દિલ્હી વિસ્ફોટ કેસમાં અલ ફલાહ યુનિ.ના 200 ડોક્ટરો એનઆઈએની રડાર પર

- અલ ફલાહ યુનિ.ના ડોક્ટરો સાથે હવે દર્દીઓની પૂછપરછ
- અલ ફલાહ યુનિ.ના દર્દીના સંબંધી સાબિર પાસેથી ડો. મુઝમ્મિલે કાશ્મીરના વિદ્યાર્થીઓને 15 નકલી સીમ કાર્ડ અપાવ્યા હતા
નવી દિલ્હી : દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન નજીક વિસ્ફોટ કેસમાં એનઆઈએએ વધુ ચાર આરોપીઓની અટકાયત કરી છે. એનઆઈએએ ગુરુવારે કહ્યું કે, તપાસ એજન્સીએ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી ચાર આરોપીઓની અટકાયત કરી છે. બીજીબાજુ આ કેસમાં આતંકીઓનો અડ્ડો બનેલી અલ ફલાહ યુનિવર્સિટીના ૨૦૦થી વધુ ડોક્ટરો એનઆઈએની રડારમાં છે. આ સિવાય એનઆઈએએ હવે અલ-ફલાહ મેડિકલ યુનિવર્સિટીના આતંકી ડોક્ટરોના દર્દીઓની પણ તપાસ શરૂ કરી છે.
દિલ્હી વિસ્ફોટ કેસમાં દિલ્હીની એક કોર્ટે ગુરુવારે હરિયાણાના ફરિદાબાદથી પકડાયેલા ડો. મુઝમ્મિલ ગની, ડો. આદીલ રાઠેર અને ડો. શાહીન સઈદ અને મૌલવી ઈરફાન અહેમદ વાગાયને એનઆઈએની ૧૦ દિવસની કસ્ટડીમાં મોકલી દીધા છે. એનઆઈએએ ગુરુવારે સવારે જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ત્રણેય ડોક્ટર અને મૌલવીની કસ્ટડી મેળવી હતી અને તેમને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરાયા હતા.
દરમિયાન દિલ્હી બોમ્બ વિસ્ફોટ કેસમાં એનઆઈએ, દિલ્હી પોલીસ અને અન્ય તપાસ એજન્સીઓની તપાસ ચાલુ છે. આ કેસમાં છેલ્લા કેટલાક દિવસોમાં અનેક મોટા ખુલાસા થયા છે.
આ કેસમાં આતંકીઓનો અડ્ડો બનેલી અલ-ફલાહ યુનિવર્સિટીના ૨૦૦ ડોક્ટરો એનઆઈએની રડારમાં છે. તપાસ એજન્સીઓ આ યુનિવર્સિટીના કેટલાક સ્ટાફની પૂછપરછ કરવાની તૈયારી કરી રહી છે.
પોલીસના જણાવ્યા મુજબ ૧૦ નવેમ્બરે લાલ કિલ્લા નજીક વિસ્ફોટ થયા બાદથી આ યુનિવર્સિટીના અનેક ડોક્ટરોના ફોન બંધ આવે છે અને તેઓ એકાએક યુનિવર્સિટી છોડીને જતા રહ્યા છે. હરિયાણાના ધૌજ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી આતંકી ડોક્ટરોનો ગઢ બની હતી. આ મેડિકલ યુનિવર્સિટીમાં આતંકી ડોક્ટરો હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ લોકોને પોતાના હથિયાર બનાવતા હતા.
ધૌજ મસ્જિદના ઈમામના ઈસ્તિયાક તથા સિરોહ મસ્જિદના ઈમામ ઈમામુદ્દીન પછી હવે મોબાઈલ વિક્રેતા સાબિર સામે આવ્યો છે, જેણે પહેલા આતંકી ડો. મુઝમ્મિલને મદદ કરી હતી અને કાશ્મીરી વિદ્યાર્થીઓને ૧૫ સીમ કાર્ડ ઉપલબ્ધ કરાવ્યા હતા.
સૂત્રો મુજબ સાબિરે આઠ મહિના પહેલા અલ-ફલાહ હોસ્પિટલમાં તેમના પરિવારને કોઈ સભ્યની સારવાર કરાવવા આવ્યો હતો ત્યારે તે ડો. મુઝમ્મિલના સંપર્કમાં આવ્યો હતો.
સાબિર મોબાઈલનું કામ કરતો હોવાનું જાણ્યા પછી મુઝમ્મિલે કાશ્મીરી વિદ્યાર્થીઓને તેની દુકાનમાંથી ૧૫ સીમ કાર્ડ અપાવ્યા હતા. આ વાત સામે આવતા એનઆઈએએ હવે હોસ્પિટલના દર્દીઓનો ડેટા તપાસવાનું શરૂ કર્યું છે.
કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર દરોડોમાં દારૂગોળો જપ્ત
શ્રીનગર : જમ્મુ-કાશ્મીર પોલીસની સ્ટેટ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એસઆઈએ)એ જમ્મુમાં કાશ્મીર ટાઈમ્સની ઓફિસ પર ગુરુવારે દરોડો પાડયો હતો. આ અખબાર દેશ વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતું હતું. ઓફિસની તપાસમાં એકે-૪૭ની ગોળીઓ, પિસ્તોલની ગોળીઓ અને ત્રણ ગ્રેનેડના લીવર મળ્યા હતા. પોલીસ સૂત્રો મુજબ કાશ્મીર ટાઈમ્સ વિરુદ્ધ કથિત રીતે જનતામાં નારાજગી ફેલાવવા, અલગતાવાદનું મહિમામંડન કરવા અને ભારત તથા કેન્દ્ર શાસિત પ્રદેશની સંપ્રભુતા અને પ્રાદેશિક અખંડતાને જોખમ પહોંચાડવા માટે એફઆઈઆર નોંધાઈ હતી. એફઆઈઆર કાશ્મીર ટાઈમ્સની એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીનના નામે છે.

