ધરાલી પૂર હોનારતમાં લાપતા થયેલા 26 નેપાળી સકુશળ મળ્યા
26 લોકોનાં જૂથમાં બાળકો અને મહિલાઓ પણ હતી
સડક નિર્માણનું કાર્ય કરતા આ નેપાળીઓ પૂર આવતા પહેલા જંગલમાં ભાગી જતાં બચી ગયા હતાં
વાતચીત ન થઇ શકવાને કારણે તેમના સંબધી ઉંડી ચિંતામાં હતાં. હવે ધરાલી આવવા જવાનો માર્ગ ખુલ્યા પછી લાપતા થયેલા લોકો મળવા લાગ્યા છે. આ દુર્ઘટના પછી નેપાળના ૨૬ લોકોનું એક જૂથ લાપતા થઇ ગયું હતું.
નેપાળના વીર સિંહ ધરાલી દુર્ઘટના પછી પોતાના ૨૬ લાપતા સભ્યોને શોધવા માટે એક સ્થળેથી બીજા સ્થળે જઇ રહ્યાં હતાં. તે ચાલતા ચાલતા જ ધરાલી જઇ રહ્યાં હતાં. જો કે આગળ રસ્તો તૂટી ગયો હોવાને કારણે તેમને પરત ફરવું પડયું હતું.
વીર સિંહે આજે જણાવ્યું હતું કે તેમના તમામ ૨૬ સભ્યો સકુશળ મળી ગયા છે. ઉલ્લેખનીય છે કે ધરાલીમાં પૂર આવ્યા પછી લાપતા થયેલા નેપાળના આ તમામ લોકો સડક નિર્માણનું કાર્ય કરી રહ્યાં હતાં. આ લોકો ધરાલીની પાસે આવેલા આર્મી કેમ્પની પાસે એક સડક નિર્માણ કાર્યમાં વ્યસ્ત હતાં.
જો કે જ્યારે આપત્તિ આવી તો આ તમામ લોકો સેનાના જવાનોના કહેવા પર ત્યાંથી જંગલની તરફ ભાગી ગયા હતાં. તેમની સાથે સેનાના જવાનો પણ જંગલની તરફ ભાગ્યા હતાં.
૨૬ લોકોના જૂથમાં બાળકો અને મહિલાઓ પણ હતી. જંગલમાં ઉંચાઇની તરફ જતા રહેવાને કારણે તેઓ પૂરથી બચી ગયા હતાં. વીર સિંહે જણાવ્યું હતું કે તે ખૂબ જ ખુશ છે કે તેમના તમામ લોકો સુરક્ષિત છે અને હવે તે ફરીથી સડક બનાવવાના કાર્યમાં લાગી જશે.