ગરીબ પરિવારને 25000, 20 લાખને સરકારી નોકરી, યુપીમાં પ્રિયંકા ગાંધીએ કર્યો વાયદાઓનો વરસાદ
ઉત્તરપ્રદેશ,તા.23 ઓક્ટોબર 2021,શનિવાર
યુપીમાં ચૂંટણી પ્રચાર માટે તમામ જોર લગાવી રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ આજે પ્રતિજ્ઞા યાત્રાને લીલી ઝંડી બતાવી છે.
આ કાર્યક્રમ દરમિયાન પ્રિયંકા ગાંધીએ યુપીની જનતા માટે વાયદાનો પટારો ખોલી નાંખ્યો હતો. પ્રિયંકા ગાંધીએ સાત પ્રતિજ્ઞા ગણાવતા કહ્યુ હતુ કે, 40 ટકા મહિલાઓને કોંગ્રેસ ટિકિટ આપશે, 12 પાસ વિદ્યાર્થિનીઓને સ્માર્ટ ફોન, સ્નાતક વિદ્યાર્થિનીઓને સ્કૂટી આપશે, ખેડૂતોનુ તમામ દેવુ માફ કરવામાં આવશે, ખેડૂતોને એમએસપી અપાશે, તમામનુ વીજ બિલ 50 ટકા સુધી ઘટાડાશે, કોરોના સમયનુ બાકી વીજ બિલ માફ કરાશે, ગરીબ પરિવારોને 25000 રૂપિયા આપવામાં આવશે અને યુપીમાં કોંગ્રેસ 20 લાખ લોકોને સરકારી નોકરીઓ આપશે.
પ્રિયંકા ગાંધી યુપીમાં પૂરજોશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને ચૂંટણી ઢંઢેરો જાહેર થાય તે પહેલા જ પ્રિયંકાએ યુપીના લોકોને કોંગ્રેસની સરકાર બની તો કયા પ્રકારનો ફાયદો થશે તે કહેવા માંડ્યુ છે.
આ પહેલા પ્રિયંકા ગાંધીએ ખેતરોમાં ગરીબ મહિલાઓ સાથે મુલાકાત પણ કરી હતી અને તેમની સમસ્યાઓને સમજવાની કોશિશ પણ કરી હતી.મહિલાઓને પ્રિયંકા ગાંધીએ પોતાના હાથથી ભોજન પણ કરાવ્યુ હતુ.