India

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી

By GS TEAM
27 Sep 20252 mins read
TukuTouch Logo
સ્વતંત્રતા મળ્યાના લગભગ સાત દાયકા બાદ પણ દેશમાં કુલ 19.61 કરોડ ગ્રામીણ ઘરો પૈકી 3.61 કરોડ ઘરોમાં નળથી જળ સુવિધા ઉપલબ્ધ નથી. 4,218 ગામડા એવા છે કે જ્યાં એકપણ ઘરમાં નળથી પાણી પહોંચતું નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

દેશના 3.5 કરોડ ઘરોમાં, 4 હજારથી વધુ ગામડાઓમાં નળથી જળની સુવિધા નથી
Image Source: Envato

Water Facility: સ્વતંત્રતા મળ્યાના લગભગ સાત દાયકા બાદ પણ દેશમાં કુલ 19.61 કરોડ ગ્રામીણ ઘરો પૈકી 3.61 કરોડ ઘરોમાં નળથી જળ સુવિધા ઉપલબ્ધ નથી. 4,218 ગામડા એવા છે કે જ્યાં એકપણ ઘરમાં નળથી પાણી પહોંચતું નથી. કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય 26મી સપ્ટેમ્બર 2025ની સ્થિતિ પ્રમાણે આંકડાકીય માહિતી સામે આવી છે.

મંત્રાલય પ્રમાણે 15મી ઓગસ્ટ 2019ના રોજ જળ જીવન મિશનની શરૂઆત કરવામાં આવી હતી અને આ ઝુંબેશ હેઠળ 26મી સપ્ટેમ્બર સુધીમાં દેશમાં કુલ 12.47 કરોડ ગ્રામીણ ઘરોને નળથી જળ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જોકે હજુપણ દેશમાં 4 રાજ્યો – રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર અને આસામમાં 500થી વધુ ગામડા એવા છે કે જ્યાં એકપણ ગ્રામિણ ઘરમાં નળથી જળ ઉપલબ્ધ નથી.

રાજસ્થાનની સ્થિતિ

દેશમાં કુલ 4,218 ગામડા એ છે કે જ્યાં ઘરોમાં નળથી પાણી ઉપલબ્ધ થતું નથી. આ 4,218 ગામડા પૈકી 1,163 ગામડા તો માત્ર પાડોશી રાજ્ય રાજસ્થાનમાં છે. રાજસ્થાનના નળથી જળથી વંચિત આ 1,163 ગામડાઓમાં કુલ 1.51 લાખ ગ્રામીણ ઘરો આવેલા છે.

રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલી કારકેરી પંચાયતમાં 1,673 ઘરોમાં અને અલ્વર જિલ્લાના બુરજા ગામના 614 ઘરોમાં નળથી જળની સુવિધા નથી..આજ રીતે અલવરના રામસિંગપુરા ગામમાં 310 ઘરો આવેલા છે અને તેમનામાં પણ નળ વડે ઘરોમાં પાણી પહોંચ્યું નથી.

બિહાર અને ઉત્તર પ્રદેશ પ્રભાવિત

બિહારના 775 ગામડા એવા છે કે જ્યાં એક પણ ઘરમાં નળથી જળ આવતું નથી. પ્રદેશના આ 775 ગામડાઓમાં કુલ 1 લાખથી વધુ ઘર આવેલા છે. ઔરંગાબાદના ઘાનાના 821  અને અરરિયાના રાઘોપુરના 353 ઘરોમાં પાણી નળથી પાણી ઉપલબ્ધ નથી.

ઉત્તરપ્રદેશના અલીગઢ જિલ્લામાં આવેલા ફરિદપુર ગામના 319 અને નગલા કિસુનાના 273 ઘરોમાં નળથી પાણી સપ્લાયની સુવિધા ઉપલબ્ધ નથી. યુપીના અમેઠી જિલ્લામાં આવેલો લાલપુર ગામ અને અમરોહા જિલ્લાનો ઈબ્રાહિમપુર ગામમાં પણ આ જ સમસ્યા છે.

આસામ અને મધ્યપ્રદેશની સ્થિતિ

આસામના 525 ગામડા અને મધ્યપ્રદેશના 318 ગામડાઓમાં નળથી જળ સુવિધા ઉપલબ્ધ નથી. આસામના બોંગાઈગાંવ જિલ્લાના પચનુમ્બરચર ગામમાં 500 ઘરો અને માતરાઘોલા ગામના 333 ઘરોમાં નળથી જળ મારફતે પાણી પુરવઠો ઉપલબ્ધ નથી.

મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લામાં આવેલા બરખેડા બારામુદ ગુંગા ગામના 451 અને બેતુલ જીલ્લાના મરમઝીરી ગામમાં આવેલા 356 ઘરોમાં નળથી જળની સુવિધા નથી.

આ સાત રાજ્યોમાં દરેક ઘરમાં નળથી જળની સુવિધા

ગુજરાત, હરિયાણા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, તેલંગાણા પંજાબ, હિમાચલ પ્રદેશ સહિતના સાત રાજ્યોમાં દરેક ઘરમાં નળથી જળની પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવવાની સુવિધા છે. એટલે કે આ રાજ્યોમાં દરેક આવેલા પ્રત્યેક ઘરમાં નળ મારફતે પાણી આવે છે. ગોવા, આંદામાન – નિકોબાર ટાપુ,  દાદરા નાગર હવેલી અને દીવ-દમણમાં પણ આ સુવિધા ઉપલબ્ધ છે.