધી' અને 'પાકિસ્તાન તરફી' પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરી રહી છે. ધરપકડ કરાયેલા લોકોમાં વિપક્ષી પાર્ટી AIUDF ના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામનું નામ પણ સામેલ છે. અમીનુલ ઇસ્લામ પર પહલગામ હુમલામાં પાકિસ્તાનની ભૂમિકાનો બચાવ કરતું નિવેદન આપવાનો આરોપ છે. તેમની અગાઉ પણ રાજદ્રોહના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તે કેસમાં જામીન મળ્યા હતા, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી હતી.
પાકિસ્તાનના સમર્થકોને છોડીશું નહીંઃ બિસ્વા
મુખ્યમંત્રીએ પહેલાંથી જ સ્પષ્ટ કહ્યું હતું કે, પાકિસ્તાનના સમર્થકો અને રાષ્ટ્રવિરોધી તત્વો સામે રાજ્યવ્યાપી ઝુંબેશ ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી સમાજમાંથી તેમના મૂળ સંપૂર્ણપણે ઉખેડી નાખવામાં ન આવે. દેશદ્રોહીઓ સામે કોઈ પણ પ્રકારની ઉદારતા દાખવવામાં આવશે નહીં. જે કોઈ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ જોવા મળશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીને કારણે રાજ્યમાં રાજકીય વાતાવરણ ગરમાયું છે. વિપક્ષી પાર્ટીઓએ તેને 'રાજકીય બદલો' ગણાવ્યો છે અને સરકાર પર લઘુમતીઓને નિશાન બનાવવાનો આરોપ લગાવ્યો છે. જ્યારે સરકારનું કહેવું છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા અને દેશદ્રોહીઓ પર કાબૂ મેળવવા કડક કાર્યવાહી જરૂરી છે.