ગોવામાં કાળજું કંપાવનારી ઘટના: મિત્રો બૂમો પાડતા રહ્યા પણ બીચ કિનારે બેસીને દારૂ પીતો યુવક દરિયામાં તણાયો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Drunk Tourist Drowned In Goa Baga Beach : દરિયાકિનારો હોય કે પહાડો, સાવધાની અને સતર્કતા ખૂબ જ જરૂરી છે. ગોવામાં એક દરિયાઈ ખડક પર બેસીને દારૂ પીવાના ચક્કરમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. ઊંચા પહાડો, ઊંડી નદીઓ, ગાઢ જંગલો કે ઉછળતો દરિયો. આમાંથી કોઈપણ જગ્યા જોવા-ફરવામાં ખૂબ જ સુંદર લાગે છે. પરંતુ આ જગ્યાઓ પર જતા સમયે સાવચેતી રાખવી પણ એટલી જ જરૂરી છે. સહેજ પણ પગ લપસ્યો કે એક ખોટું પગલું પડ્યું, તો જીવ પણ જઈ શકે છે. આ જ કારણે પર્યટન વિભાગ આવી તમામ જગ્યાઓ પર ચેતવણી આપતા સાઈનબોર્ડ પણ લગાવે છે. છતાં પણ કેટલાક લોકો આ ચેતવણીને ગંભીરતાથી લેતા નથી, અને તેના લીધે પોતાનો જીવ ગુમાવે છે. આવો જ એક કિસ્સો ગોવામાંથી સામે આવ્યો છે. અહીંના પ્રખ્યાત બાગા બીચ પર એક પ્રવાસી દરિયામાં તણાઈ ગયો. તે કિનારા પાસે આવેલા એક ખડક પર બેઠો હતો. મિત્રો તેને ત્યાંથી હટી જવા માટે બૂમો પાડતા રહ્યા, પરંતુ તેણે વાત ના સાંભળી અને અંતે દરિયાના મોજાં તેને વહાવી ગયા.
કર્ણાટકથી ગોવા ફરવા આવ્યો હતો યુવક
મૃતકની ઓળખ વિજાપુર, કર્ણાટકના રહેવાસી સહસ અશપક મસાલી તરીકે થઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, મસાલી દરિયાકિનારે ખડકો પર બેઠો હતો, ત્યારે જ દરિયામાં ઉઠેલા જોરદાર મોજાંએ તેને પાણીમાં ખેંચી લીધો. તેને શોધવાના પ્રયાસો તરત જ શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ એટલો ઝડપી હતો કે, તે દૂર સુધી તણાઈ ગયો. ઘટના બાદ ત્યાંના અધિકારીઓએ સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ મોજાં એટલા પ્રચંડ હતા કે, ભારે જહેમત બાદ પણ મસાલીના કોઈ સમાચાર ન મળ્યા. કલાકોની શોધખોળ બાદ, રેસ્ક્યૂ ટીમે દરિયાકિનારેથી તેનો મૃતદેહ રિકવર કર્યો હતો.
વાઈરલ વીડિયોમાં શું દેખાયું?
આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં એક વ્યક્તિ ખડકો પાસે ઉછળતા દરિયામાં મોજાંની ઝપેટમાં આવ્યા બાદ પાણીના પ્રવાહ સામે ઝઝૂમતો જોવા મળી રહ્યો છે. આસપાસ ઉભેલા લોકો ગભરાઈ ગયા છે, પરંતુ મોજાં એટલા તેજ અને ઊંચા છે કે, સારો એવો તરવૈયો પણ પાણીમાં ઉતરવાની હિંમત ન કરી શકે. ઘટના બાદ તંત્રએ શોધખોળની કવાયત શરૂ કરી હતી, પરંતુ તેજ મોજાં અને ઓછી વિઝિબિલિટીના કારણે રેસ્ક્યૂ ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું.
અહેવાલો મુજબ, મસાલીએ ખડક પર જઈને બેસતા પહેલા દારૂ પણ પીધો હતો. તેના મિત્રોએ તેને ઘણી વાર ના પાડી હતી, પરંતુ તેણે કોઈની વાત માની નહીં. પરિણામે, મોજાંની ઝપેટમાં આવ્યા બાદ તે બચી શક્યો નહીં.
આ ઘટના બાદ, સરકાર તરફથી ત્યાં બીચ પ્રોટેક્શન માટે તૈનાત એજન્સી 'દ્રષ્ટિ મરીન' દ્વારા ફરી એકવાર પ્રવાસીઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ દરિયાકિનારે આવેલા ખડકોથી દૂર રહે. એવું પણ કહેવામાં આવ્યું છે કે, હાઈ ટાઈડ (ભરતી) અથવા ખરાબ હવામાન દરમિયાન લોકો દરિયામાં ન જાય. તેમણે ચેતવણી આપી છે કે, તેજ મોજાં કોઈ પણ પ્રકારની ચેતવણી આપ્યા વિના અચાનક આવી શકે છે, તેથી કિનારા પર સતર્ક રહેવું ખૂબ જ જરૂરી છે.









