દિલ્હીમાં પણ અમદાવાદ જેવી ઘટના, સ્કૂલ બહાર 15 વર્ષના વિદ્યાર્થીને છાતીમાં છરી મારી
AI Images |
Delhi Crime: દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ ઘટના ચોથી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી લઈને પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ બની હતી.
જાણો શું છે મામલો
અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.
આ પણ વાંચો: ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના-હીરા જડિત કળશ ચોરાયું , દિલ્હી પોલીસ દોડતી થઈ
હુમલા બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી કોઈક રીતે પોલીસ સ્ટેશન પહોંચ્યો. છરી તેની છાતીમાં હતી. જ્યારે પોલીસકર્મીઓએ આ જોયું ત્યારે તે પણ સ્તબ્ધ થઈ ગયા. પોલીસે વિદ્યાર્થીને કલાવતી સરન હોસ્પિટલમાં લઈ ગયા. બાદમાં તેને આરએમએલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો. ડોક્ટરોએ વિદ્યાર્થીની છાતીમાંથી છરી કાઢી. હાલમાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.
પોલીસે ત્રણ સગીરોની ધરપકડ કરી
પોલીસે તાત્કાલિક આ મામલે કેસ નોંધ્યો હતો. હાલ ત્રણેય સગીરોને આરામ બાગ વિસ્તારમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની ઉંમર 15 અને 16 વર્ષની હોવાનું કહેવાય છે. પોલીસે ગુનામાં વપરાયેલી છરી અને તૂટેલી બીયરની બોટલ પણ જપ્ત કરી છે. સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ નિધિન વાલસને જણાવ્યું હતું કે. 'આ હુમલો સંપૂર્ણપણે દુશ્મનાવટને કારણે કરવામાં આવ્યો હતો. ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.'