Get The App

ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર

આત્મસર્મપણ કરનારા નકસલીઓમાં ૨.૩૫ કરોડનું ઇનામ ધરાવતો ટોચનો નેતા અનીલ દા પણ સામેલ

ચોક્કસ બાતમીને આધારે સવારે ઓપરેશન શરૃ કરાયું હતું

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઝારખંડમાં ટોચના કમાન્ડર સહિત ૧૫ નકસલવાદીઓ ઠાર 1 - image

(પીટીઆઇ)     ચાઇબાસા, તા. ૨૨

ગુરૃવારે ઝારખંડનાં પશ્ચિમ સિંહભૂમ જિલ્લામાં સુરક્ષા દળો સાથેના ગોળીબારમાં  રૃ. ૨.૩૫ કરોડ રૃપિયાનું ઇનામ ધરાવતા નકસલવાદીઓનાં ટોચનાં નેતા અનલ દા સહિત  પંદર નકસલવાદીઓને ઠાર મારવામાં આવ્યા હતાં તેમ પોલીસે એક નિવેદનમાં જણાવ્યું હતું.

પોલીસનાં જણાવ્યા અનુસાર  કિરીબુરુ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સારંડા જંગલનાં કુમડીમાં હાથ ધરાયેલા ઓપરેશનમાં  સીઆરપીએફનાં કોબ્રા યુનિટનાં ૧૫૦૦ જવાનો સામેલ હતાં.

પોલીસ મુખ્યાલય તરફથી એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે અમે ૧૫ માઓવાદીઓનાં મૃતદેહ શોધી કાઢ્યા છે જેમાં તેમના ટોચનાં નેતા પતિરામ માંઝી ઉર્ફે અનલ દાનો પણ સમાવેશ થાય છે.

ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૃગોળો અને શસ્ત્રો પણ મળી આવ્યા છે. સવારે ૬ વાગ્યે શરૃ કરવામાં આવેલુ એન્કાઉન્ટર સાંજ સુધી ચાલુ રહ્યું હતું.

ઝારખંડ પોલીસના ઇન્સ્પેક્ટર જનરલ (ઓપરેશન) માઇકલ રાજ એસએ જણાવ્યું હતું કે પોલીસને સારંડા જંગલમાં અનલ દા અને તેમના સાથીઓની હાજરીની માહિતી મળ્યા પછી ઓપરેશન શરૃ કરવામાં આવ્યું હતું.

ગિરિડીહ જિલ્લાના પીરતંદ નિવાસી અનલ દા ૧૯૮૭થી સક્રિય હતો અને પોલીસ વર્ષોથી તેને શોધી રહી હતી. પ્રાથમિક માહિતી અનુસાર કોબરા ૨૦૯ બટાલિયનનાં નેતૃત્ત્વમાં સીઆરપીએફ અને રાજ્ય પોલીસની સંયુક્ત ફોર્સ ગુરૃવાર સવારે સારંડા જંગલના કુંભદિહ ગામની પાસે માઓવાદી વિરોધી અભિયાન શરૃ કર્યુ હતું.

તે જ સમયે અનલ દા અને લાલચંદ હેમબ્રમ ઉર્ફે અનમોલના નેતૃત્ત્વવાળા માઓવાદીઓએ જવાનો પર ગોળીબાર કર્યો હતો. ત્યારબાદ સુરક્ષા દળોને જવાબી કાર્યવાહીની ફરજ પડી હતી.

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અનેક વખત જણાવ્યું છે કે ૩૧ માર્ચ, ૨૦૨૬ સુધીમાં સમગ્ર દેશમાંથી નકસલવાદનો સફાયો કરવા માટે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે.

૨૦૦૧ થી ૨૦૨૫ દરમિયાન ઝારખંડમાં ૧૧,૦૦૦થી વધુ માઓવાદીઓની ધરપકડ કરવામાં આવી છે, ૨૫૦ને ઠાર મારવામાં આવ્યા છે અને ૩૫૦ નકસલવાદીઓએ સુરક્ષા દળા સમક્ષ આત્મસમર્પણ કર્યુ છે.