Get The App

સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં!

Updated: Jul 24th, 2025

GS TEAM

Google News
Google News
સતત 3 દિવસ સંસદ ઠપ રહેતા પ્રજાના રૂ. 23 કરોડનો ધુમાડો, એક મિનિટનો ખર્ચો 2.5 લાખ પાણીમાં! 1 - image

Monsoon Session 2025: સોમવાર (21મી જુલાઈ)થી સંસદનું ચોમાસું સત્ર શરૂ થયું છે. જોકે, આ સત્ર શરૂ થયું ત્યારથી અત્યાર સુધી કોઈ જ મહત્ત્વનું કામકાજ નથી થઈ શક્યું. વિપક્ષ દ્વારા ઓપરેશન સિંદૂર, પહલગામ હુમલો, ટ્રમ્પના નિવેદનો સહિતના મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. જેને પગલે સંસદની કાર્યવાહી ઠપ રહી છે, હાલમાં સંસદની કાર્યવાહીનો એક મિનિટનો ખર્ચ 2.5 લાખ રૂપિયા થઈ રહ્યો છે. દિવસના છ કલાક સુધી કાર્ય થવું જોઈએ. છેલ્લા ત્રણ દિવસમાં કોઈ જ કામ ના થતા કરદાતાઓના 20થી 23 કરોડ રૂપિયાનો ધુમાડો થઈ ગયો છે.

વિપક્ષે બિહારમાં મતદારોના વેરિફિકેશનનો મુદ્દો ઉઠાવ્યો

ચોમાસું સત્રને બુધવારે (23મી જુલાઈ) ત્રીજો દિવસ હતો, ત્રીજા દિવસે વિપક્ષે બિહારમાં મતદારોના વેરિફિકેશનનો મુદ્દો ઉઠાવ્યો હતો. લોકસભા-રાજ્યસભામાં વિપક્ષે આ વેરિફિકેશનનો વિરોધ નોંધાવ્યો હતો અને વેલ સુધી ધસી ગયા હતા. અંતે સંસદની કાર્યવાહીને ટાળવી પડી હતી. પીઆરએસ દ્વારા જાહેર કરાયેલા ડેટા મુજબ છેલ્લા ત્રણ દિવસમાં રાજ્યસભાની કાર્યવાહી માત્ર 4.4 કલાક જ ચાલી છે જ્યારે લોકસભાની કાર્યવાહી માત્ર 54 મિનિટ જ ચાલી શકી છે. 

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી લંડન પહોંચ્યા, ભારત-બ્રિટન વચ્ચે આજે ઐતિહાસિક સમજૂતિ થશે, FTA લાગુ થશે

જેને પગલે બંને ગૃહોની કાર્યવાહી સ્થગિત થતા રાજ્યસભામાં કુલ 10 કરોડ રૂપિયાનું અને લોકસભામાં 12.83 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એટલે કે બંને ગૃહમાં ત્રણ દિવસમાં મળીને કુલ 23 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. સંસદની કાર્યવાહી સ્થગિત થવા મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ બંને એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. 

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજૂએ કહ્યું હતું કે, 'તમામ મુદ્દાઓ પર એક સાથે ચર્ચા ના થઈ શકે, ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા સરકાર તૈયાર છે. સહકાર આપવાના બદલે વિપક્ષ હોબાળો કરી રહ્યું છે.' જ્યારે કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, 'બિહારમાં 52 લાખ મતદારોની બાદબાકી થઈ રહી છે, આ લોકશાહી ખતમ કરવા માટેનું કાવતરુ નથી? અમે માત્ર આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવા માગીએ છીએ. પરંતુ સરકાર અમારી વાત સાંભળવા તૈયાર જ નથી.'