Get The App

'એક બેગ'ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં... નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ

Updated: Aug 2nd, 2025

GS TEAM

Google News
Google News
'એક બેગ'ને કારણે 18 લોકો ભીડ નીચે કચડાયાં... નવી દિલ્હી સ્ટેશન નાસભાગ અંગે સરકારનો ઘટસ્ફોટ 1 - image
Images: IANS

New Delhi Railway Station Stampede Reason: રેલવે મંત્રીએ અશ્વિની વૈષ્ણવે શુક્રવારે (પહેલી ઓગસ્ટ) સંસદમાં મહાકુંભ દરમિયાન નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનું કારણ જણાવ્યું હતું. એક પ્રશ્નના જવાબમાં રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'રેલવે સ્ટેશન પર એક મુસાફરનો બેગ પડી ગયો હતો, જેના કારણે નાસભાગ મચી અને આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.' આ ઘટનામાં 11 મહિલાઓ અને 4 બાળકો સહિત 18 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા.

સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમને આ સંદર્ભમાં એક લેખિત પ્રશ્ન પૂછ્યો હતો, જેના જવાબમાં રેલવે મંત્રીએ કહ્યું હતું કે 'એક ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિએ 15મી ફેબ્રુઆરી 2025ના રોજ નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગનું મુખ્ય કારણ શોધી કાઢ્યું છે. આ દુર્ઘટના પાછળ હેડલોડને કારણભૂત ગણાવવામાં આવ્યું છે.'

ફૂટ ઓવર બ્રિજ 3 પર દુર્ઘટના કેવી રીતે સર્જાઈ?

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, 'પ્રયાગરાજ જતી ટ્રેનોમાં ચઢવા માટે હજારો લોકો રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. 15મી ફેબ્રુઆરી રાત્રે 9:15-9:30 વાગ્યાની આસપાસ પ્લેટફોર્મ 14-15ને જોડતી સીડીઓ પર નાસભાગ મચી હતી. એક મુસાફરના માથા પરથી એક ભારે વસ્તુ પડી, જેના કારણે પ્લેટફોર્મ 14/15 ની સીડીઓ પર ભીડ વધી ગઈ અને મુસાફરો પડવા લાગ્યા. આ અકસ્માત ફૂટ ઓવર બ્રિજ 3 પર થયો હતો. પોસ્ટમોર્ટમ તપાસ મુજબ, પીડિતોનું મૃત્યુ આઘાતજનક શ્વાસ રૂંધાઈ જવાથી થયું હતું.'

આ પણ વાંચો: જમ્મુ-કાશ્મીરમાં ફરી મોટું ઓપરેશન, એક આતંકી ઠાર, બે-ત્રણ ઘેરાયા, રાતભર અથડામણ

માથા પર સામાન હોવાને કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી હતી

તપાસમાં સામે આવ્યું છે કે, ભીડ નિયંત્રણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ રાત્રે 8:15 વાગ્યા પછી ફૂટ ઓવર બ્રિજ પર મુસાફરોની સંખ્યા ઘણી વધી ગઈ હતી. ઘણાં મુસાફરોના માથા પર ભારે સામાન હતો, જેના કારણે 25 ફૂટ પહોળા ફૂટ ઓવર બ્રિજ પર અવરજવરમાં અવરોધ આવી રહ્યો હતો.

નવી દિલ્હી રેલવે સ્ટેશન પર થયેલી નાસભાગ વર્ષ 2017માં મુંબઈમાં થયેલી ઘટના પછીની સૌથી મોટી છે. મુંબઈમાં એલ્ફિન્સ્ટન રોડ પર થયેલી નાસભાગમાં 23 લોકોના મોત થયા હતા. ફેબ્રુઆરીમાં થયેલી નાસભાગ બાદ સરકારની ભારે ટીકા થઈ હતી અને ભીડ નિયંત્રણ વ્યવસ્થા પર સવાલો ઊભા થયા હતા. રેલવે મંત્રીએ સંસદમાં જણાવ્યું હતું કે 'આવી ઘટનાઓને રોકવા માટે 73 ભીડવાળા સ્ટેશનો પર ભીડ વ્યવસ્થાપનના પગલાં લાગુ કરવામાં આવશે.'

Tags :