India

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો

By GS TEAM
19 Mar 20263 mins read
TukuTouch Logo
આજના સમયમાં યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતના એક રાજ્યમાંથી ચિંતાજનક માહિતી સામે આવી છે. હરિયાણા વિધાનસભામાં બુધવારે સરકારે ખુલાસો કર્યો છે કે, જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 વચ્ચે લગભગ 18,000 લોકોના હાર્ટ એટેકથી અથવા હાર્ટ ફેલ્યોરથી મોત થઈ ગયા છે. આમાં મૃતકોની ઉંમર 18થી 45 વર્ષ હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો

Haryana Heart Attack Statistics: આજના સમયમાં યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે ભારતના એક રાજ્યમાંથી ચિંતાજનક માહિતી સામે આવી છે. હરિયાણા વિધાનસભામાં બુધવારે સરકારે ખુલાસો કર્યો છે કે, જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 વચ્ચે લગભગ 18,000 લોકોના હાર્ટ એટેકથી અથવા હાર્ટ ફેલ્યોરથી મોત થઈ ગયા છે. આમાં મૃતકોની ઉંમર 18થી 45 વર્ષ હતી. આ માહિતી રાજ્ય સરકારે કોંગ્રેસના એક ધારાસભ્યના સવાલના જવાબમાં આપી છે. 

એજન્સીના જણાવ્યા પ્રમાણે ધારાસભ્યએ સવાલ કર્યો હતો કે 2020થી અત્યાર સુધીમાં યુવાનો (18-45 વર્ષ)માં હાર્ટ એટેક અથવા હાર્ટ ફેલ્યોરથી થયેલા મૃત્યુ માટે વર્ષ-દર-વર્ષ અને જિલ્લાવાર આંકડા શું છે, અને શું સરકારે એ તપાસ કરી છે કે આ મૃત્યુનો COVID-19 અથવા COVID-19 વેક્સિનેશન સાથે કોઈ સબંધ છે? સરકારે સ્પષ્ટતા કરી કે, આવો કોઈ સર્વે કે સ્ટડી નથી. જો કે, જિલ્લા સ્તરથી મળેલા ડેટાના આધાર પર મોતની સંખ્યા સામે આવી છે. 

સરકારી આંકડા પ્રમાણે રાજ્યમાં યુવાનોમાં હૃદય રોગને કારણે થયેલા મૃત્યુની વાર્ષિક વિગતો નીચે પ્રમાણે છે:

2020: 2,394 મોત

2021: 3,188 મોત

2022: 2,796 મોત

2023: 2,886 મોત

2024: 3,063 મોત

2025: 3,255 મોત

જાન્યુઆરી 2026માં: 391 મોત

એકંદરે જાન્યુઆરી 2020થી જાન્યુઆરી 2026 સુધીમાં કુલ 17,973 યુવાનોના મોત હાર્ટ એટેક અથવા હાર્ટ ફેઇલ્યોરથી થયા છે. 

જિલ્લા સ્તર પર આંકડા

જિલ્લા સ્તરે પરિસ્થિતિમાં ઘણું અંતર જોવા મળ્યું છે. ઉદાહરણ તરીકે યમુનાનગર જિલ્લામાં દર વર્ષે મૃત્યુની સંખ્યા નીચે મુજબ રહી હતી.

2020: 387

2021: 461

2022: 375

2023: 378

2024: 410

2025: 389

બીજી તરફ રોહતક જિલ્લામાં આ સંખ્યા ઘણી ઓછી રહી છે: 33, 41, 40, 27, 30 અને 30. ગુરુગ્રામમાં વાર્ષિક મૃત્યુની સંખ્યા અનુક્રમે: 113, 105, 116, 114, 93 અને 83 રહી હતી. આ આંકડાથી સ્પષ્ટ થાય છે કે કેટલાક જિલ્લાઓમાં હાર્ટ એટેકથી થતા મૃત્યુનો દર અન્ય જિલ્લાઓ કરતા ઘણો વધારે છે.

કોવિડ-19 અને હાર્ટ એટેક: કોઈ સ્ટડી નથી

ધારાસભ્યના સવાલના જવાબમાં સરકારે એમ પણ કહ્યું કે, આ મૃત્યુ કોવિડ-19 કે વેક્સિનેશન સાથે સંબંધિત છે કે નહીં તે જાણી નથી શકાયું, કારણ કે તેના પર કોઈ સ્ટડી કે સર્વે હાથ ધરવામાં નથી આવ્યો. નિષ્ણાતોનું માનવું છે કે, કોવિડ-19 ઈન્ફેક્શન હૃદયને અસર કરી શકે છે, પરંતુ તેને સીધી રીતે મૃત્યુ સાથે જોડાવા માટે સ્ટડીની જરૂર છે.

આ પણ વાંચો: ઈરાનમાં યુદ્ધ વચ્ચે ઈઝરાયલ-અમેરિકા વચ્ચે જ તિરાડ? યુદ્ધથી પાછળ હટવાનું બહાનું શોધી રહ્યા છે ટ્રમ્પ

હરિયાણામાં હાર્ટ એટેકથી થતા મોત ચિંતાજનક છે. નિષ્ણાતોનું કહેવું છે કે બદલાતી જીવનશૈલી, તણાવ, આહાર, ધૂમ્રપાન અને દારૂનું સેવન તેનું કારણ હોઈ શકે છે. આ ઉપરાંત શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને સ્થૂળતા પણ જોખમનું કારણ હોઈ શકે છે. 

યુવા વર્ગમાં હાર્ટ એટેકના કિસ્સામાં વધારો

યુવા વર્ગમાં હાર્ટ એટેકની ઘટનાઓ ઝડપથી વધી રહી છે. લોકો ઘણીવાર પોતાની નાની ઉંમરને કારણે હૃદય સંબંધિત સમસ્યાઓને અવગણે છે, જોકે પ્રાથમિક તપાસ અને લાઈફસ્ટાઈલમાં ફેરફારથી તેને રોકી શકાય છે. નિષ્ણાતો ભલામણ કરે છે કે, યુવાનોએ નિયમિત હાર્ટ ચેકઅપ કરાવવું જોઈએ અને બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલનું નિરીક્ષણ કરવું જોઈએ અને સંતુલિત આહાર સાથે કસરત કરવી જોઈએ.