વાવાઝોડાં અને ભારે વરસાદના કારણે ઉત્તર પ્રદેશ- બિહારમાં 14ના મોત
- વંટોળ અને વરસાદના કારણે દિલ્હીના તાપમાનમાં ઘટાડો
- ખેતરોમાં ઉભો પાક નષ્ટ થયો : કોરોના મહામારી, લોકડાઉન અને વરસાદના કારણે ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ 2020, રવિવાર
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે વાવાઝોડાં અને વરસાદની પરિસ્થિતિ હતી. બિહારમાં ત્રણ જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે ૧૨ વ્યક્તિના મોત થયા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદના કારણે મકાન ધસી પડતા બે વ્યક્તિના મોત થયા છે. કોરોના વાઇરસની મહામારી, લોકડાઉન અને વરસાદના કારણે ખેડૂતો માટે પડયા પર પાટું જેવી સ્થિતિ સર્જાઇ છે. આ ઉપરાંત રાજધાની દિલ્હીમાં પણ આજે વંટોળ અને વરસાદના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે.
બિહારમાં આજે ત્રણ જિલ્લાઓમાં વીજળી પડવાના કારણે કુલ ૧૨ વ્યક્તિના મોત થયા છે. સરન જિલ્લામાં વીજળી પડવાથી નવ વ્યક્તિના મોત થયા છે. આ ઉપરાંત જમુઇમાં બે અને ભોજપુરમાં એક વ્યકિતનું મોત થયું છે. આ ઉપરાંત સરન જિલ્લામાં વીજળી પડવાથી આઠ વ્યકિત ઇજાગ્રસ્ત થઇ છે. તેમને સારવાર માટે છપરા સદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લાના જગદીશપુરી ગામમાં ભારે વરસાદના કારણે મકાનની છત તૂટી પડતાં ૫૮ વર્ષીય પુરૂષ અને તેની ૧૮ વર્ષીય પુત્રીનું મૃત્યુ થયું છે.
ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિ સર્જાઇ છે. ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગર, મેરઠ, બાગપત, સહારનપુર, બિજનૌર જિલ્લાઓ તેમજ બિહારના પૂર્વ વિસ્તારોના ખેતરોમાં ઉભા પાકને આજે ભારે નુકસાન થયું છે અને કેટલાંક ખેતરોમાં સંપૂર્ણ પાક નષ્ટ થયો છે. તો બીજી તરફ રાજધાની દિલ્હીમાં આજે વંટોળ અને વરસાદના કારણે તાપમાન નીચું ગયું હતું અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. દિલ્હીમાં વરસાદના કારણે આજે લઘુતમ તાપમાન ૨૩ ડિગ્રી નોંધાયું છે.