ઈરાદાપૂર્વક લોન ન ચૂકવનારા 1600 ડિફોલ્ટર્સે બેન્કોના 1.62 લાખ કરોડ ચાંઉ કર્યા, સંસદમાં આંકડો જાહેર
Willful defaulters News : ભારતીય બેન્કો પર લોનનું ભારણ વધી રહ્યું છે, જે સાથે જ લોન લેનારા એવા લોકોની સંખ્યા પણ વધી રહી છે કે જેઓ લોનની રકમ ચુકવવા સક્ષમ હોવા છતા નથી ચુકવી રહ્યા. સંસદમાં સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ દેશભરની બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઇને તેને ચુકવવાની ના પાડનારા વિલફુલ ડિફોલ્ટર એટલે કે આર્થીક રીતે સક્ષમ નાદારોની સંખ્યા 1600થી પણ વધુ છે. આ લોકો બેન્કોના આશરે 1.62 લાખ કરોડ રૂપિયા દબાવીને બેઠા છે.
રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણામંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં ખુલાસો કર્યો હતો કે 31 માર્ચ 2025 સુધી પીએસયુ બેન્કોએ 1629 કોર્પોરેટ ડિફોલ્ટર્સની ઓળખ કરી છે કે જેઓ ઇરાદાપૂર્વક લોન નથી ચુકવી રહ્યા. આ તમામ વિલફુલ ડિફોલ્ટર્સ પર કુલ મળીને 162961 કરોડ રૂપિયાનું દેવુ છે, જે ચુકવવાની ના પાડી રહ્યા છે. બેન્કો દ્વારા સીઆરઆઇએલસીને જે રિપોર્ટ સોંપવામાં આવ્યો તેના આધારે આ આંકડા જાહેર કરવામાં આવ્યા છે.
મંત્રીએ દાવો કર્યો હતો કે સરકાર હાલ આવા વિલફુલ ડિફોલ્ટર્સને લઇને કેટલાક પગલા લઇ રહી છે, જેમ કે આવા લોકોને નવુ સાહસ શરૂ કરવા માટે વધારાની લોન નથી અપાતી. ડિફોલ્ટર્સ સાથે જોડાયેલી કંપનીઓને કેપિટલ માર્કેટમાં પ્રવેશ નથી અપાતો. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના માસ્ટર ડાયરેક્શન મુજબ બેન્કોએ દર મહિને વિલફુલ ડિફોલ્ટર્સની યાદી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ(સીઆઇસીએસ)ને સોંપવાની હોય છે. કરોડોની લોન લઇને ફરાર થઇ ગયેલા આશરે નવ જેટલા લોકોને ભાગેડુ જાહેર કરવામાં આવ્યા છે, જેમની પાસેથી બેન્કોએ ૧૫,૨૯૮ રૂપિયા લેવાના બાકી છે.
વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકોને કહેવામાં આવે છે કે જેઓ તેમણે લીધેલી લોનની રકમ પરત કરવા માટે સક્ષમ તો હોય છે પરંતુ તેમ છતા નથી ચુકવતા અથવા બહાના બતાવ્યા રાખે છે. હાલ જે વિલફુલ ડિફોલ્ટર્સના આંકડા જાહેર કરવામાં આવ્યા છે તે માર્ચ 2025 સુધીના છે. નોંધનીય છે કે ગયા વર્ષે માર્ચ 2024 સુધીના આંકડા આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા જે મુજબ તે સમયે દેશમાં વિલફુલ ડિફોલ્ટર્સની સંખ્યા 2664 હતી અને તેમણે બેન્કોના આશરે 1.96 લાખ કરોડ રૂપિયા દબાવીને રાખ્યા હતા. આ વિલફુલ ડિફોલ્ટર્સ એવા લોકો છે કે જેમણે બેન્કો પાસેથી કરોડો રૂપિયાની લોન લીધી, તેની મદદથી ખુબ મોટી રકમ બનાવી અને ધંધો જમાવ્યો, હવે પોતાની પાસે નાણા હોવા છતા તેઓ લોનની રકમ ચુકવવા નથી માગતા.