Get The App

મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર અચાનક બંધ પડી !

Updated: Jun 28th, 2025

GS TEAM

Google News
Google News
મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર અચાનક બંધ પડી ! 1 - image


- ડીઝલની સાથે પાણી મિક્સ થઇ જતાં કાફલો ઠપ

- તમામ 19 કારમાં એક જ પેટ્રોલ પંપ પરથી ડીઝલ ભરાવવામાં આવ્યું હતું : 20 લીટર ડીઝલમાં 10 લીટર પાણી હતું

રતલામ : મધ્ય પ્રદેશના મુખ્યપ્રધાન ડો. મોહન યાદવના કાફલામાં મોટી સુરક્ષા ચુકની ઘટના સામે આવી છે. મુખ્યપ્રધાન રિજિયોનલ ઇન્ડસ્ટ્રી સ્કિલ એન્ડ એમ્પ્લોયમેન્ટ  (આરઆઇએસઇ) કોન્કલેવમાં સામેલ થવા માટે જઇ રહ્યાં હતાં. 

આ દરમિયાન તેમના કાફલાની ૧૯ કારો અચાનક એક પછી એક બંધ થઇ ગઇ હતી. તપાસમાં જાણવા મળ્યું છે કે કારોમાં ડીઝલની સાથે પાણી ભરવામાં આવ્યું હતું. વહીવટી તંત્રે તાત્કાલિક કાર્યવાહી કરતા સંબધિત પેટ્રોલ પંપ સીલ કરી દીધું છે.ગુરુવાર રાતે લગભગ ૧૦ વાગ્યે મુખ્યપ્રધાન કાફલાની ૧૯ કારો રતલામ શહેર સરહદની ડોસીગાંવ સ્થિત ભારત પેટ્રોલિયમના શકિત ફ્યુઅલ પેટ્રોલ પંપ પર ડીઝલ ભરાવવા પહોંચી હતી. 

ડીઝલ ભરાવ્યાના થોડાક જ સમય પછી તમામ કારો થોડુંક અંતર કાપીને બંધ થઇ ગઇ હતી. તેમને ધકકો મારી સડક કિનારે લઇ જવી પડી હતી. 

માહિતી મળતા જ નાયબ મામલતદાર આશીષ ઉપાધ્યાય, ખાદ્ય અને પુરવઠા અધિકારી આનંદ ગોરે સહિત વહીવટ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં.  તપાસમાં જાણવા મળ્યું હતું કે જે કારોમાં ૨૦ લીટર ડીઝલ ભરાવવામાં આવ્યું હતું તેમાંથી ૧૦ લીટર પાણી નીકળ્યું હતું. આ સ્થિતિ લગભગ તમામ વાહનોમાં જોવા મળી હતી. એક ટ્રક ચાલકે ૨૦૦ લીટર ડીઝલ ભરાવ્યું હતું જે થોડાક જ અંતરે બંધ થઇ ગઇ હતી.

ઘટના સ્થળે પહોંચેલા અધિકારીઓએ ભારત પેટ્રોલિયમના એરિયા મેનેજર શ્રીધરની પૂછપરછ કરી હતી. મેનેજરે સંભાવના વ્યક્ત કરી હતી કે વરસાદને કારણે પેટ્રોલની ટાંકીમાં પાણીનું લિકેજ થયું હોઇ શકે છે. 

સંબધિત પેટ્રોલ પંપ શક્તિ ફયુલ્સ, ઇન્દોર નિવાસી એચ આર બુંદેલાના નામે છે. ખાદ્ય અને પુરવઠા વિભાગે રાત્રે જ પેટ્રોલ પંપ સીલ કરી દીધું હતું. આ સાથે જ ઇન્દોરથી નવી ગાડીઓની વ્યવસ્થા કરી રતલામ રવાના કરવામાં આવી હતી જેથી શુક્રવારે આયોજિત થનારા એમપી રાઇઝ કોન્કલેવમાં કોઇ અવરોધ ઉભો ન થાય.

નાયબ મામલાતદાર  આશીષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે વરસાદને કારણે પેટ્રોલ ટેંકમાં પાણીનું લિકેજ થવાની આશંકા છે. ખાદ્ય અને પુરવઠા વિભાગે પેટ્રોલ પંપ સીલ  કરી દીધું છે. 

Tags :