Get The App

14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર

Updated: Jan 4th, 2026

GS TEAM

Google News
Google News
14 નક્સલી ઠાર, હીડમાના સાથી એક કરોડના ઇનામી સહિત 19નું સરેન્ડર 1 - image

- નવા વર્ષે છત્તીસગઢમાં સુરક્ષાદળોનું મોટું ઓપરેશન

- માત્ર સુકમા જિલ્લામાં જ પાંચ મહિલા સહિત 12 નક્સલી માર્યા ગયા, બીજાપુરમાંથી બેના મૃતદેહ મળ્યા

બીજાપુર : છત્તીસગઢમાં સુરક્ષાદળો દ્વારા નક્સલીઓના સફાયા માટે મોટું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જેને આ વર્ષે વધુ ઝડપી બનાવાઇ રહ્યું છે. નવા વર્ષ ૨૦૨૬માં પણ સુરક્ષાદળોને પ્રથમ મોટી સફળતા મળી છે. છત્તીસગઢમાં વધુ એક ઓપરેશનમાં ૧૪ નક્સલીઓ માર્યા ગયા છે. સૌથી વધુ નક્સલ પ્રભાવિત બીજાપુર અને સુકમા જિલ્લામાં આ એન્કાઉન્ટર કરવામાં આવ્યા હતા. 

જે ૧૪ નક્સલીઓ માર્યા ગયા છે તેમાં પાંચ મહિલાઓ સહિત ૧૨ નક્સલીઓ સુકમા જિલ્લામાં માર્યા ગયા હતા જ્યારે બે નક્સલીઓનો મૃતદેહ બીજાપુરના જંગલોમાંથી મળી આવ્યો છે. ગુપ્ત માહિતીના આધારે રાજ્ય પોલીસ દળ, ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (ડીઆરજી) દ્વારા નક્સલવાદ વિરોધી ઓપરેશન ચલાવાયું હતું.  ગયા વર્ષે ૨૦૨૫માં છત્તીસગઢમાં કુલ ૨૮૫ નક્સલીઓ ઠાર મારવામાં આવ્યા હતા. કેન્દ્ર સરકારે ૩૧મી માર્ચ ૨૦૨૬ સુધીમાં દેશને નક્સલવાદથી મૂક્ત કરવાની જાહેરાત કરી છે. 

આ ડેડલાઇન નજીક આવી રહી છે તેમ તેમ સુરક્ષાદળોનું ઓપરેશન ઝડપી બનાવાઇ રહ્યું છે. 

સુરક્ષાદળોની કામગીરીથી હાલ નક્સલીઓમાં પણ મોતનું ડર જોવા મળી રહ્યું છે. જેને પગલે સરેન્ડર કરવા લાગ્યા છે. તાજેતરમાં જ માર્યા ગયેલા નક્સલીઓના ટોચના નેતા માડવી હિડમાના ખાસ સાથી ગણાતા બરસા દેવાએ સરેન્ડર કરી દીધુ છે. તેલંગાણામાં સક્રિય બરસા દેવા પર પોલીસ પ્રશાસન દ્વારા એક કરોડ રૂપિયાથી વધુનુ ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું. બરસા દેવાએ એકલા નહીં પણ પોતાના ૧૯ જેટલા સાથીદારોની સાથે મળીને હથિયાર મુક્યા હતા અને મુખ્ય પ્રવાહમાં આવવા પ્રયાસ કર્યો છે. 

સરેન્ડર દરમિયાન ૪૮ એલએમજી અને ૨૦ લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. બરસા દેવા છત્તીસગઢના સુકમા જિલ્લાના પુર્વતી ગામનો રહેવાસી છે. જેને બટાલિયન નંબર એકનો પ્રમુખ પણ બનાવાયો હતો.