- સ્પેશિયલ એનઆઇએ કોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
- સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ પ્રત્યેક આરોપીને રૂ. 80 હજારનો દંડ પણ ફટકાર્યો
લખનઉ : નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઇએ)ની સ્પેશિયલ કોર્ટે કાસગંજના બહુચર્ચિત ચંદન ગુપ્તા હત્યાકાંડમાં ૨૮ લોકોને આજીવન કેદની સજા સંભળાવી છે.
એનઆઇએ કોર્ટના સ્પેશિયલ જજ વિવેકાનંદ શરણ ત્રિપાઠીએ ચંદન ગુપ્તા હત્યાકાંડમાં ૨૮ આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે અને પ્રત્યેકને ૮૦૦૦૦-૮૦૦૦૦ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે. બીજી જાન્યુઆરીએ કોર્ટે ૨૮ આરોપીઓને દોષિત ઠેરવ્યા હતાં. ચંદનની ૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ મોટર સાયકલ પર તિરંગા યાત્રા દરમિયાન ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. સરકારી વકીલોના જણાવ્યા અનુસાર ૨૬ જાન્યુઆરી, ૨૦૧૮ની સવારે ચંદન ગુપ્તા પોતાના ભાઇ વિવેક ગુપ્તા અને અન્ય સાથીઓની સાથે પ્રજાસત્તાક દિવસે આયોજિત તિરંગા યાત્રામાં જઇ રહ્યો હતો.
જ્યારે યાત્રા તહસીલ માર્ગ પર જીજીઆઇસીના ગેટ પાસે પહોંચી તો કેટલાક લોકોના જૂથે રસ્તો રોકીને યાત્રાને આગળ વધવા દીધી ન હતી. જ્યારે ચંદન ગુપ્તાએ આ અંગે વિરોધ નોંધાવ્યો તો ટોળાએ પથ્થરમારો શરૂ કરી દીધો હતો અને ત્યારબાદ ગોળીબાર કર્યો હતો. મુખ્ય આરોપીઓમાંથી એક આરોપીએ ચંદન ગુપ્તા પર ગોળી ચલાવી હતી જેના કારણે તે ઘાયલ થઇ ગયો હતો. ચંદનના ભાઇ અને અન્ય સાથી તેને તાત્કાલિક જિલ્લા હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.


