બિહારમાં વીજળી પડવાથી 19નાં મોત, રાજસ્થાનમાં બાળકો પાણી ભરાઈ જતા ફસાયા
- જમ્મુમાં ભારે વરસાદ : અમરનાથ યાત્રા સ્થગિત
- રાજસ્થાનમાં ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઇ જતાં શાળાના બાળકો ફસાયા
Weather news : બિહારમાં છેલ્લા 24 કલાકમાં વીજળી પડવાને કારણે 19 લોકોનાં મોત થયા છે તેમ મુખ્યપ્રધાનના કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું છે.
વીજળી પડવાને કારણે સૌથી વધુ નાલંદામાં પાંચ, વૈશાલીમાં ચાર, બાંકામાં બે અને પટણામાં બેનાં મોત થયા છે. જ્યારે શેખપુરા, નવાડા, જેહાનાબાદ, ઔરંગાબાદ, જામુલ અને સમસ્તિપુર જિલ્લાઓમાં એક-એક વ્યકિતનું મોત થયું છે.
મુખ્યપ્રધાને મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે લોકોને ખરાબ હવામાનમાં પૂરતી સાવચેતી રાખવાની અપીલ કરી છે.
કાશ્મીર ખીણમાં છેલ્લા 36 કલાકમાં ભારે વરસાદ પડતા અમરનાથ યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. હવામાન વિભાગે જમ્મુ-કાશ્મીરના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.
ચાલુ વર્ષે પ્રથમ વખત જમ્મુમાંથી અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. 3 જુલાઇથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધી 2.47 લાખ શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા છે. બીજી તરફ રાજસ્થાનમાં ભારે વરસાદથી સામાન્ય જનજીવન ઠપ થઇ ગયું હતું. ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ પાણી ભરાઇ જવાને કારણે શાળાના બાળકો ફસાઇ ગયા હતાં. કોટા જિલ્લાના રામગંજમંડીમાં સૌથી વધુ 186 મિમી વરસાદ નોંધાયો હતો. રાજ્યના હવામાન વિભાગે શુક્રવાર માટે ભારે વરસાદની ચેતવણી આપી છે.