Get The App

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ

Updated: Sep 24th, 2025

GS TEAM

Google News
Google News
ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ 1 - image


Weather Updates : પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં રાતોરાત ધોધમાર વરસાદ ખાબક્યો હતો, જેને પગલે આખુ શહેર અને આસપાસના વિસ્તારો થંભી ગયા હતા. દરમિયાન વરસાદની વિવિધ ઘટનાઓમાં 10 લોકો માર્યા ગયા હતા. જેમાં નવ લોકો વીજ કરંટને કારણે માર્યા ગયા હતા. બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠાવાડામાં પણ ભારે વરસાદ પડયો છે, સમગ્ર વિસ્તારમાં વરસાદની વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા હતા. ચોમાસુ વિદાય લઇ રહ્યું છે એવા સમયે જ કોલકાતાને વરસાદે ધમરોળ્યું હતું.


કોલકાતામાં માત્ર 24 કલાકમાં જ 250 મીમીથી વધુ વરસાદ પડયો હતો જે 1986 પછી આટલા ઓછા સમયમાં પડેલો સૌથી વધુ વરસાદ માનવામાં આવે છે. જ્યારે 137 વર્ષ પછી એક જ દિવસમાં છઠ્ઠી વખત આટલો વરસાદ પડયો છે. આ પહેલા કોલકાતામાં 1978 માં 369 મીમી વરસાદ નોંધાયો હતો. રાતોરાત આટલો વરસાદ પડતા કોલકાતા જાણે થંભી ગયું છે, મેટ્રો ટ્રેન અટકી ગઇ છે, અનેક ફ્લાઇટો રદ કરવામાં આવી છે. ઠેરઠેર જળબંબાકારને કારણે જનજીવન ખોરવાઇ ગયું હતું. દરમિયાન વીજળીના અર્થિંગને કારણે જ નવ લોકો માર્યા ગયા હતા.

ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ : કોલકાતા-મરાઠાવાડામાં આભ ફાટ્યું, મૃત્યુઆંક 18 થયો, હજુ અનેક ગુમ 2 - image

સ્થિતિને ધ્યાનમાં રાખીને બંગાળ સરકારે કોલકાતામાં દુર્ગા પૂજા પહેલા જ શાળાઓ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દીધી છે. એક જ સમયે આટલો ધોધમાર વરસાદ પડતા મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આશ્ચર્યમાં મુકાયા હતા, તેમણે કહ્યું હતું કે મે અગાઉ ક્યારેય પણ આવો વરસાદ નથી જોયો, આઠ લોકો કોલકાતામાં જ્યારે બે લોકો ૨૪ પરગાણસમાં માર્યા ગયા છે. વીજળી પુરી પાડતી ખાનગી કંપની સીઇએસસીએ પીડિતોને પાંચ લાખનું વળતર આપવું જોઇએ. હું કોલકાતાના મેયર, રાજ્યના મુખ્ય સચિવ, વરિષ્ઠ અધિકારીઓના સંપર્કમાં છું. ફરક્કા બેરેજની યોગ્ય રીતે સફાઇ નથી થતી જેને કારણે દર વખતે જ્યારે બિહાર, ઉત્તર પ્રદેશ, મુંબઇ, દિલ્હી દરેક જગ્યાએ વરસાદ પડે છે ત્યારે પાણી ભરાઇ જાય છે. આ વખતે વરસાદ થોડો અસામાન્ય છે. 

કોલકાતામાં અનેક સ્થળે મેટ્રો સેવા બંધ કરી દેવાઇ હતી, 24 અને 25 તારીખ સુધી શાળાઓ-કોલેજોમાં રજાઓ જાહેર કરી દેવાઇ છે, કોલકાતા એરપોર્ટ પર પણ ભારે પાણી ભરાયા છે જેને કારણે ફ્લાઇટોની અવર જવર પર માઠી અસર પહોંચી હતી, અહેવાલો મુજબ આશરે 30 જેટલી ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે જ્યારે 42 જેટલી ફ્લાઇટ્સને વિલંબ થયો હતો. કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં હજુ પણ બે કે ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે.



બીજી તરફ મહારાષ્ટ્રના મરાઠવાડામાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો જેની સાથે સંકળાયેલી વિવિધ ઘટનાઓમાં આઠ લોકો માર્યા ગયા છે. અહેવાલો મુજબ મરાઠવાડામાં છેલ્લા 50 વર્ષોનો સૌથી ભારે વરસાદ પડયો છે. જેને કારણે આવેલા પૂરમાં 159 ગામડાઓને અસર પહોંચી છે. આશરે 750થી વધુ મકાનોને નુકસાન પહોંચ્યું છે. 33000 હેક્ટરમાં પાકનો નાશ થયો છે. ત્રણ પુલ તુટી પડયા છે જ્યારે બે શાળાઓ અને પાંચ નાના ડેમ તુટી ગયા છે.

Tags :