India

16 વર્ષની સગીરાના 33 વર્ષના યુવક સાથે પરાણે લગ્ન, ભાગીને સુપ્રીમ પહોંચી

By GS TEAM
19 Jun 20252 mins read
16 વર્ષની સગીરાના 33 વર્ષના યુવક સાથે પરાણે લગ્ન, ભાગીને સુપ્રીમ પહોંચી

- માતા પિતાએ ઉધાર રૂપિયા લીધા હતા તેની સાથે પરણવા મજબૂર કરી 

- સગીરા અને તેને મદદ કરનારા મિત્રને સુરક્ષા આપવા ડીજીપીને આદેશ, તમામ જવાબદાર પાસેથી જવાબ માગ્યો

- શારીરિક સંબંધ ના બાંધુ તો પતિ મારપીટ કરતો, બાળક પેદા કરવા દબાણ કરતો, મારે ભણવું છે : સગીરાની આજીજી

નવી દિલ્હી : બિહારમાં માત્ર ૧૬ વર્ષની સગીરાને બળજબરીથી ૩૩ વર્ષના એક યુવક સાથે પરણાવવામાં આવી હતી. મરજી વિરુદ્ધ થયેલા આ લગ્નથી સગિરા ખુશ નહોતી જેથી તેણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને સુરક્ષા માગી હતી. સુપ્રીમ કોર્ટે આ મામલે બિહાર સરકાર પાસેથી જવાબ માગ્યો છે. સાથે જ રાજ્યના ડીજીપી તેમજ દિલ્હીના પોલીસ કમિશનરને આ સગીરા અને તેના મિત્રની સુરક્ષા કરવા આદેશ આપ્યો હતો.

સગીરાની મરજી વિરુદ્ધ લગ્ન થયા હતા, લગ્ન બાદ યુવક અને તેનો પરિવાર બળજબરી કરી રહ્યો હતો અને લગ્ન જાળવી રાખવા દબાણ કરી રહ્યો હતો. જેને પગલે સગીરાએ મિત્રોની મદદથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુપ્રીમના ન્યાયાધીશ ઉજ્જલ ભુઇંયા અને મનમોહનસિંહની બેંચે સગીરા અને તેના મિત્રની સુરક્ષા વધારવા આદેશ આપ્યો હતો. સગીરાના મિત્ર પર તેને બળજબરીથી ભગાડી જવાના આરોપો હેઠળ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. સગીરાને તેના મિત્રએ ભાગવામાં અને છુપાવી રાખવામાં મદદ કરી હતી. 

બિહારની સગીરાએ બળજબરીથી થયેલા આ લગ્નને બાળ લગ્ન વિરોધી કાયદા ૨૦૦૬ હેઠળ લગ્ન રદ કરવાની માગણી કરી હતી. સગીરાએ પોતાની અરજીમાં કહ્યું હતું કે મારા માતા પિતાએ ૯ ડિસેમ્બરના રોજ મારા બળજબરીથી ૩૩ વર્ષના એક સિવિલ કોન્ટ્રાક્ટર સાથે લગ્ન કરાવ્યા હતા. બાદમાં તરત જ મને મારા સાસરિયામાં મોકલી દેવામાં આવી હતી. મારી બોર્ડની પરીક્ષા ચાલી રહી હોવા છતા મને બળજબરીથી ત્યાં મોકલવામાં આવી હતી. બાદમાં મારા સાસરિયાએ મને મારા માતા પિતા પાસે પરત જવાની મંજૂરી આપવાની પણ ના પાડી દીધી અને ત્યાં જ રહેવા માટે દબાણ કર્યું, લગ્નમાં બહુ ખર્ચો કર્યો હોવાનુ કહીને બળજબરીથી મને ત્યાં રાખવામાં આવી હતી અને મને બાળક પેદા કરવા માટે દબાણ કરતા હતા. 

શારીરિક સંબંધ ના બનાવવા પર મારી સાથે મારપીટ કરવામાં આવી હતી. મારા માતા પિતાએ મારા પતિ પાસેથી રૂપિયા લીધા હતા, મારે શિક્ષિકા અથવા વકીલ બનવું હતું. બાદમાં સગીરા ગમે તેમ કરીને માતા પિતા પાસે પહોંચી ગઇ હતી, જોકે સાસરિયાવાળા તેના પર દબાણ વધારતા હતા તેથી તેણે એક મિત્રની મદદ લઇને ઘર છોડી દીધું. હાલ મને મારવાની ધમકી અપાઇ રહી છે તેવા દાવા બાદ સુપ્રીમ કોર્ટે બિહારના ડીજીપીને સગીરા અને તેના મિત્રની સુરક્ષા કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ આ મામલે વધુ રિપોર્ટ માગ્યો હતો. સગીરાના સાસરિયાઓ પાસેથી પણ જવાબ મગાવાયો છે.