Get The App

3 વર્ષમાં 3.92 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી

Updated: Jul 20th, 2022

GS TEAM

Google News
Google News
3 વર્ષમાં 3.92 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી 1 - image

- ભારતીયો માટે નાગરિકતા મેળવવા અમેરિકા પહેલી પસંદ

- ત્રણ વર્ષમાં 1.70 લાખથી વધુ ભારતીયોએ અમેરિકન, 58,391 લોકોએ ઓસ્ટ્રેલિયન નાગરિકતા મેળવી

- શિક્ષણ અને નોકરી મેળવવા માટે કેનેડા પણ ભારતીયોની પસંદગીનો દેશ

નવી દિલ્હી : દેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં ૩.૯૨ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા છોડી દીધી છે અને તેમાંથી ૧.૭૦ લાખ લોકોએ અમેરિકન નાગરિક્તા સ્વીકારી છે તેમ કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જણાવ્યું હતું. રાજ્યકક્ષાના ગૃહમંત્રી નિત્યાનંદ રાયે જણાવ્યું હતું કે, વિદેશ મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ અંગત કારણોસર વિવિધ ભારતીયોએ દેશની નાગરિક્તા છોડીને અન્ય દેશનું નાગરિકત્વ સ્વીકાર્યું છે. વર્ષ ૨૦૧૯, ૨૦૨૦ અને ૨૦૨૧માં કુલ ૩,૯૨,૬૪૩ લોકોએ તેમના પાસપોર્ટ જમા કરાવ્યા છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ વર્ષ ૨૦૨૧માં નાગરિક્તા છોડનારાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ ૨૦૨૦માં માત્ર ૮૫,૨૫૬ લોકોએ ભારતની નાગરિક્તા છોડી હતી જ્યારે વર્ષ ૨૦૨૧માં આ સંખ્યા વધીને ૧,૬૩,૩૭૦ થઈ ગઈ હતી. વર્ષ ૨૦૧૯માં ૧,૪૪,૦૧૭ ભારતીયોએ તેમના પાસપોર્ટ સરન્ડર કર્યા હતા. આમ ત્રણ વર્ષમાં ૩.૯૨ લાખથી વધુ લોકોએ ભારતીય નાગરિક્તા છોડી હતી.  

લોકસભામાં બહુજન સમાજ પાર્ટી (બસપા)ના સાંસદ હાજી ફઝલુર રહેમાનના જવાબમાં નિત્યાનંદ રાયે આ માહિતી આપી હતી. ફઝલુર રહેમાને ૨૦૧૯થી અત્યાર સુધીમાં ભારતની નાગરિક્તા છોડનારા લોકોની સંખ્યા, નાગરિક્તા છોડવા માટેના કારણો અને તેમણે કયા દેશની નાગરિક્તા મેળવી તે અંગે માહિતી માગી હતી.

સરકારી આંકડા મુજબ છેલ્લા અનેક વર્ષોથી ભારતીયો માટે અમેરિકન નાગરિક્તા પ્રથમ પસંદગી રહી છે. વર્ષ ૨૦૧૯થી ૨૦૨૧ વચ્ચે ૧,૭૦,૭૯૫ ભારતીયોને અમેરિકાએ નાગરિક્તા આપી હતી. તેમાં વર્ષ ૨૦૧૯માં ૬૧,૬૮૩ ભારતીયો, વર્ષ ૨૦૨૦માં ૩૦,૮૨૮ ભારતીયો તથા ૨૦૨૧માં ૭૮,૨૮૪ ભારતીયોને અમેરિકન નાગરિક્તા આપી હતી. અમેરિકા પછી બીજા ક્રમે ભારતીયો માટે લોકપ્રિય દેશ ઓસ્ટ્રેલિયા રહ્યો છે. વર્ષ ૨૦૨૧માં ૨૩,૫૩૩ ભારતીયોએ ઓસ્ટ્રેલિયન નાગરિક્તા સ્વીકારી છે. ભારતીયો માટે શિક્ષણ અને નોકરી માટે ત્રીજા ક્રમે સૌથી પસંદગીનો દેશ કેનેડા છે. ગયા વર્ષે ૨૧,૫૯૭ ભારતીયોએ કેનેડાની નાગરિક્તા મેળવી હતી.

વિદેશ મંત્રાલયના રિપોર્ટ મુજબ ઑસ્ટ્રેલિયામાં છેલ્લા ત્રણ વર્ષોમાં ૫૮,૩૯૧ ભારતીયો, કેનેડામાં ૬૪,૦૭૧, બ્રિટનમાં ૩૫,૪૩૫, જર્મનીમાં ૬,૬૯૦ ભારતીયો, ઈટાલીમાં ૧૨,૧૩૧ ભારતીયો, ન્યૂઝીલેન્ડમાં ૮,૮૮૨ ભારતીયો તથા પાકિસ્તાનમાં ૪૮ ભારતીયોને નાગરિક્તા મળી છે.

ભારતીયોના નાગરિક્તા છોડવાના કારણો

અન્ય દેશના પાસપોર્ટના લાભ માટે ભારતીયો નાગરિક્તા છોડે છે

- ભારતમાં નાગરિકતા કાયદા મુજબ ભારતીય મૂળની વ્યક્તિ બે દેશની નાગરિકતા સ્વીકારી શકતી નથી

દેશમાં અંદાજે ચાર લાખ લોકોએ ભારતીય નાગરિક્તવ છોડીને અન્ય દેશની નાગરિક્તા સ્વીકારી છે. ભારતીયોના પોતાની નાગરિક્તા છોડવા માટે અનેક કારણો જવાબદાર છે, જેમાં મુખ્યત્વે વ્યક્તિગત લાભ, અન્ય દેશના પાસપોર્ટ મળતા વિશેષ લાભનો સમાવેશ થાય છે.

ધ ઈન્ડિયન સિટિઝનશિપ એક્ટ, ૧૯૫૫ હેઠળ ભારતીય મૂળની કોઈપણ વ્યક્તિ બે દેશની નાગરિક્તા ધરાવી શકતી નથી. કોઈ વ્યક્તિ ભારતીય પાસપોર્ટ ધરાવતી હોય અને તે અન્ય કોઈ દેશનો પાસપોર્ટ મેળવે તો તેણે અન્ય દેશની નાગરિક્તા મેળવ્યા પછી તુરંત ભારતીય પાસપોર્ટ સરન્ડર કરવો પડે છે. એક વખત ભારતીય નાગરિક્તવ છોડી દીધા પછી તેમણે પાસપોર્ટ સરન્ડર કરવા અથવા ત્યાગપત્ર પ્રમાણપત્ર મેળવવા અરજી કરવી પડે છે. ત્યાર પછી જે-તે વ્યક્તિના પાસપોર્ટ પર 'કેન્સલ્ડ સ્ટેમ્પ' મારવામાં આવે છે.

મોટાભાગના ભારતીયો અન્ય દેશોના પાસપોર્ટ પર મળતા વિશેષ લાભ માટે ભારતીય નાગરિકત્વ છોડી દે છે. હેન્લીસ અને પાર્ટનર્સ પાસપોર્ટ ઈન્ડેક્સ મુજબ ભારતીય પાસપોર્ટ ૮૪મો રેન્ક ધરાવે છે. અન્ય દેશો સાથે ભારતીય પાસપોર્ટના રેન્કિંગની સરખામણી કરવામાં આવે તો ફ્રાન્સ ૪થો, ઓસ્ટ્રેલિયા અને કેનેડા ૭મો તથા અમેરિકા અને બ્રિટન ૬ઠ્ઠો રેન્ક ધરાવે છે. દુનિયામાં જાપાન અને સિંગાપોરના પાસપોર્ટ ૧લો અને જર્મની તથા દક્ષિણ કોરિયા બીજો રેન્ક ધરાવે છે.